રોસ ટેલરનો ઝંઝાવાત : ઈંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડનો રોમાંચક વિજય - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • રોસ ટેલરનો ઝંઝાવાત : ઈંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડનો રોમાંચક વિજય

રોસ ટેલરનો ઝંઝાવાત : ઈંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડનો રોમાંચક વિજય

 | 2:10 am IST

ઓવલ, તા. ૭

ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચે બુધવારે રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેન રોસ ટેલરે વિસ્ફોટક બેટિંગ કરીને ઈંગ્લેન્ડના હાથમાંથી જીતનો કોળિયો છીનવી લીધો હતો. ઈંગ્લેન્ડ તરફથી બેરસ્ટો અને રૂટે ફટકારેલી સદી એળે ગઈ હતી. રોસ ટેલરે ૧૭ ચોગ્ગા અને ૬ છગ્ગાની મદદથી ૧૪૭ બોલમાં ૧૮૧ રન ફટકાર્યા હતા. ટેલરની એક તરફી બેટિંગના જોરે જ ન્યૂઝીલેન્ડને ચોથી વન-ડેમાં વિજય મેળવીને સિરીઝમાં ૨-૨ની સરસાઈ મેળવી લીધી હતી.

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ઈંગ્લેન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ૫૦ ઓવરમાં ઈંગ્લેન્ડે ૩૩૫ રનનો મોટો સ્કોર નોંધાવ્યો હતો. ઓપનિંગમાં આવેલા જેસન રોયે (૪૨) બેરસ્ટો સાથે પહેલી વિકેટની ૭૭ રનની ભાગીદારી નોંધાવી હતી. ત્યારબાદ ત્રીજા ક્રમે આવેલા જો રૂટે પણ બેરસ્ટો સાથે જોડી જમાવી હતી. બંનેએ બીજી વિકેટ માટે ૧૯૦ રનની ભાગીદારી કહી હતી. આ દરમિયાન બેરસ્ટોએ ૧૦૬ બોલમાં ૧૪ ચોગ્ગા અને ૭ છગ્ગાની મદદથી ૧૩૮ રન નોંધાવ્યા હતા. તે ઉપરાંત રૂટે ૧૦૧ બોલમાં ૧૦૨ રન કરીને શતકીય યોગદાન આપ્યું હતું. રૂટની વિકેટ ગયા બાદ મિડલ ઓર્ડર સાવ નિષ્ફળ ગયું હતું. બટલર (૦), ઈયોન મોર્ગન (૫), બેન સ્ટોક્સ (૧) અને મોઈન અલી (૩) રન બનાવીને આઉટ થઈ ગયો હતો. રશિદ (૧૧) અને ટોમ કરેન (૨૨) જેવા પૂછડિયા ખેલાડીઓએ ટીમનો સ્કોર થોડો વધાર્યો હતો. આમ ઈંગ્લેન્ડે ૯ વિકેટના નુકસાને ૩૩૫ રનનો સ્કોર બનાવ્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી ઈશ સોઢીએ સૌથી વધુ ૪ જ્યારે બોલ્ટ અને મુનરોને ૨-૨ વિકેટ મળી હતી. સાઉથીના ભાગે એક સફળતા આવી હતી.

ન્યૂઝીલેન્ડે બે રનમાં બે વિકેટ ગુમાવી હતી

વિશાળ સ્કોરનો પીછો કરવા દરમિયાન ન્યૂઝીલેન્ડની શરૂઆત અત્યંત ખરાબ હતી. ન્યૂઝીલેન્ડે ર્માિટન ગપ્તિલ (૦) અને કોલિન મુનરો (૦)ની વિકેટ શરૂઆતમાં જ ગુમાવી દીધી હતી. બે રનમાં કિવીએ પોતાના બે ઓપનિંગ બેટ્સમેન ગુમાવી દીધા હતા. ત્યારબાદ કેન વિલિયમ્સને (૪૫) રનની કેપ્ટન ઈનિંગ રમીને ટીમને થોડો સાથ આપ્યો હતો. રોસ ટેલર સાથે તેણે થોડી ભાગીદારી નોંધાવી હતી. વિલિયમસનની વિકેટ બાદ લેથમ ક્રિઝ ઉપર આવ્યો અને તેણે ટેલર સાથે મળીને ટીમને મહત્ત્વના સ્કોર તરફ આગેકૂચ કરાવી. તેણે ૭૧ રનનું યોગદાન આપ્યું હતું. લેથમ અને ટેલરે ૧૮૭ રનની ભાગીદારી નોંધાવી હતી. ગ્રેનડોમે ૨૩ અને નિકલ્સે ૧૩ રન નોંધાવીને અંતિમ ઓવરમાં ટીમને વિજય અપાવ્યો હતો. આ દરમિયાન ટેલરે ૧૪૭ બોલમાં અણનમ ૧૮૧ રનની ઝંઝાવાતી ઈનિંગ રમી હતી.