રૂનો વૈશ્વિક સ્ટોક દસ ટકા ઘટવાની સંભાવના - Sandesh

રૂનો વૈશ્વિક સ્ટોક દસ ટકા ઘટવાની સંભાવના

 | 3:23 am IST

કોમોડિટી કરંટઃ  કમલ શર્મા

ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટી (આઇસીએસી)એ પોતાના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૮-૧૯ની સિઝનમાં રૂનો વૈશ્વિક સ્ટોક ૧૦ ટકા ઘટીને ૧૬૯ લાખ ટન થઇ શકે છે, જ્યારે કે વૈશ્વિક ખપત ત્રણ ટકા વધીને ૨૭૮ લાખ ટન પહોંચવાની સંભાવના છે. ચીનમાં રૂનો સ્ટોક વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૩ ટકા ઘટીને ૬૬ લાખ ટન રહેવાનો અંદાજ છે.

વર્ષ ૨૦૧૮-૧૯માં રૂનો વૈશ્વિક સ્ટોક વર્ષ ૨૦૧૧-૧૨ બાદ પ્રથમવાર સૌથી નીચા સ્તરે રહેવાની સંભાવના છે. ગ્લોબલ સ્ટોક ટૂ યૂઝ રેશિયો સાત મહિનાના નીચા સ્તરે સ્પર્શવાના આસાર છે. ચીનમાં રૂના સ્ટોકમાં ઘટાડાની સીધી અસર વૈશ્વિક સ્ટોક ઉપર જોવા મળશે. માર્ચથી ઓગસ્ટ ૨૦૧૮ દરમિયાન ચીને પોતાના રિઝર્વમાંથી ૨૦ લાખ ટનથી વધુ રૂની વેચવાલી કરી છે. આ સ્ટોક ઘટીને ૮૬ લાખ ટન આવી ગયો છે. જોકે, ઉત્પાદન અને ખપતની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇએ તો વર્ષ ૨૦૧૮-૧૯માં ચીનનો રિઝર્વ સ્ટોક વધુ ઘટશે અને તે ૨૩ ટકા ઘટીને ૬૬ લાખ ટન આવી શકે છે. ચીનને છોડીને વિશ્વના અન્ય દેશોમાં રૂનો સ્ટોક વર્ષ ૨૦૧૭-૧૮માં ૨૪ ટકા વધીને ૧૦૧ લાખ ટન રહ્યો છે. બીજી તરફ ભારત સહિત વિશ્વભરમાં વર્ષ ૨૦૧૮-૧૯માં કપાસનું વાવેતર ઘટયું છે. ચીનમાં રૂના અંતિમ સ્ટોકની સ્થિતિને જોતાં જણાશે કે વર્ષ ૨૦૧૮-૧૯માં તેની આયાત વધશે. કારોબારની નીતિની અનિશ્ચિતતાઓ વચ્ચે પણ વર્ષ ૨૦૧૮-૧૯માં રૂની વૈશ્વિક માગ વધશે અને નીચા ઉત્પાદનને કારણે ભાવને બળ મળવાની સંભાવના છે.