Robbers Steal Approx One Crore By Hijacking ST Bus In Mehsana
  • Home
  • Featured
  • મહેસાણા: ST બસને હાઇજેક કરી લૂંટારૂઓએ કરોડો રૂપિયાની લૂંટ ચલાવી

મહેસાણા: ST બસને હાઇજેક કરી લૂંટારૂઓએ કરોડો રૂપિયાની લૂંટ ચલાવી

 | 11:26 am IST

મહેસાણા-નંદાસણ હાઈવે પર વોટરપાર્ક નજીક ગઇકાલે સાંજે 6.15 વાગે એસટી બસને હથિયારબંધ લૂંટારુએ હાઈજેક કરી હતી. ડ્રાઈવરના લમણે રિવોલ્વર મૂકીને બસ રોડની સાઈડમાં ઊભી રખાવીને 3 આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 5 થેલા લૂંટી 10 લાખથી વધુની લૂંટ ચલાવી હતી. પરંતુ આ લૂંટ 1 કરોડથી વધુની હોઈ શકે છે.

મહેસાણા-નંદાસણ હાઇવે પર એસટી બસને હાઇજેક કરીને ચલાવવામાં આવેલી લૂંટ બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઊંઝાના પટેલ વિષ્ણુભાઈ કરશનભાઈ નામના આંગડિયાના કર્મચારીએ લૂંટ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. આંગડિયા પેઢીના કર્મચારીની ફરિયાદ બાદ પોલીસે કિંમતી હીરા, સોના અને ચાંદીના ઘરેણાં સહિત રૂ.10 લાખથી વધુની લૂંટનો ગુનો દાખલ કર્યો છે. લૂંટ કરનાર લોકોએ બંદૂકની અણીએ બસને બાજુમાં ઉભી રખાવી આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કિંમતી ઘરેણા, હીરા, રોકડ ભરેલા 5 થેલાની લૂંટ ચલાવી હતી. લૂંટ બાદ લૂંટારાઓ એક કારમાં મહેસાણા તરફ ફરાર થઈ ગયા હતા.

કેવી રીતે ચલાવી હતી લૂંટ?
ગુરુવારે સાંજે આસરે છ વાગ્યાની આસપાસ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ જ્યારે મહેસાણા નંદાસણ હાઇવે પર વોટરપાર્ક નજીક પસાર થઈ રહી હતી ત્યારે લૂંટારુોઓએ ડ્રાઇવરના લમણે રિવોલ્વર મૂકી દીધી હતી. અને બસને બાજુમાં ઉભી રાખી દેવાનો આદેશ કર્યો હતો. લૂંટારુઓ પહેલાથી જ હથિયારો સાથે બસમાં બેસી ગયા હતા. આ દરમિયાન બસની અંદર બેઠેલા લૂંટારુઓએ આંગડિયા પેઢીના કર્મીઓને મારા મારીને તેમની પાસેથી કિંમતી સામાન ભરેલા થેલા ઝૂંટવી લીધા હતા.

મળતી માહિતી પ્રમાણે બસને રોડની સાઇડમાં ઉભી રખાવ્યા બાદ લૂંટારુઓએ બસની લાઇટો બંધ કરવાનું કહ્યું હતું. બસમાં મુસાફરોના સ્વાંગમાં હથિયારો સાથે બેઠેલા લૂંટારુઓની ઉંમર 20થી 25 વર્ષની વચ્ચે હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. લાઇટો બંધ કરાવ્યા બાદ લુંટારુઓએ આંગડિયા પેઢીના કર્મીઓને ધાક ધમકી આપીને તેમની પાસે રહેલા થેલા પડાવી લીધા હતા. આ સમયે બસમાં હાજર મુસાફરો ખૂબ ડરી ગયા હતા. બસમાં લૂંટ ચલાવવામાં આવી હોવાના સમાચાર મળતાની સાથે જ પોલીસે નાકાબંધી કરી દીધી હતી અને લૂંટારુઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

કરોડોના સામાનની લૂંટ
મળતી માહિતી પ્રમાણે લૂંટારુઓએ જે સમાનની લૂંટ ચલાવી છે તેની કિંમત એક કરોડની આસપાસ છે. જે બસમાં લૂંટ ચલાવવામાં આવી છે તે પાલનપુરથી અમદાવાદ આવી રહી હતી. મળતી માહિતી પ્રમાણે મોડી રાત્રે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પણ તપાસમાં જંપલાવ્યું છે.