રોબર્ટ વાડરાના જમીન કૌભાંડથી કોંગ્રેસ બેકફૂટ પર - Sandesh
  • Home
  • Columnist
  • રોબર્ટ વાડરાના જમીન કૌભાંડથી કોંગ્રેસ બેકફૂટ પર

રોબર્ટ વાડરાના જમીન કૌભાંડથી કોંગ્રેસ બેકફૂટ પર

 | 2:38 am IST

સ્નેપ શોટ

કોંગ્રેસ એક તરફ રાફેલ વિમાની સોદા અંગે ભાજપ સરકાર પર ગોટાળા અને કૌભાંડનો આક્ષેપ કરી રહી છે ત્યારે ભાજપ સરકારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી અને સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડરા પર જમીન ગોટાળાનો કેસ દાખલ કરી દીધો છે.  સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ હરિયાણા સરકારે રોબર્ટ વાડરા, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડા, બીએલએફ કંપની ગુરુગ્રામ અને ઓન્કારેશ્વર પોપર્ટીઝ ગુરુગ્રામ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવાઇ હતી. આ તમામ ઉપર અપરાધીક કાવતરું -૧૨૦(બી), દગાબાજી-૪૨૦ સહિત ભ્રષ્ટાચાર રોકવાના અધિનિયમ ૧૯૮૮ સહિત જુદી જુદી કલમો લગાવવામાં આવી છે. આ એફઆઇઆરમાં આરોપો લગાવવામાં આવ્યાં છે કે રોબર્ટ વાડરાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટીને ગુરુગ્રામમાં  ૩.૫ એકર જમીન ૭.૯૫ કરોડમાં સરકાર તરફથી આપવામાં આવી હતી. આ જમીનને ત્રણ મહિનામાં જ એનએ કરાવીને વાડરાની કંપનીએ ડીએલએફ કંપનીને ૫૮ કરોડમાં વેચી નાખી હતી.

૩ મહિનામાં ૫૦ કરોડ રૂપિયા સોનિયા ગાંધીને કમાવી આપનાર જે તે વખતની કોંગ્રેસ સરકાર હવે ફિક્સમાં મુકાઇ ગઇ છે. હરિયાણામાં ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં અને ત્યારબાદ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ સરકારે જમીનકૌભાંડનો આ કેસ મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવ્યો હતો.  હરિયાણાની કોંગ્રેસ સરકારે ખેડૂતોની કરોડોની રૂપિયાની જમીનો આવી રીતે કોંગ્રેસના નજીકના માણસો અને ઉદ્યોગપતિઓને પાણીના ભાવે વેચી મારી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડયું હોવાનો ભાજપનો આક્ષેપ હતો.  આ આક્ષેપોને કારણે હરિયાણામાં કોંગ્રેસની સરકાર ઘરભેગી થઇ ગઇ હતી અને મનોહરલાલ ખટ્ટરની આગેવાનીમાં રાજ્યમાં ભાજપની સરકાર બની હતી.  ભાજપ સરકાર હવે ચાર વર્ષ પછી જ્યારે નવી ચૂંટણી માથા ઉપર છે ત્યારે બરાબર સોગઠી મારીને કોંગ્રેસ સરકારના જૂના નિર્ણયો વિરુદ્ધ પોલીસ કેસ કરીને એફઆઇઆર નોંધાવી છે અને કેટલાંક કેસોમાં સીબીઆઇને પણ રાખી છે.

હરિયાણાની કોંગ્રેસ સરકારે પોતાના શાસન દરમિયાન સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડરાને જ જમીનો આપી લાભ કરાવ્યો એવું નથી બીજા પણ ઘણા બધા નિર્ણયોમાં ખેડૂતોને બરબાદ કર્યા છે. એમાં સૌથી વિવાદાસ્પદ મુદ્દો માનેસર જમીનકૌભાંડનો છે. કોંગ્રેસની હુડ્ડા સરકારે ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ બનાવવા ૯૧૨ એકર જમીન સંપાદિત કરવા જાહેરનામું બહાર પાડયું હતું. આ જાહેરનામું બહાર પાડયા પછી ૨૨ દિવસની અંદર જ સરકારે ઇન્ડસ્ટ્રિઅલ ટાઉનશિપ બનાવવાનું નોટિફિકેશન પાછું ખેંચી લીધું હતું. આ ચક્કરમાં ખેડૂતો ગભરાઇ ગયા હતા અને જમીનદલાલોએ ખેડૂતોને ગભરાવીને તેમની જમીનો સસ્તા ભાવે પડાવી લીધી હતી. ૯૦૦ એકર જમીન જમીન માફિયાઓએ ૧૦૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધી હતી અને જેવા જમીન માફિયાઓએ સોદાઓ કરી નાખ્યા કે સરકારે આ જમીન એનએ કરી આપી હતી. જેના કારણે આ જમીનની કિંમત ૧,૬૦૦ કરોડ રૂપિયા થઇ ગઇ હતી. આમ નોટિફિકેશનના સરકારી ચક્કરમાં ખેડૂતોને એક મહિનામાં જ ૧,૫૦૦ કરોડનું નુકસાન થયું હતું. આ અંગે સીબીઆઇને કેસ સોંપવામાં આવ્યો છે અને સીબીઆઇ પાસે ૮૦ હજાર પાનાની ચાર્જશીટ તૈયાર છે. જમીન કૌભાંડનો ત્રીજો મામલો  પંચકુલામાં નેશનલ હેરાલ્ડને જમીન આપવા અંગેનો છે. કોંગ્રેસની માલિકીનું નેશનલ હેરાલ્ડ અખબારને જમીન આપવામાં આવી હતી. આ કેસમાં નોંધાયેલી એફઆઇઆરમાં આક્ષેપ કરાયો છે કે જે જમીનની બજાર કિંમત  ૨૩ કરોડ રૂપિયા થવા જાય છે તે જમીન નેશનલ હેરાલ્ડને માત્ર ૫૯ લાખમાં આપી દેવામાં આવી હતી. આ ઉપરાંત સીબીઆઇમાં એક ચોથો કેસ પણ કોંગ્રેસી મુખ્યમંત્રી હુડા ઉપર દાખલ કરવામાં આવ્યો છે જેમાં મુખ્યમંત્રી હુડ્ડાએ તેમના બીજા કાર્યકાળના અંતિમ સમયમાં પંચકુલામાં જ ૧૪ કિંમતી દ્યોગિક જમીનના પ્લોટ તેમના સગાઓ અને ખાસ લોકોને આપી દીધાં હતા. જેઓ આ જમીન મેળવવા માટે નક્કી કરેલી શરતો મુજબ યોગ્ય ન હતા.

આમ હવે ૨૦૧૯ની ચૂંટણી સામે આવી રહી છે ત્યારે દટાયેલા હાડપિંજરો બહાર આવવાના છે તે વાત નક્કી છે.  કોંગ્રેસ જેવી પેટ્રોલની કિંમતો અને રાફેલ સોદા અંગે ભાજપ સરકાર સામે ઊતરી કે તુરત જ રોબર્ટ વાડરાનું  કાર્ડ ભાજપ તરફથી ઉતારવામાં આવ્યું છે. અને જે ધારણા હતી તે ધારણા મુજબ જ કોંગ્રેસ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડરાના બચાવમાં બહાર આવી ગઇ છે. રોબર્ટ વાડરાનો બચાવ કરવો એ કોંગ્રેસની મજબૂરી પણ છે કારણ કે આરોપ માત્ર વાડરા પર નથી પરંતુ કોંગ્રેસી મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડા ઉપર પણ લગાવવામાં આવ્યો છે.  કોંગ્રેસ હવે એ બતાવવા પ્રયત્નશીલ છે કે ભાજપ સરકાર સામે કોંગ્રેસ આક્રમક બન્યું છે એટલે જ ભાજપ અમારા વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું છે.  કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું છે કે ભાજપનું ડર્ટી ટ્રિક ડિપાર્ટમેન્ટ અને  ફેક્ ન્યૂઝ ફેકટરીએ લોકોનું ધ્યાન ડાઇવર્ટ કરવા માટે પ્રોપેગન્ડા શરૂ કરી દીધાં છે. જ્યારે હરીયાણાના પૂર્વ મુખ્યમંત્રી હુડાએ કહ્યું છે કે આ એક રાજનૈતિક દ્વેષને કારણે ઉઠાવવામાં આવેલું પગલું છે. કોંગ્રેસે એવો પણ આરોપ લગાવ્યો છે કે હરિયાણામાં અત્યારની ભાજપ સરકારે પણ જમીનોને લગતાંલાઇસન્સો આપેલાં છે. ભાજપ અને તેની સાથી સરકારોએ અત્યાર સુધી ૧૧ હજાર એકર જમીનનું ટાઇટલ એકલા ગુરુગ્રામમાં જ ચેન્જ કરેલું છે. એટલે હરિયાણાના ભાજપના મુખ્યમંત્રી ઉપર પણ કાર્યવાહી કરવી જોઇએ.

આમ હરિયાણાની જમીનના મુદ્દે કોંગ્રેસ અત્યારે તો ભીંસમાં મુકાયેલી દેખાઇ રહી છે. રાજકારણમાં ટાઇમિંગનું બહુ મહત્ત્વ હોય છે. ભાજપ દ્વારા પરફેક્ટ ટાઇમે રોબર્ટ વાડરા સામે  એફઆઇઆર દાખલ કરાવી કોંગ્રેસને મૂંઝવણમાં મૂકી દીધી છે. એકબાજુ જ્યારે કોંગ્રેસ ભાજપ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહી છે ત્યારે જ હવે ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસને રોબર્ટ વાડરાનો બચાવ કરવાની ફરજ પડી છે અને આ કોંગ્રેસની હરકત રાજકીય રીતે કોંગ્રેસને નુકસાનકારક સાબિત થવાની છે. કોંગ્રેસ માટે આ એક સેટબેક સર્જાયો છે અને ભ્રષ્ટાચારના મુદ્દે ત્યાંના ડબલ સ્ટાન્ડર્ડની વાત બહાર આવી રહી છે તેવું ભાજપ આક્ષેપ કરી રહી છે.

આવનારા દિવસોમાં રાજસ્થાન,મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડરાનો જમીનકૌભાંડનો આ મુદ્દો ભાજપ માટે ચૂંટણી પ્રચારનો મુખ્ય મુદ્દો બની રહેશે તે નક્કી છે.

[email protected].