મોદી જેમને સીધા UPમાં મોટી જવાબદારી સોપશે એવી ચર્ચા છે તે એ.કે. શર્મા કોણ છે? કેમ છે મોદીના ખાસ માણસ?

ગુજરાત કેડકના સિનિયર આઇએએસ અધિકારી અરવિંદકુમાર શર્મા જેમનું સ્વૈચ્છિક રાજીનામું બે દિવસ પહેલાં મંજૂર થયું છે, તેઓ વિધિવત્ રીતે ભાજપમાં પ્રવેશ કરે અને ઉત્તર પ્રદેશ સરકારમાં એમને કોઈ મોટી જવાબદારી સોંપાય તેવી જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. કમુરતાં ઊતરતાં જ આ અંગે નિર્ણય જાહેર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. એ.કે. શર્મા વડા પ્રધાન મોદીના અત્યંત નિક્ટના ભરોસાપાત્ર અધિકારી ગણાય છે.
વર્ષ ૧૯૮૮ બેચના આ અધિકારી પાંચ વર્ષ વડા પ્રધાન મોદી સાથે એમના કાર્યાલયમાં કામ કર્યા બાદ છએક માસથી કેન્દ્રીય એમએસએમઈ સેક્રેટરી તરીકે ફરજ બજાવતાં હતા અને એમણે વર્ષો સુધી મોદી મુખ્યમંત્રીપદે હતા ત્યારે એમના કાર્યાલયમાં અગ્રસચિવ તરીકે કામ કરેલું હોઈ તેઓ વડા પ્રધાનના અંગત વિશ્વાસુ તરીકે ગણાય છે.
એ.કે. શર્મા મૂળે ઉત્તરપ્રદેશના મઉ જિલ્લાના કાજહાખુર્દ ગામના વતની છે અને વડા પ્રધાન મોદી ઉત્તર પ્રદેશમાં એમનો રાજકીય ઉપયોગ કરવા હોઈ તેઓને કોઈ સ્પેશિયલ મિશન સોંપાય તેવી ચર્ચા ચાલી રહી છે. અહીં નોંધવું રહ્યું કે, એમણે રિટાયરમેન્ટના ૧૯ મહિના પહેલાં સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે.
સામાન્ય સંજોગોમાં સ્વૈચ્છિક રાજીનામાની પ્રક્રિયામાં એક-બે મહિનાનો સમય લાગતો હોય છે, પણ એમના કિસ્સામાં ફટાફટ નિર્ણય લેવાયો છે. જો તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશે તો ભાજપમાં જનારા તેઓ ત્રીજા આઈએએસ અધિકારી હશે. એમની અગાઉ આર.એમ. પટેલ એસીએસ પદેથી રાજીનામું આપી એક ટર્મ અસારવાના ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યાં છે, જ્યારે ઊંઝાના એમ.એસ. પટેલ નિવૃત્તિ પછી હમણાં વિધિવત્ ભાજપમાં સક્રિય થયાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન