રોહિતની સદી, સાઉથ આફ્રિકાને જીત માટે ૨૭૫ રનનો લક્ષ્યાંક - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • રોહિતની સદી, સાઉથ આફ્રિકાને જીત માટે ૨૭૫ રનનો લક્ષ્યાંક

રોહિતની સદી, સાઉથ આફ્રિકાને જીત માટે ૨૭૫ રનનો લક્ષ્યાંક

 | 5:03 am IST

પોર્ટ એલિઝાબેથ, તા. ૧૩

રોહિત શર્માએ ફોર્મ મેળવતાં સાઉથ આફ્રિકાની ધરતી પર પોતાની પ્રથમ સદી ફટકારી હતી પરંતુ અંતિમ ૧૦ ઓવરોમાં આફ્રિકન બોલરોએ મેચમાં વાપસી કરતાં ભારતીય ટીમ ૫૦ ઓવરના અંતે સાત વિકેટ ગુમાવી ૨૭૪ રન બનાવી શકી હતી. સાઉથ આફ્રિકા તરફથી લુંગી એનગિદીએ નવ ઓવરમાં ૫૧ રન આપી ચાર વિકેટ ઝડપી હતી. ભારત છ મેચની સિરીઝમાં ૩-૧થી આગળ છે અને સિરીઝ જીતવાથી એક વિજય દૂર છે.

ટોસ હારી પ્રથમ બેટિંગમાં ઊતરેલી ભારતીય ટીમના ઓપનર રોહિત શર્મા અને શિખર ધવને મજબૂત શરૂઆત અપાવતાં પ્રથમ વિકેટ માટે ૪૮ રન જોડયા હતા. ફોર્મમાં ચાલી રહેલો શિખર ધવન ૩૪ રન બનાવી રબાદાનો શિકાર બન્યો હતો. રોહિતે ત્યારબાદ કોહલી સાથે મળી શતકીય ભાગીદારી નોંધાવી હતી. બંને સેટ થઈ ગયા હતા ત્યારે ઝડપી રન લેવાના પ્રયાસમાં વિરાટ કોહલી રનઆઉટ થયો હતો. કોહલી આઉટ  થયા બાદ રહાણે માત્ર આઠ રન બનાવી રનઆઉટ થયો હતો. રોહિત અને શ્રેયસ ઐયરે ટીમને સંભાળતાં સ્કોર ૨૦૦ રનની પાર પહોંચાડયો હતો. રોહિતે આ દરમિયાન પોતાની ૧૭મી સદી પણ પૂર્ણ કરી હતી. રોહિત રંગમાં હતો ત્યારે એનગિદીએ ક્લાસેનના હાથે કેચ કરાવ્યો હતો જ્યારે તેના બીજા જ બોલે ર્હાિદકને પણ આઉટ કરતાં ભારતે ૨૩૬ રનના સ્કોરે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતે ૪૩મી ઓવરમાં પાંચમી વિકેટ ગુમાવી હતી. અંતિમ ઓવરોમાં મેદાન પર શ્રેષ્ઠ ફિનિશર તરીકે ગણાતો ધોની ક્રિઝ પર હતો પરંતુ આફ્રિકન બોલરોએ ભારતીય બેટ્સમેનોને હાથ ખોલવાની તક ન આપતાં ૨૭૪ રન બની શક્યા હતા.

રોહિતે સચિનને પાછળ છોડયો

રોહિત શર્માએ ૧૧૫ રનની ઇનિંગમાં ચાર છગ્ગા ફટકાર્યા હતા અને તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકરાવાના મામલે સચિન તેંડુલકર કરતાં આગળ નીકળી ગયો હતો. સચિને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કુલ ૨૬૪ છગ્ગા ફટકાર્યા છે જ્યારે રોહિતે પોતાના કુલ છગ્ગાની સંખ્યા ૨૬૬ પહોંચાડી દીધી છે. રોહિતે ટેસ્ટમાં ૨૯, વન-ડેમાં ૧૭૦ અને આંતરરાષ્ટ્રીય ટી-૨૦માં ૬૭ છગ્ગા ફટકાર્યા છે. ભારત તરફથી સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે ધોની પ્રથમ સ્થાને છે. તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૩૩૮ છગ્ગા ફટકાર્યા છે. રોહિત બીજા, સચિન તેંડુલકર ત્રીજા, યુવરાજસિંહ ૨૫૧ છગ્ગા સાથે ચોથા અને સૌરવ ગાંગુલી ૨૪૭ છગ્ગા સાથે પાંચમા ક્રમે છે.