નિવૃત્તિનો અર્થ તમે શું કરો છો? - Sandesh

નિવૃત્તિનો અર્થ તમે શું કરો છો?

 | 5:06 am IST

યોગિક વેલ્થઃ ગૌરવ મશરૂવાળા

નિવૃત્તિનો અર્થ તમે શું કરો છો? શું રોજિંદા કામકાજમાંથી મુક્તિને તમે નિવૃત્તિ કહેશો કે પછી કંઈપણ કર્યા વગર બેસી રહેવું તેને કહેશો? ઘણા લોકો માટે નિવૃત્તિ એટલે એવો સમયગાળો જેમાં અધૂરાં સ્વપ્નો પૂરાં કરી શકાય અને જીવનમાં તેની પહેલાં જે સુખ પ્રાપ્ત કરી શકાયું ન હોય તે પ્રાપ્ત કરી શકાય.

નિવૃત્તિ એટલે જીવનનો વધુ એક સંક્રમણકાળ. યુવાનીમાંથી વાર્ધક્યમાં પ્રવેશ. કમાતી વ્યક્તિની કે પછી આર્થિક દ્રષ્ટિએ વાત કરીએ તો સક્રિય જીવનશૈલીમાંથી નિષ્ક્રિયતામાં પ્રવેશ. ઘર ચલાવનાર વ્યક્તિ મટીને નાણાં માટે ક્યાંક અવલંબન રાખવું પડે એવી વ્યક્તિ. અબક બેન્કના જનરલ મેનેજર શ્રી ભટ્ટસાહેબ મટીને ‘ફ્ક્ત’ શ્રી ભટ તરીકે ઓળખાવાની શરૂઆત એટલે નિવૃત્તિ.

આપણે નાનપણથી સાંભળતાં આવ્યા છીએ કે કોઈપણ સંક્રમણ હંમેશાં આકરું હોય છે અથવા તો સહેલું હોતું નથી. સ્કૂલ-કોલેજનો પહેલો દિવસ, પહેલી નોકરીનો પહેલો દિવસ, નવવધૂનો નવા ઘરમાં પ્રવેશ, વગેરે વગેરે. નિવૃત્તિના સંક્રમણ કરતી વખતની મુશ્કેલી કે ચિંતા સંપૂર્ણપણે દૂર કરી શકાતી નથી, પણ જો આર્થિક બાબતોનું વ્યવસ્થિત આયોજન કરી લેવાયું હોય તો તેની તકલીફ્ મહદ્ અંશે ઓછી કરી શકાય છે.

નિવૃત્ત વ્યક્તિને તબિયતની સ્થિતિ પણ અકળાવનારી હોઈ શકે છે. પોતાનો સમય કેવી રીતે પસાર થશે એ બાબતની પણ ચિંતા હોઈ શકે છે. સૌથી મોટો પ્રશ્ન એ હોય છે, ‘હું મરી જાઉં ત્યાં સુધી મારા ખપ પૂરતા પૈસા મળી રહેશે કે નહીં’?

જોનાથન ક્લેમેન્ટ્સ નામના લેખકે કહ્યું છે કે નિવૃત્તિ એટલે “લાસ વેગાસમાં ગાળવા માટેનું લાંબુ વેકેશન અને એ વેકેશનમાં શક્ય તેટલો સંપૂર્ણ આનંદ પ્રાપ્ત કરી લેવો, પણ એમ કરતાં કરતાં પૈસા ખૂટી જવા જોઈએ નહીં.”

૧૯૦૦ની સાલની વાત કરીએ તો એ વખતની મનુષ્યની સરેરાશ આવરદાને જોતાં નિવૃત્ત વ્યક્તિ ફ્ક્ત એક વર્ષ નિવૃત્તિકાળ ભોગવીને બીજા વર્ષે સ્વર્ગે સિધાવી જતી. વર્ષ ૧૯૮૦/૯૦ની વાત કરીએ તો નિવૃત્તિકાળ વધીને આશરે ૧૮ વર્ષનો થઈ ગયો.

૨૦૧૦/૧૨ની સાલ સુધીમાં નિવૃત્તિકાળ વધીને લગભગ ૨૦થી ૨૫ વર્ષનો થઈ ગયો. જો આપણે ૨૨મા વર્ષે કારકિર્દી શરૂ કરીએ અને ૬૦ વર્ષ સુધી એટલે કે ૩૮ વર્ષ કામ કરીએ તો એટલા સમયગાળામાં પોતાનું ઘર લેવું, લગ્ન કરવાં, સંતાનોને શિક્ષણ અપાવવું, તેમનાં લગ્ન કરવાં, રોજિંદા ખર્ચ કાઢવા અને નિવૃત્તિ પછી બીજાં ૨૫ વર્ષ ચાલે એટલું ધન કમાવું. આ કંઈ નાનીસૂની વાત નથી.

શહેરીકરણને લીધે પારિવારિક વાતાવરણ પણ બદલાયું છે. હવે સંયુક્ત કુટુંબો ઘણાં ઓછાં રહ્યાં છે. હવેના પરિવારોમાં સંતાનો અને વડીલો અલગ-અલગ રહેવા લાગ્યાં છે. સંતાનો પોતાનાં માતા-પિતાની સારસંભાળ લેવા માગતાં હોય તોપણ તેમની પોતાની આર્થિક સ્થિતિ કદાચ તેમને એમ કરવા દેતી ન હોય.

મનુષ્યના જીવનમાં એક મોટો રાક્ષસ પણ છે. એ છે ફ્ુગાવો-મોંઘવારી. ૧૯૮૭માં જે સાબુ ૩.૦૫ રૂપિયામાં મળતો તે ૧૯૯૭માં ૭.૮૫ના ભાવે વેચાતો અને આજે તેની કિંમત ૩૯ રૂપિયા છે. રાંધણગેસનો બાટલો ૧૯૮૭માં ૫૬.૧૫ રૂપિયામાં મળતો. ૧૯૯૭માં તેના ભાવ વધીને ૧૩૭.૮૫ રૂપિયા થઈ ગયા હતા. આજે એટલા જ ગેસનો બાટલો ૭૩૦ રૂપિયામાં ઘરે આવે છે.

વળી, આપણી જીવનશૈલી ક્યાં નથી બદલાઈ! એક વખત હમામ સાબુ વાપરનારાઓ આજે એ વાપરતા હશે કે કેમ એ મોટો પ્રશ્ન છે. ૧૯૮૨ ઘરમાં રંગીન ટીવી અને વોશિંગ મશીન હોય એ મોટી સુખસાહ્યબી ગણાતી. આપણે ઘણાં એવાં સર્વેક્ષણોનાં ફેર્મ ભર્યાં હશે જેમાં જવાબ આપનારને પૂછવામાં આવતું કે તેમના ઘરમાં રંગીન ટીવી કે વોશિંગ મશીન છે કે કેમ. આ બંને વસ્તુઓ ધરાવતા પરિવારો સંપન્ન ગણાતા. આજે એ જરૂરિયાત ગણાવા લાગી છે.

મનુષ્યની આવરદા વધી છે, રહેણીકરણી બદલાઈ છે તથા ફ્ુગાવો વધતો ગયો છે. આ બધાં કારણોને લીધે આપણે હંમેશાં વધારે ને વધારે પૈસા કમાવાની જરૂર પડતી ગઈ છે. મહિનાના પગારમાંથી પ્રોવિડન્ટ ફ્ંડમાં પૈસા જાય, બેન્કની ફ્ક્સ્ડિ ડિપોઝિટમાં રોકાણ કરાય અને પોસ્ટ ઓફ્સિની વિવિધ યોજનાઓમાં નાણાં રોકવામાં આવે એ બધા ઉપાયો હવે પૂરતા નથી. નિવૃત્તિ માટેનું આયોજન લાંબા ગાળાની દ્રષ્ટિએ ધ્યાનપૂર્વક કરવાનું હોય છે.

આગામી લેખોમાં આપણે નિવૃત્તિનાં વિવિધ પાસાં વિશે વાતચીત કરીશું. તેમાં ફ્ક્ત નાણાકીય બાબતો નહીં, પરંતુ નિવૃત્તિકાળની પ્રવૃત્તિ, ઘર, આરોગ્ય સેવા અને માનસિક પરિબળ એ બધા વિષયોને આવરી લઈને સર્વાંગી ચર્ચા કરીશું.