પતિ કોમામાં જતાં રહેતાં પત્નીએ બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરવા હાઇકોર્ટમાં જવું પડયું - Sandesh
  • Home
  • India
  • પતિ કોમામાં જતાં રહેતાં પત્નીએ બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરવા હાઇકોર્ટમાં જવું પડયું

પતિ કોમામાં જતાં રહેતાં પત્નીએ બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરવા હાઇકોર્ટમાં જવું પડયું

 | 9:17 pm IST

જાહેર ક્ષેત્રની એક કંપનીના નિવૃત્ત અધિકારી એક મહિનાથી કોમામાં હોવાથી તેમનું બેન્ક એકાઉન્ટ ચલાવવા માટે તેમના પત્નીએ હાઇકોર્ટનો દરવાજો ખટખટાવવો પડયો છે. 63 વર્ષના લિયો લોબોની પત્ની ફિલોમિનાએ તેમની સારવારનો ખર્ચ કરવા માટે તેમના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે હાઇકોર્ટ સમક્ષ દાદ માગી હતી. આવા દર્દીઓના અધિકારો બાબતે કોઇ કાનૂની જોગવાઇ ન હોવાથી તેમના ગાર્ડિયન તરીકે પોતાની નિમણૂક કરવા ફિલોમિનાએ રજૂઆત કરી હતી.

બુધવારે કેન્દ્ર સરકારના વકીલ અદ્વૈત સેઠનાએ જણાવ્યું હતું કે પ્રથમ તો મેડિકલ પ્રમાણપત્રો અને પત્નીના દાવાને ચકાસવા માટે સબ- ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાસે રિપોર્ટ મંગાવવો પડે. હાઇકોર્ટે તરત જ થાણેની કલેકટર કચેરીમાંથી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને લોબોના નેરૃલમાં આવેલા નિવાસસ્થાનની મુલાકાત લેવા અને શુક્રવાર સુધીમાં તેમની હાલત વિશે અહેવાલ તૈયાર કરવા માટે જણાવ્યું હતું.

નવી મુંબઇમાં આવેલી એપોલો હોસ્પિટલના ન્યુરોલોજિસ્ટોએ પ્રમાણિત કર્યું હતું કે લિયો લોબો મગજને લગતી બીમારીથી પીડાય છે અને તે કાયમી ધોરણે પથારીવશ છે.

જસ્ટિસ શાંતનુ ખેમકર અને જસ્ટિસ ગિરીશ કુલકર્ણીની બનેલી બેન્ચે અરજદાર ફિલોમિના લોબો વતી હાજર થયેલા વકીલ સુલતાના સોનાવણેની રજૂઆતને સહાનુભૂતિપૂર્વક સાંભળી આ આદેશ આપ્યા હતા. મેડિકલ પ્રમાણપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે તેમની હાલતને કારણે તે બોલી કે સહી કરી શકવાની કે અન્ય કોઇ રીતે સંવાદ સાધી શકવાની સ્થિતિમાં નથી.

સોનાવણેએ જણાવ્યું હતું કે તે ફિલોમિનાની બે પુત્રીઓ વતી સોગંદનામું નોંધાવશે કે તેમની માતાને તેમના પિતાનું ખાતું ઓપરેટ કરવા દેવામાં આવે તેની સામે તેમને કોઇ વાંધો નથી. હાઇકોર્ટે સરકારી વકીલ કવિતા સાળુંકેને મેજિસ્ટ્રેટનો રિપોર્ટ સુપરત કરવા જણાવી આ બાબતની સુનાવણી શુક્રવાર પર મુલતવી રાખી હતી.

પત્નીને હાઇકોર્ટમાં જવાની નોબત કેમ આવી?
પતિ લિયો લોબોના બેન્ક ખાતા માત્ર તેમના નામે છે. જેને કારણે બેન્કે કોર્ટના આદેશ વિના તે ઓપરેટ કરવાની પરવાનગી પત્ની ફિલોમિનાને આપવાની ના પાડી હતી. બીપીસીએલ નામની કંપનીમાંથી જનરલ મેનેજર તરીકે નિવૃત્ત થયેલાં લિયોને 30 ઓગસ્ટના રોજ પેરેલિસિસનો સ્ટ્રોક આવ્યો હતો જેના કારણે તે પથારીવશ બની ગયા છે, પરંતુ તેમની તબિયતના બીજા માપદંડ યથાવત્ રહેતાં તેમને 28 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યાર બાદ તેમના ઘરમાં જ એક એસી નર્સિંગ રૂમ બનાવવામાં આવ્યો છે. જ્યાં તેમની પર 24 કલાક દેખરેખ રાખવામાં આવે છે. કંપનીએ તેમની સારવારનો ખર્ચ આપવા તૈયાર છે પરંતુ એ માટે જરૂરી દસ્તાવેજો પર સહી કરવાનું લોબો માટે શક્ય ન હોવાથી આ નાણાં તત્કાળ મળે તેમ નથી. પતિની સારવાર પાછળ ફિલોમિનાના 12 લાખ રૂપિયા ખર્ચાઇ ગયા છે. તે પછી તેમણે પરિવાર અને મિત્રો પાસેથી નાણાં ઉછીના લીધા હતા. આજે પણ ફિલોમિના તેના પતિની સારવાર પાછળ મહિને એક લાખ રૂપિયા વાપરે છે. હવે ફિલોમિના પાસે તેની બચત રહી નથી અને અચાનક હોસ્પિટલાઇઝેશનનો ખર્ચ આવી પડતાં તેની પાસે હવે કશું બચ્યું નથી.

સૌથી મોટી સમસ્યા એ થઇ છે કે તેમના બેન્ક ખાતાં માત્ર તેમના નામે જ છે જોઇન્ટ નામે નથી. તેમનું પેન્શન ખાતું પણ માત્ર તેમના નામે જ ખોલવાની પરવાનગી મળી હતી.