રાજકોટઃ વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો, લૂંટના ઇરાદે રિક્ષા ચાલકે જ કરી હતી હત્યા - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટઃ વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો, લૂંટના ઇરાદે રિક્ષા ચાલકે જ કરી હતી હત્યા

રાજકોટઃ વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો, લૂંટના ઇરાદે રિક્ષા ચાલકે જ કરી હતી હત્યા

 | 3:52 pm IST

રાજકોટમાં જાણે પોલીસનો કોઈ ખૌફ જ ન હોય તેમ ગુનાખોરી અટકવાનું તો શું ઘટવાનું નામ લેતી નથી. અપહરણ, લૂંટ, ફાયરીંગ, ચોરી, હત્યા જેવી ઘટનાઓ જાણે રોજીંદી જેવી બની ગઈ છે. પરાબજાર વિસ્તારના કૃષ્ણપરા-૧માં બાબજી ટાવર પાસે રહેતા અસ્માબેન હાતિમભાઈ સદિકોટ (ઉ.વ.૭૦) નામના બે દિવસથી લાપત્તા વ્હોરા વૃધ્ધાની શુક્રવારે હત્યા કરાયેલી અને શરીર પર પહેરેલા સોનાના ઘરેણા લૂંટી લેવાયેલી લાશ મળી આવી હતી. આ અંગે પોલીસે રિક્ષા ગેંગનું કારસ્તાન હોવાની શંકાએ તપાસ આદરી હતી. જેના પગલે રિક્ષા ચાલકે જ વૃદ્ધાની હત્યા કરી હોવાનું ખુલવા પામ્યું છે.

એકલતાનો લાભ લઇને રિક્ષા ચાલકે કરી હત્યા
રિક્ષામાં બેઠેલા વૃધ્ધાએ સોનાની બંગડીઓ સહિતના ઘરેણા પહેરેલા હોય રિક્ષા ચાલક અને મુસાફરના સ્વાંગમાં રહેલા સાગરીતોની દાઢ ડળકી હોય અને ગળું દબાવી કે કોઈ રીતે હત્યા કરી ઘરેણા લૂંટી લેવાયા હોવાની પોલીસે આશંકા સેવી હતી. શહેરમાં મુસાફરોને લૂંટી લેતી ઓટો રિક્ષા ગેંગ હોવાના અનુમાન સાથે પોલીસે આવા ઈસમોની પુછતાંછ આરંભી હતી. પરિણામ રૂપે રામા નામના રિક્ષા ચાલકની પોલીસે પૂછપરછ કરી હતી જેમાં તેણે વૃદ્ધાની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. ભગવતીપરા જવા માટે વૃદ્ધ રિક્ષામાં બેઠા હતા. દાગીના પહેરેલા વૃદ્ધાની એકલતાનો લાભ ઉઠાવી ચાલકે બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરી હતી. ત્યારબાદ ચાલકે વૃદ્ધાના દાગીના લૂંટી લીધા હતા.

શું હતી ઘટના?
વિગતો મુજબ અસ્માબેન બે દિવસ પહેલા તા.૭ના રોજ રોજીંદા ક્રમ મુજબ નજીકમાં જુની દરજી બજાર મસ્જીદ પાસે રહેતી પુત્રી બતુલબેન યુસુફભાઈ વણાકના ઘરે બપોરના બે વાગ્યા બાદ ગયા હતા. પુત્રી મસ્જીદે ગઈ હોવાથી વૃધ્ધા ત્યાં પહોંચ્યા હતા. પુત્રીને મળીને ભગવતીપરામાં આવેલા મકાને જવાનું કહીં ઓટો રિક્ષામાં નીકળ્યા બાદ લાપત્તા બની ગયા હતા. અસ્માબેન સાંજ સુધી ઘરે ન પહોંચતા અને કોઈ ભાળ પણ ન મળતાં પુત્ર મોઈઝભાઈ તથા પરિવારજનોએ શોધખોળ આદરી હતી પરંતુ વૃધ્ધાની કોઈ ભાળ મળી ન હતી. ગઈકાલે એ ડિવિઝન પોલીસમથકે અસ્માબેન ગુમ થયાની જાણ નોંધ કરાવાઈ હતી.

દરમિયાનમાં શુક્રવારે સવારના સમયે શહેરની ભાગોળે કુવાડવા હાઈવે પર સાત હનુમાન મંદિર નજીક સોખડા ગામ તરફ જવાના રસ્તે એક વૃધ્ધાની લાશ પડી હોવાના સમાચારના પગલે કુવાડવારોડ પોલીસ કાફલો દોડી ગયો હતો. પહેરવેશ પરથી લાશ વ્હોરા સમાજની મહિલાની હોવાનું સ્પષ્ટ થયું હતું. તપાસ કરતાં એ ડિવીઝન પોલીસમાં ગુમની નોંધ થઈ હોવાથી જાણ કરતાં મૃતક અસ્માબેનનો પુત્ર સહિતના દોડી આવ્યા હતા અને લાશ પોતાની માતાની હોવાની ઓળખી બતાવ્યું હતું.

વૃધ્ધાએ હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ, નાક, કાનમાં પહેરેલા ઘરેણા ગાયબ હતા. ચહેરો સાવ છુંદાઈ ગયેલો હોવાથી અને જડબાથી ગાળા સુધીનો ભાગ શ્વાન, ભુંડ કે આવા કોઈ જનાવરોએ ફાડી ખાધો હોય તેવી સ્થિતિમાં મૃતદેહ હોવાથી વૃધ્ધાની લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાનું પોલીસે પ્રાથમિક અનુમાન લગાવ્યું હતું. મૃત્યુ માથામાં કોઈ બોથડ પદાર્થથી થયું, ગળાચીપ આપવાથી કે અન્ય કોઈ રીતે તે જાણવા માટે પોલીસે ફોરેન્સિક પી.એમ. કરાવાયું છે.

લાપત્તા વૃધ્ધાની બે દિવસ બાદ લાશ મળી અને ઘરેણા પણ ગાયબ હોવાથી પી.આઈ.એ.આર.મોડીયા, રાઈટર હીરાભાઈ રબારી સહિતના સ્ટાફે મૃતકના પુત્ર મોઈઝ હાતીમભાઈની ફરિયાદના આધારે અજાણ્યા શખસોએ વૃધ્ધાની ગળા, ચહેરાના ભાગે તીક્ષ્ણ હથિયાર ઝીંકી કાનમાં પહેરેલી અર્ધા તોલાની બે બુટી, હાથમાં રહેલી એક તોલાની બે બંગડીઓ મળી ત્રીસ હજારના ઘરેણાથી લૂંટ ચલાવ્યાના આરોપસર ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.વૃધ્ધાએ હાથમાં પહેરેલી ખોટી વીંટીને લૂંટારૃઓ અડક્યા ન હતા.

જુના મકાને જવાનું કહીને નીકળ્યા બાદ મૃતદેહ મળ્યો
પુત્રીને મળીને ભગવતીપરામાં આવેલું મકાન વેચી દેવું હોવાથી ત્યાં જાય છે કહીંને ઓટો રિક્ષામાં બેસીને નીકળ્યા બાદ ત્રીજા દિવસે શુક્રવારે મૃતદેહ મળ્યો હતો.

વૃધ્ધા ઓટો રિક્ષામાં જતાં સીસી ટીવી ફુટેજમાં દેખાયા
જુની દરજીબજારમાંથી ઓટો રિક્ષામાં બેસી ભગવતિપરામાં જવા નીકળેલા વૃધ્ધાને લઈને રિક્ષા ક્યાં રૃટ પર ગઈ તે ચકાસવા પોલીસે અલગ અલગ માર્ગો પરના સી.સી.ટીવી ચકાસતાં રિક્ષામાં બેસતાથી લઈ સોનીબજારના ઢાળીયા સહિતના રસ્તે સી.સી.ટીવીમાં રિક્ષામાં જતાં દેખાયા હતા.