Romeo's grandfather said, 'I am Army officer, how can you do my overtake?'
  • Home
  • Ahmedabad
  • રોમિયોની દાદાગીરી, કહ્યું- ‘હું આર્મી ઓફીસર છું તમે મારી ઓવરટેક કઈ રીતે કરી શકો?’

રોમિયોની દાદાગીરી, કહ્યું- ‘હું આર્મી ઓફીસર છું તમે મારી ઓવરટેક કઈ રીતે કરી શકો?’

 | 7:55 am IST

। અમદાવાદ ।

હું આર્મીનો જવાન છું,તમે મારી કારની ઓવરટેક કરી જ કેમ ? તેવો પ્રશ્ન બેહુદો સવાલ કરીને કારમાં બેઠેલી યુવતી, મહીલાઓ અને બાળકો પર રોમિયોએ રોફ જમાવ્યો હતો. રોમિયોના ત્રાસથી છુટવા મહીલાઓ સાથે કારમાં સવાર યુવકે કાર ભગાવી તો આ શખ્સે પીછો શરૂ કર્યો હતો. ચાલુ કારે યુવતીને કવર બતાવી તે લઈ લેવા સૂચના આપતા શખ્સની હરકતોથી એક સમય તો કારમાં હાજર પરિવારના સભ્યો રડવા લાગ્યા હતા.

જો કે, મહીલાએ અચાનક ૧૮૧ હેલ્પલાઈનની મદદ માંગી હતી જેના પગલે સોલા પોલીસ, ૧૮૧ની ટીમે મહીલા સાથે કોન્ફરન્સમાં રહીને સતત હિમંત આપી હતી. આખરે અડાલજ પાસેથી કહેવાતો આર્મી ઓફીસર તેની કારનો યુ ટર્ન લઈને રવાના થઈ ગયો હતો. સમગ્ર મામલે મહીલાએ ફરિયાદ કરવાનું ટાળ્યું જો કે, પોલીસે કારના નંબરના આધારે તપાસ શરૂ કરી છે.

થલતેજ વિસ્તારમાં પ્રિયંકા (નામ બદલ્યું છે) તેના પિતરાઈ ભાઈ, ભાભી અને બહેન અને તેમના સંતાનો સાથે ગાંધીનગર તરફ ગુરૂવારના રોજ સાંજે ૭ વાગ્યા કારમાં પસાર થઈ રહી હતી. પ્રિયંકાનો ભાઈ કાર ડ્રાઈવ કરી રહ્યો હતો. તે સમયે ઈક્કો સ્પોર્ટસ કારને પ્રિયંકાના ભાઈએ ઓવરટેક કરી હતી.

દરમિયાનમાં આ કાર ચાલકે પ્રિયંકાની કાર રોકી હતી. નીચે ઉતરીને આ શખ્સે જોરશોરથી બૂમો પાડીને હું આર્મી ઓફીસર છું તમે મારી ઓવરટેક કઈ રીતે કરી શકો ? તેવો બેહુદો સવાલ કરીને રોફ જમાવવાની કોશિષ કરી હતી. પ્રિયંકા કે તેના ભાઈઓ સહીતના લોકો કારમાં બેસી રહ્યા જો કે, આ શખ્સે કારના દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. કારની ફરતે આ શખ્સ ફરી રહ્યો હતો.

પ્રિયંકાના ભાઈએ તરત કાર ભગાવતાં આ શખ્સે ફરી કારનો પીછો શરૂ કર્યો હતો. ચાલુ કારે આ શખ્સ પ્રિયંકાને એક કવર બતાવી તે લઈ લેવા માટે ઈશારા કરતો હતો. અવારનવાર પ્રિયંકા પાછળની સીટમાં બેઠી હોવાથી તે તરફ તેની કાર લઈને કવર બતાવ્યો રાખતો હતો.

સમગ્ર મામલે હેબતાઈ ગયેલી પ્રિયંકાની આંખમાં આંસુ આવી ગયા હતા. જો કે, અચાનક પોલીસની મદદ લેવાનું વિચારી પ્રિયંકાએ હેલ્પલાઈનને ફોન કર્યો હતો. ૧૮૧ હેલ્પલાઈને વિસ્તાર જાણીને સોલા પોલીસ સ્ટેશનના પીઆઈને કોન્ફરન્સમાં લીધા હતા. પીઆઈએ સતત પ્રિયંકા સાથે વાત કરીને તેણે હિંમત આપી હતી. અડાલજ સુધી પ્રિયંકાની કારનો પીછો કરનાર શખ્સે જોયું તો તે કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી.

આથી, ડરી ગયેલા આ શખ્સે તેની કાર સર્વિસ રોડ પર લીધી અને બાદમાં યુ ટર્ન લઈને જતો રહ્યો હતો. કારના તમામ કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી તેમજ કારમાં અન્ય શખ્સ પણ બેઠેલા હતા.

જો કે, શંકાસ્પદ હિલચાલ કરતાં આ શખ્સોની કારનો નંબર પ્રિયંકા પાસેથી લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે પ્રિયંકાની ફરિયાદ લેવાની પણ તૈયારી દર્શાવી હતી જો કે જે તે સમયે ફરિયાદ કરી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન