રોડ ભ્રષ્ટાચારઃ ૧૮૭ એન્જિનિયરો સામે કાર્યવાહી - Sandesh
NIFTY 10,710.45 -89.40  |  SENSEX 35,286.74 +-261.52  |  USD 68.3800 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • રોડ ભ્રષ્ટાચારઃ ૧૮૭ એન્જિનિયરો સામે કાર્યવાહી

રોડ ભ્રષ્ટાચારઃ ૧૮૭ એન્જિનિયરો સામે કાર્યવાહી

 | 12:14 am IST

મુંબઈ, તા. ૧૪

શહેરના ૨૦૦ રસ્તાઓના કામમાં થયેલા ભ્રષ્ટાચારની બીજા તબક્કાની તપાસમાં પાલિકાના ૧૮૭ એન્જિનિયર સંડોવાયેલા હોવાનું પુરવાર થયું છે. તેમના વિરુદ્ધ પણ પહેલા તબક્કામાં દોષી જાહેર થયેલા સો એન્જિનિયરોની જેમ નોકરીમાંથી કાઢી મૂકવા, પગાર વધારો અને પ્રમોશન અટકાવવા જેવી કાર્યવાહી કરાશે. બીજા તબક્કામાં ૧૭૦૦ કરોડના ખર્ચે બંધાયેલા ૨૦૦ રસ્તાઓની તપાસ હાથ ધરાઈ હતી. હલકી ગુણવત્તાવાળું કામ કર્યું હોવા છતાં એ પ્રત્યે આંખ આડા કાન કરવાની સાથે કોન્ટ્રાક્ટરના બિલના પૈસા મળે એ માટે સહાય કરનાર એન્જિનિયરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે એમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

તપાસ અધિકારીએ ગયા અઠવાડિયે પાલિકા કમિશનર અજોય મહેતાને અહેવાલ સુપરત કર્યો હતો. અજોય મહેતાએ પેનલને અહેવાલ પરત કરવાની સાથે દોષીઓને મહત્તમ કેટલી સજા કરી શકાય એ સાથેનો રિપોર્ટ આપવા જણાવ્યું હતું. પાલિકા કમિશનર અજોય મહેતા જણાવ્યું હતું કે, અહેવાલમાં રોડ સ્કેમમાં તેમની ભૂમિકા શું હતી એટલું જ જણાવ્યું હતું. તપાસ સમિતિએ સ્કેમમાં સંડોવાયેલા અધિકારીઓને શું સજા કરવી એનો ઉલ્લેખ કર્યો નહોતો. એ સાથે તેમણે ઉમેર્યું હતું કે, કમિટીને પહેલા અને બીજા તબક્કાની તપાસમાં સંડોવાયેલા અધિકારીઓની સરખામણી કરતો કોઠો તૈયાર કરવા જણાવ્યું છે. ભ્રષ્ટાચારમાં જેમણે ક્ષુલ્લક ભાગ ભજવ્યો હતો કે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તથા જેમણે જાણીજાઇને કોન્ટ્રાક્ટરની તરફેણમાં આંખ આડા કાન કર્યા એ તમામને અલગ કેટેગરીમાં મૂકવા માટે તપાસ અધિકારીને જણાવ્યું છે.

રોડ સ્કેમ અંગેનો અંતિમ અહેવાલ આવતા અઠવાડિયે મેયર વિશ્વનાથ મહાડેશ્વરને સોંપાય એવી વકી છે. પહેલા તપાસ અહેવાલ બાદ પાલિકાએ ચાર એન્જિનિયરની હકાલપટ્ટી કરી હતી જ્યારે ૮૧નો પગાર વધારો અટકાવાયું હતું. જ્યારે ૧૧ એન્જિનિયરને છેલ્લા થોડા વરસથી હલકી ગુણવત્તાવાળા રસ્તા આપવા માટે દસ હજાર રૂપિયા દંડ પેટે ચુકવવા જણાવાયું હતું, તો ભૂતપૂર્વ ચીફ એન્જિનિયર (રોડ) અશોક પવાર અને ભૂતપૂર્વ ચીફ એન્જિનિયર વિજિલન્સ ઉદય મુરુડકરની ધરપકડ કરવામાં આવી હતી.

૨૦૧૫માં તત્કાલીન મેયર સ્નેહલ આંબેકરે પાલિકા કમિશનર અજોય મહેતાને પત્ર લખ્યા બાદ રોડ સ્કેમ બહાર આવ્યું હતું. પત્રના પગલે પાલિકા કમિશનરે એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સંજય દેશમુખની અધ્યક્ષતાવાળી તપાસ સમિતિની નિમણૂક કરી છેલ્લા ત્રણ વરસમાં રિપેર કરાયેલા રોડ અંગે તપાસ કરવા જણાવ્યું હતું.

;