રિટેલ સેક્ટરમાં જંગનાં મંડાણ : ૫૦થી વધુ ગ્લોબલ બ્રાન્ડની ટૂંકમાં એન્ટ્રી થઈ શકે  છે - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • રિટેલ સેક્ટરમાં જંગનાં મંડાણ : ૫૦થી વધુ ગ્લોબલ બ્રાન્ડની ટૂંકમાં એન્ટ્રી થઈ શકે  છે

રિટેલ સેક્ટરમાં જંગનાં મંડાણ : ૫૦થી વધુ ગ્લોબલ બ્રાન્ડની ટૂંકમાં એન્ટ્રી થઈ શકે  છે

 | 12:18 am IST

વોટ્સએપ કોર્પોરેટ :- કલ્પેશ શેઠ

માલ્યા, નીરવ તથા મેહુલ જેવા ભારતીયો ભારત છોડીને વિદેશ જઈ રહ્યા છે જ્યારે Korres, Migato, Evisu, Amazon, Alibaba તથા monnalisa જેવી વિદેશી બ્રાન્ડો ભારતમાં એન્ટ્રી કરવા થનગની રહી છે. જવાવાળા ફૂલેકાં ફેરવીને દેશમાંથી નાણાં લઈને ચાલ્યા ગયા છે જ્યારે ભારતમાંથી નાણાં કમાવાની આશાએ આવનારા નવા મૂડીરોકાણ સાથે આવવાની વેતરણમાં છે..! જી, હા, આગામી છ મહિનામાં ભારતમાં ૫૦ જેટલી નવી ગ્લોબલ રિટેલ બ્રાન્ડ આશરે ૫૦ કરોડ ડોલરના મૂડીરોકાણ સાથે આશરે ૩,૦૦૦ નવા સ્ટોર ચાલુ કરવાની તૈયારી કરી રહી છે. આમાંના ઘણા અમેરિકા, સિંગાપોર કે ચીનનાં મોટાં માથાં છે.

ભારતની વિકસી રહેલી ઈકોનોમી, વધી રહેલા શહેરીકરણ તથા મધ્યમવર્ગીય લોકોની વધી રહેલી ખરીદશક્તિના કારણે વિશ્વના ઘણા દેશોની બહુરાષ્ટ્રીય કંપનીઓની નજર ભારતનાં બજાર પર છેલ્લા એકાદ દાયકાથી મંડાયેલી છે. આમાંના ઘણા દેશોની સ્થિતિ એવી છે કે તેમના સ્થાનિક બજાર હવે જનતાની ખર્ચા કરવાની શક્તિની ચરમસીમા વટાવી ચૂક્યા છે. મતલબ કે આ સ્થળોએ કંપનીઓને વધારે વેપાર કે વેચાણની તકો હવે દેખાતી નથી. તેથી નવા બજારની શોધમાં સૌ ભારત તરફ વળી રહ્યા છે. એક તો ૧૩૦ કરોડની વસતી અનેક સંસ્કૃતિ અને એટલી જ મોસમ હોવાના કારણે ભારત મોસ્ટ પ્રેફ્રિન્શયલ માર્કેટ ગણી શકાય છે. બાકી હોય તો દેશની વધતી વસ્તીમાં મોટી સંખ્યા યુવાનોની હોવાની ફેશન, ફૂડ, મનોરંજન તથા ટેક્નોલોજી જેવા સેક્ટરનો વેપાર વધારવાની અહીં વિપુલ તકો છે.

આંકડા જોઈએ તો છેલ્લા એક દાયકામાં વૈશ્વિક સ્તરની ટોપ બ્રાન્ડ પ્રોડક્ટ્સ ભારતમાં એન્ટ્રી કરી ચૂકી છે જે બિલિયોનેર ગ્રૂપના કસ્ટમરોને ટાર્ગેટ કરે છે. હવે આવનારી કંપનીઓ મધ્યમ વર્ગીય લોકોનાં બજેટ પર થોડો વધારે બોજ નાખીને તેમના ખિસ્સામાંથી નાણાં કઢાવવાની રણનીતિ સાથે એન્ટ્રી કરશે. નવી આવી રહેલી બ્રાન્ડસમાં ૧૮ ફૂડ એન્ડ બેવરેજિસ કંપની છે. જ્યારે એપરલ, લાઈફસ્ટાઈલ તથા એજ્યુકેશન એમ ત્રણેય સેક્ટરની ઓછામાં ઓછી ૧૦-૧૦ બ્રાન્ડ ભારતમાં એન્ટ્રી કરવાની વેતરણમાં છે. વિશ્વભરમાં ૭૦૦થી વધારે ફ્રેન્ચાઈઝી ધરાવતી બ્રિટીશ ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ બ્રાન્ડ સધર્ન ફ્રાઇડ ચિકનના ચેરમેન એન્ડ્રયુ વિથરે ભારતમાં કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે કહે છે કે ભારતમાં નોન-વેજ ફૂડ સેક્ટરમાં સૌથી મોટું માર્કેટ ચિકનનું છે. તેથી હવે નજીકના ભવિષ્યમાં આ બ્રાન્ડની સંખ્યાબંધ ચિકન પ્રોડક્ટસ ભારતમાં મળતી થઈ જશે. પછી તે જંક ફૂડ કે પ્રિઝર્વડ ફૂડ પ્રોડક્ટસ પણ હોઈ શકે.

રિટેલ સેક્ટરમાં સ્વીડનની Hennes & Mauritz (H&M) તથા lkea, જાપાનની uniqlo, અમેરિકાની GAP તથા Massimo Duttiની ટ્રાયલ પ્રોડક્ટ્સ આપને મોલમાં મળતી થઈ ગઈ છે. આ કંપનીઓ ભારતીય કસ્ટમરની ચોઈસ સમજીને કસ્ટમાઇઝડ પ્રોડક્ટ્સ સાથે પોતાના શો-રૂમ શરૂ કરશે. H&Mના શો-રૂમ ભારતમાં ચાલુ થઈ ચૂકયા છે. યુરોપિયન કિડ્સ વેયર રિટેલર Monnalisa spA બ્રાઝિલ, રશિયા તથા ચીન બાદ હવે ભારતમાં એન્ટ્રી કરશે. જો કે બહુ મોટા ઈન્વેસ્ટમેન્ટના બદલે તે સૌ પ્રથમ દેશનાં બે કે ત્રણ મોટા શહેરોમાં શો-રૂમ ચાલુ કરશે અને ત્યારબાદ સફળતાના આધારે નવી રણનીતિ તૈયાર કરશે. ખાસ કરીને તાજેતરમાં ભારત સરકારે રિટેલ સેક્ટરમાં FDI માટેના ધારાધોરણો હળવા કર્યા તેનાથી આ કંપનીઓનો ભારતમાં આવવાનો માર્ગ એકદમ સરળ થઈ ગયો છે. સરકારે જે કંપની ભારતમાં જ ઉત્પાદન કરીને પોતાનો માલ વેચવા માગતી હોય તેને ૧૦૦ ટકા વિદેશી માલિકીની પરવાનગી આપી હોવાથી હવે સૌ કોઈ અહીં આવવા કૂદી રહ્યા છે. આ ઉપરાંત B2B (બિઝનેસ ટુ બિઝનેસ) ઇ-કોમર્સ તથા કેશલેસ પેમેન્ટના કન્સેપ્ટનાં કારણે સૌને અહીં આવવા લલચાવ્યા છે. કદાચ એટલે જ ભારત હવે ચીનને પાછળ રાખીને વિશ્વનું મોટું પ્રોમિસિંગ રિટેલ બની ચૂક્યું છે. સાલ-૨૦૧૬માં ભારતનું રિટેલ બજાર ૬૪૧ અબજ ડોલરનું હતું, જે સાલ ૨૦૨૬ સુધીમાં ૧.૬ ટ્રિલિયન ડોલરનું થવાનું અનુમાન છે. ઇન્ડિયા બિઝનેસ ઓફ ફેશન ૨૦૧૭ના અહેવાલ પ્રમાણે દેશમાં આ સેક્ટર ૧૦ ટકાના વૃદ્ધિ દરથી વિકાસ પામી રહ્યું છે. જેમાં ફૂડ તથા ગ્રોસરીનો હિસ્સો ત્રણેક ટકા જેટલો છે. આવા સંજોગોમાં વોલમાર્ટ પ્રશાસન ફ્લિપકાર્ટમાં હિસ્સો ખરીદવાની પેરવીમાં છે, તો એમેઝોન આગામી છ મહિનામાં ભારતમાં રિટેલ ગ્રોસરી બિઝનેસ શરૂ કરવાની તૈયારીમાં છે. આપણા ફ્યૂચર ગ્રૂપવાળા કિશોર બિયાની, તેમની કંપનીની વેલ્યૂએશન ૨૨,૦૦૦ કરોડની કરવાના પ્રયાસ કરી રહ્યા છે તો રિલાયન્સ આ બધા હરીફને થકાવવા માટે પોતાના જીયો નેટવર્ક મારફતે ઓનલાઈન ખરીદીનું નેટવર્ક તૈયાર કરવામાં બિઝી છે. શસ્ત્રો સૌ સજાવી રહ્યા છે… જંગમાં કોણ જીતશે… જંગ કેટલો ચાલશે અને વિદેશીઓ ખાલી હાથે પાછા જશે કે સ્વદેશીઓ માલ્યા- મોદી બનીને વિદેશ જશે તે જાણવા માટે સાલ ૨૦૩૦ સુધી રાહ જુઓ !

;