મેદાન પર આવ્યું રોહિત શર્માનું વાવાઝોડું, એક ઇનિંગમાં બનાવી નાંખ્યાં બે-બે વિશ્વરેકોર્ડ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • મેદાન પર આવ્યું રોહિત શર્માનું વાવાઝોડું, એક ઇનિંગમાં બનાવી નાંખ્યાં બે-બે વિશ્વરેકોર્ડ

મેદાન પર આવ્યું રોહિત શર્માનું વાવાઝોડું, એક ઇનિંગમાં બનાવી નાંખ્યાં બે-બે વિશ્વરેકોર્ડ

 | 1:37 pm IST

રોહિત શર્માના નામે આમ ઘણા ખરા વિશ્વ રેકોર્ડ છે, પરંતુ એક વિશ્વ રેકોર્ડ એવો પણ છે જેને તોડવો કોઇ પણ બેટ્સમેન માટે અશક્ય છે, આ વિશ્વ રોકોર્ડ રોહિતે ચાર વર્ષ પહેલા 13 નવેમ્બર 2014ના રોજ કોલકાતાના ઇડન ગાર્ડન મેદાન પર શ્રીલંકા વિરૂદ્ધ બનાવ્યો હતો. તે દિવસે રોહિતે વન-ડે ક્રિકેટમાં એક એવો સ્કોર બનાવી દીધો હતો, જે એક સમયે સંપૂર્ણ ટીમનો હોતો હતો.

રોહિતે શ્રીલંકા વિરૂદ્ધ ઇડન ગાર્ડનનાં મેદાનમાં રમાયેલ તે મેચમાં 264 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે 173 બોલનો સામનો કરતા 33 ચોગ્ગા અને 9 સિક્સરો ફટકારતા 264 રન બનાવ્યા હતાં. રોહિતની આ ધમાકેદાર ઇનિંગના કારણે ભારતે આ મેચ 153 રનથી જીતી લીધી હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાના હિટમેને બે-બે વિશ્વરેકોર્ડ પોતાના નામે કર્યા હતાં.

પહેલો વિશ્વરેકોર્ડ તો એ કે આ કોઇ પણ બેટ્સમેન દ્વારા વન ડે ક્રિકેટનો સૌથી મોટો અંગત સ્કોર છે. બીજો એ કે આ ડબલ સેંચુરી સાથે જ રોહિત શર્મા વન ડે ક્રિકેટમાં બે ડબલ સેંચુરી ફટકારનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બની ગયો હતો. જોકે, હવે રોહિત શર્માના નામે વન ડે ક્રિકેટમાં ત્રણ-ત્રણ ડબલ સેંચુરી છે. ખાસ વાત એ છે કે, રોહિતના આ બંન્ને વિશ્વ રેકોર્ડ આજે પણ યથાવત છે.

રોહિત શર્મા વન ડે ક્રિકેટમાં ત્રણ-ત્રણ ડબલ સેંચુરી ફટકારી ચૂક્યો છે. રોહિતે પોતાની પ્રથમ ડબલ સેંચુરી 2 નવેમ્બર 2013એ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બેંગ્લુરૂમાં બનાવી હતી. આ ઇનિંગમાં રોહિતે 209 રન બનાવ્યા હતાં. બીજી ડબલ સેંચુરી તેણે 13 નવેમ્બર 2014ના રોજ શ્રીલંકા વિરૂદ્ધ બનાવી હતી. આ મેચમાં હિટમેને 264 રનની ઇનિંગ રમી હતી. ત્રીજી ડબલ સેંચુરી રોહિતે શ્રીલંકા વિરૂદ્ધ ગત વર્ષે 2017માં બનાવી હતી.મોહાલીમાં રમાયેલ આ મેચમાં તેણે અણનમ 208 રનની ઇનિંગ રમી હતી. ત્રીજી ડબલ સેંચુરીમાં એેક ખાસ વાત હતી કે, તે વખતે રોહિત અણનમ રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન