રોહિતની આતશબાજીથી લખનઉ ઝળહળી ઊઠયું - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • રોહિતની આતશબાજીથી લખનઉ ઝળહળી ઊઠયું

રોહિતની આતશબાજીથી લખનઉ ઝળહળી ઊઠયું

 | 3:13 am IST

રોહિત શર્માની ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં રેકોર્ડ ચોથી સદી બાદ ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટી-૨૦ મેચમાં ૭૧ રને વિજય મેળવી ત્રણ મેચની સિરીઝમાં ૨-૦ની અજેય લીડ મેળવી લીધી છે. ભારતનો વિન્ડીઝ સામે રનની દૃષ્ટિએ આ સૌથી મોટો વિજય હતો.

ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં રોહિત શર્માના ૧૧૧ રન અને ધવનના ૪૩ રનની મદદથી ૨૦ ઓવરના અંતે બે વિકેટ ગુમાવી ૧૯૫ રન બનાવ્યા હતા ૧૯૬ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમને ખલીલે બીજી ઓવરમાં ઝટકો આપતાં સાંઈ હોપને બોલ્ડ કર્યો હતો. હેટમાયરને પણ ૧૪ રનના અંગત સ્કોરે ખલીલે પેવેલિયન મોકલતાં ૩૩ રનના સ્કોરે બીજી વિકેટ ગુમાવી દીધી હતી. શરૂઆતી ધબડકા બાદ વિન્ડીઝની ટીમ મેચમાં વાપસી કરી શકી નહોતી ૨૦ ઓવરના અંતે નવ વિકેટ ગુમાવી ૧૨૪ રન બનાવી શકી હતી.

અગાઉ ટોસ હારી પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમના ઓપનર રોહિત શર્મા અને શિખર ધવને ધીમી શરૂઆત કરતાં ત્રણ ઓવરમાં ૧૧ રન જ બનાવ્યા હતા. રોહિત અને ધવને ત્યારબાદ હાથ ખોલતાં ૧૦ ઓવરના અંતે ભારતે વિના વિકેટે ૮૩ રન બનાવી લીધા હતા. ૧૩મીમાં રોહિતે પોતાની અર્ધી સદી પૂર્ણ કરતાં ભારતનો સ્કોર ૧૦૦ રનની પાર પહોંચાડી દીધો હતો. ભારતનો સ્કોર ૧૨૩ રન થયો ત્યારે એલને વેસ્ટ ઇન્ડીઝને પ્રથમ સફળતા અપાવતાં ધવનને આઉટ કર્યો હતો. ધવન બાદ આવેલો પંત અંગત પાંચ રન બનાવી આઉટ થયો હતો.  રાહુલ અને રોહિતે ત્યારબાદ ૪.૪ ઓવરમાં ૬૨ રનની ભાગીદારી નોંધાવી ટીમનો સ્કોર ૧૯૫ રને પહોંચાડી દીધો હતો. રોહિત શર્માએ આ દરમિયાન પોતાની ચોથી સદી નોંધાવી રેકોર્ડ બનાવ્યો હતો. રોહિત ટી-૨૦ ઇન્ટરનેશનલમાં ચાર સદી ફટકરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ મેચ પહેલાં તે કોલિન મુનરો અને રોહિત શર્મા ૩-૩ સદી ફટકારી ચૂક્યા હતા.

ઇન્ટરનેશનલ ટી-૨૦માં સર્વાધિક રનના મામલે રોહિત બીજા સ્થાને

રોહિત શર્માએ રેકોર્ડ ચોથી ટી-૨૦ સદી ફટકારવાની સાથે સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે. રોહિત શર્માએ આ મેચમાં ૧૧૧ રન બનાવતાં તેના ૮૬ મેચની ૭૯ ઇનિંગમાં ૨,૨૦૩ રન થઈ ગયા છે અને તે હવે ન્યૂઝીલેન્ડના ઓપનર ર્માિટન ગપ્તિલથી પાછળ છે. ગપ્તિલે ૭૫ મેચની ૭૩ ઇનિંગમાં ૨,૨૭૧ રન બનાવ્યા છે. રોહિત શર્મા આ મેચ પહેલાં ૨૦૯૨ રન સાથે પાંચમા સ્થાને હતો. રોહિત શર્માએ આ મેચમાં ૧૧ રન બનાવવાની સાથે જ વિરાટ કોહલીને પાછળ છોડતાં ભારત તરફથી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો. વિરાટ કોહલીએ ૬૨ મેચની ૫૮ મિનિટમાં ૨,૧૦૨ રન બનાવ્યા છે. રોહિતે ત્યારબાદ રોહિતે ૪૮ રન પૂર્ણ કરવાની સાથે જ સૌથી વધુ રન બનાવવાના મામલે મેક્કુલમને પાછળ છોડી ત્રીજા સ્થાને પહોંચી ગયો હતો. રોહિતે તે પછી ૯૮ રને પહોંચ્યો ત્યારે તેણે પાકિસ્તાનના શોએબ મલિકને પાછળ છોડયો હતો. મલિકે ૨,૧૯૦ રન બનાવ્યા છે. હવે ટી-૨૦ ઇન્ટરનેશનલમાં ૨,૨૦૦થી વધુ રન બનાવવાના મામલે ગપ્તિલ બાદ બીજો બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્માએ આ મેચ દરમિયાન ત્રીજો છગ્ગો ફટકારવાની સાથે બ્રેન્ડન મેક્કુલમને પાછળ છોડયો હતો. મેક્કુલમે ૭૧ મેચની ૭૦ ઇનિંગમાં ૯૧ છગ્ગા ફટકાર્યા હતા. રોહિત શર્માએ ૮૬મી મેચની ૭૯મી ઇનિંગ દરમિયાન ત્રીજો છગ્ગો ફટકારતાં તેના કુલ છગ્ગાની સંખ્યા ૯૨ થઈ હતી. તે સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયો હતો. રોહિતે આ મેચમાં કુલ સાત છગ્ગા ફટકાર્યા હતા જેને કારણે તેના કુલ છગ્ગાની સંખ્યા ૯૬ થઈ ગઈ છે. રોહિતથી વધુ છગ્ગા ગપ્તિલ અને ગેલ આગળ છે. બંનેએ ૧૦૩-૧૦૩ છગ્ગા ફટકાર્યા છે. રોહિત શર્મા પાસે હવે આગામી ૧૧ નવેમ્બરે વિન્ડીઝ સામેની સિરીઝની ત્રીજી ટી-૨૦ મેચમાં આ રેકોર્ડ તોડવાની તક છે.

શિખર ધવનના ટી-૨૦માં હજાર રન પૂર્ણ

ધવને પણ આ મેચમાં ૨૦ રન બનાવવાની સાથે ટી-૨૦ ઇન્ટરનેશનલમાં હજાર રન પૂર્ણ કર્યા હતા. તે ભારત તરફથી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો બેટ્સમેન બન્યો હતો. ધવને ૪૨ મેચની ૪૨ ઇનિંગમાં ૧,૦૨૩ રન બનાવ્યા હતા. આ મેચમાં ધવન ૨૮ રને રમતમાં હતો ત્યારે જીવતદાન મળ્યું હતું. મેચની નવમી ઓવરના પ્રથમ બોલે ધવને હવામાં શોટ ફટકાર્યો હતો જે બાઉન્ડરી પર ઉભેલા કીમો પૌલે ડ્રોપ કર્યો હતો અને બોલ બાઉન્ડરીની બહાર જતાં ધવનને ચોગ્ગો મળ્યો હતો. તે પછી તે પોતાના ખાતામાં વધુ ૧૫ રન ઉમેર્યા બાદ આઉટ થયો હતો.