માનવજાતને ચેતવણી- રોબોટને સમાન અધિકારો આપતાં પહેલાં બે વખત વિચારજો - Sandesh
  • Home
  • India
  • માનવજાતને ચેતવણી- રોબોટને સમાન અધિકારો આપતાં પહેલાં બે વખત વિચારજો

માનવજાતને ચેતવણી- રોબોટને સમાન અધિકારો આપતાં પહેલાં બે વખત વિચારજો

 | 2:27 am IST

આપણે અત્યાર સુધીમાં આર્ટિફિશિયલઈન્ટેલિજન્સ કે રોબોટ અંગે ઘણું બધું સાંભળ્યું છે પણ જો તે માનવ જેવા સમાન અધિકારો માગે તો તેને આવા અધિકારો આપતાં પહેલાં બે વખત વિચારજો તેવી ચેતવણી આ ક્ષેત્રનાં નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે. જો આપણે યુટોપિયન અને ડાયસ્ટોપિયનની અતિશયોક્તિને ડિસ્કાઉન્ટ કરીએ તો આધુનિક 21મી સદીમાં આર્ટિફિશિયલઈન્ટેલિજન્સ, રોબોટિક્સ, ન્યૂરોસાયન્સનાં આધુનિક ખ્યાલોની પરિભાષા તો આપણે નક્કી કરી છે પણ તેને મેનેજ કેવી રીતે કરવા તેની મૂંઝવણ હવે માનવજાત સામે સર્જાઈ છે. 22મી સદી કે તે પછીની સદીમાં માનવજાતનું અસ્તિત્વ રહેશે કે કેમ તેવા સવાલો ઊઠવા માંડયા છે. રોબોટ અને આર્ટિફિશિયલઈન્ટેલિજન્સનું ભાવી કેવું હશે તે આજકાલ ચર્ચાવા લાગ્યું છે. આમાં સમસ્યા એ છે કે તેનાં જે જવાબો છે તેનાં કરતાં સવાલો ઘણાં વધારે છે અને સમસ્યાઓ જટિલ છે.

માનવજાતનાં ભાવી માટે ખતરાની ઘંટડી
યુરોપની સંસદ દ્વારા રોબોટની દુનિયાનાં ભાવીને ગંભીર રીતે મૂલવવામાં આવી રહ્યું છે. આ ક્ષેત્રનાં નિષ્ણાતોએ જે રીતે રોબોટનો ઉપયોગ અને વ્યાપ વધી રહ્યો છે તે જોતા માનવજાતનાં ભાવી માટે ખતરાની ઘંટડી વગાડી છે. યુરોપની સંસદે રોબોટ્સનાં ઉપયોગ અને વપરાશ માટે નિયમો અને નિયંત્રણોનો મુસદ્દો ઘડવાની શરૂઆત કરી છે. જેમાં ઈલેક્ટ્રોનિક્સ પર્સનહૂડ અને રોબોટ્સ માટે અધિકારો અને જવાબદારીઓ નક્કી કરવામાં આવી રહી છે.

રોબોટ પર્સનહૂડનો આઈડિયા
રોબોટ પર્સનહૂડનો આઈડિયા આમ જોવા જઈએ તો કોર્પોરેટ પર્સનહૂડ જેવો જ છે જેમાં કંપનીઓ દાવેદાર અને પ્રતિવાદી એમ બંનેની ભૂમિકા નિભાવવા કોર્પોરેટ પર્સનહુૂડને છૂટ આપે છે. જેમાં તેની સામે કેસ કરી શકાય છે અને તે અન્યો સામે કેસ પણ કરી શકે છે. રોબોટ્સને કારણે કંપનીઓને ભારે નુકસાન થાય તો તેવા કિસ્સામાં નુકસાનનું વળતર મેળવવા માટે ફરજિયતા વીમો ઉતારવાની જોગવાઈનો સમાવેશ થાય છે. રોબોટ્સને કારણે મોટાપાયે લોકોની નોકરીઓ છીનવાઈ જવાની ભીતિ સર્જાઈ છે. જેનું ગંભીરતાપૂર્વક આકલન કરાઈ રહ્યું છે. અર્થતંત્ર પરની તેની અસરો ઓછી કરવાનો વ્યૂહ પણ ઘડાઈ રહ્યો છે.

રોબોટ્સ માનવીનાં મગજની નકલ કરે તો અનેક પ્રશ્નો સર્જાશે
રોબોટ્સ કે આર્ટિફિશિયલઈન્ટેલિજન્સ કેવા પ્રશ્નો ઊભા કરી શકે છે અને કેવી તકો ઊભી કરી શકે છે તેનો અભ્યાસ કરીને તેને ઉકેલવા માટેનાં પ્રયાસો હાથ ધરાયા છે. આનાં ઉદાહરણો જોઈએ તો ડ્રાઈવરલેસ કાર છે જેનો ઉપયોગ શરૂ થયો છે પણ તેણે અનેક પ્રશ્નો પણ ઊભા કર્યા છે. રેલવેનું સિગ્નલિંગ નેટવર્ક પણ આવું જ ઉદાહરણ છે. આવા સાધનોની ટેક્નિકલ કામગીરીને જ પ્રાધાન્ય આપવાની જરૂર છે. જો તે માનવીનાં મગજની જેવી કામગીરી કરવા લાગે તો અનેક પ્રશ્નો અને સમસ્યાઓ સર્જાઈ શકે છે. રોબોટ્સ જો માનવીનાં મગજની કોપી કરવા લાગે તો તેનાંથી સર્જાનારા વૈચારિક અને વ્યવહારિક પડકારોનો સામનો કરવાનું માનવજાત માટે મુશ્કેલ બની શકે છે.

રોબોટ્સને માનવીઓ જેવા અધિકારો અપાય તો મૂળભૂત અધિકારોનું શું ?
સમજો કે કોઈ વ્યક્તિનું નામ આપણે જેન સ્મિથ આપીએ અને તે જ નામ આપણે રોબોટને આપીએ તો કોની બાયોલોજીકલ ઓળખને માન્ય રાખવી તે પેચીદો પ્રશ્ન છે. લગ્નો, માતૃત્વ અને પિતૃત્વ, આર્થિક અને પ્રોપર્ટીનાં અધિકારો માટે પણ આવી જ સમસ્યાઓ સર્જાઈ શકે છે. જો રોબોટ્સને માનવીની જેવી લાગણીઓ, ભય, સપનાંઓ,અનુભવો, આશાઓ, દોષ, ગુણો-અવગુણોનાં અધિકારો આપવામાં આવે તો પછી માનવીઓનાં અધિકારોનું શું? માનવીઓનાં મૂળભૂત અધિકારોનું શું એ પ્રશ્ન પેચીદો અને જટિલ બન્યો છે. આ મુદ્દાની આપણે અવગણના કરી શકીએ તેમ નથી કે હસીને તેને ઉડાવી મૂકીએ તેમ પણ નથી. આથી રોબોટ્સને માનવી જેવા અધિકારો આપતાં પહેલાં બે વખત વિચારવું તેવી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન