રૂના ઉત્પાદનનો સાચો અંદાજ આગામી બે માસમાં મળશે - Sandesh

રૂના ઉત્પાદનનો સાચો અંદાજ આગામી બે માસમાં મળશે

 | 1:02 am IST

કોમોડિટી કરંટઃ  કમલ શર્મા

અપૂરતાં વરસાદ, વાવેતર હેઠળના વિસ્તારમાં ઘટાડો તથા પિંક બોલવોર્મના હુમલા જેવા પરિબળોને કારણે નવી સિઝનમાં રૂના ઉત્પાદનમાં ૩થી૪ ટકાનો ઘટાડો નોંધાઇ શકે છે તેમજ ઉત્પાદન ૩૫૦ લાખ ગાંસડીની આસપાસ રહેવાની સંભાવના છે. સીએઆઇના પ્રેસિડેન્ટ અતુલ ગણાત્રાના કહેવા અનુસાર રૂના મુખ્ય ઉત્પાદનકર્તા રાજ્યોમાં અપૂરતાં વરસાદ તથા બીજા પાક તરફ ખેડૂતોના આકર્ષણને કારણે વાવેતર હેઠળનો વિસ્તાર ઘટયો છે. આ ઉપરાંત કેટલાંક પ્રદેશોમાં પિંક બોલવોર્મના હુમલાના પણ સમાચાર પ્રકાશમાં આવ્યાં છે, જેના કારણે નવી સિઝનમાં રૂનું ઉત્પાદન ૩થી૪ ટકા ઘટીને ૩૫૦ લાખ ગાંસડીની આસપાસ રહી શકે છે. જોકે, સીએઆઇએ વર્ષ ૨૦૧૭-૧૮માં ૩૬૫ લાખ ગાંસડી (પ્રતિ ગાંસડી ૧૭૦ કિલો) રૂના ઉત્પાદનનો અંદાજ વ્યક્ત કર્યો છે. કોટન વર્ષ ઓક્ટોબરથી સપ્ટેમ્બર દરમિયાન હોય છે.

આગામી મહિનાઓ (સપ્ટેમ્બર-ઓક્ટોબર) રૂના પાક માટે મહત્વપૂર્ણ બની રહેશે કારણકે આ સમયગાળામાં જ ઉત્પાદનની વાસ્તવિક પરિસ્થિતિનો અંદાજ મળી શકશે. ગુજરાતમાં ઓછા વરસાદને કારણે કપાસના પાકને પહેલેથી જ અસર થઇ છે અને રાજ્યમાં સાત ઘટાડનો ઘટાડો જોવાઇ રહ્યો છે. દેશભરમાં ૨૭ ઓગસ્ટ સુધીમાં ૧૧૬ લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે, જે ગત વર્ષે સમાન સમયગાળામાં ૧૨૪.૫૦ લાખ હેક્ટર હતું. કુલ વાવેતર ૧૨૦ લાખ હેક્ટર સુધી પહોંચી શકે છે.

પાકિસ્તાનમાં રૂનું ઉત્પાદન ૧૪૦ લાખ ગાંસડી

પાકિસ્તાનમાં વર્તમાન સિઝનમાં રૂનું ઉત્પાદન ૧૪૨.૩ લાખ ગાંસડી રહેવાની સંભાવના છે. પાકિસ્તાનમાં કપાસનું વાવેતર ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં બે ટકા વધુ છે. અનુકૂળ મોસમ, પાકની સારી સ્થિતિ અને કીટાણુઓના હુમલાની ઓછી અસરોને કારણે પંજાબ તથા સિંધ પ્રાન્તમાં ગત વર્ષની સરખામણીમાં વધુ ઉત્પાદન થઇ શકે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રૂના ભાવ ૯૧ સેન્ટ હતાં ત્યારે પાકિસ્તાનમાં ભાવ પ્રતિ ૪૦ કિલો રૂપિયા ૪૦૦૦ હતાં. કપાસના આકર્ષક ભાવને કારણે ખેડૂતોને વાવેતર વધારવા પ્રોત્સાહન મળ્યું છે. પાકિસ્તાનમાં કપાસનું વાવેતર ૨૬.૯ લાખ હેક્ટરમાં થયું છે, જ્યારે કે તેનું લક્ષ્ય ૨૯.૫ લાખ હેક્ટર હતું. પાકિસ્તાનમાં વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૪૩.૭૭ લાખ ગાંસડી સુધી રૂનું ઉત્પાદન થઇ શકે છે. પંજાબ પ્રાન્તમાં કપાસનું વાવેતર ૧૧ ટકા વધીને ૨૨.૯ લાખ હેક્ટર થયું છે, જ્યારે કે લક્ષ્ય ૨૩.૧ લાખ હેક્ટર હતું. ઉલ્લેખનીય છે કે વાવેતર સમયે પાણીની તંગી અને સૂકા મોસમને કારણે સિંધ પ્રાન્તમાં વાવેતર ૩૧ ટકા ઘટયું છે.