Rs 2000 cr unaccounted income unearthed in I-T raids in AP, Telangana
  • Home
  • India
  • ટીડીપી નેતાઓને ત્યાં દરોડા : રૂ.2000 કરોડથી વધુની બેહિસાબી આવક ઝડપાઈ

ટીડીપી નેતાઓને ત્યાં દરોડા : રૂ.2000 કરોડથી વધુની બેહિસાબી આવક ઝડપાઈ

 | 6:30 am IST

। હૈદરાબાદ ।

આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહમાં આંધ્રપ્રદેશ અને તેલંગણા સ્થિત ૩ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓના ઠેકાણાઓ પર પડાયેલા દરોડામાં રૂપિયા ૨,૦૦૦ કરોડથી વધુની બેહિસાબી આવક ઝડપી પાડવામાં આવી છે. આંધ્રપ્રદેશ, તેલંગણા, દિલ્હી અને મહારાષ્ટ્ર એમ ૪ રાજ્યોના ૪૦ ઠેકાણા પર પાડેલા દરોડામાં રૂપિયા ૨,૦૦૦ કરોડ કરતાં વધુ છુપાવેલી આવક સામે આવી છે. સીબીડીટી દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, અમારી તપાસ દરમિયાન ઓવર ઇનવોઇસિંગ અને બોગસ બિલિંગ, બોગસ સબકોન્ટ્રાક્ટરો દ્વારા રોકડ રકમનું મોટું રેકેટ સામે આવ્યું છે. સર્ચ ઓપરેશનમાં જાણવા મળ્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓએ ફક્ત કાગળ પર રહેલી કંપનીઓને સબકોન્ટ્રાક્ટના કામ આપ્યાં હતાં. પ્રાથમિક અંદાજ પ્રમાણે રૂપિયા ૨,૦૦૦ કરોડથી વધુની રકમની હેરાફેરી માટે સંખ્યાબંધ કંપનીઓની ચેઇન ચલાવવામાં આવતી હતી. જેમાં છેવાડાની કંપનીઓ રૂપિયા ૨ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતી હોવાનું દર્શાવીને આ મોટી કરચોરીને અંજામ આપવામાં આવી રહ્યો હતો. બે કરોડથી ઓછું ટર્ન ઓવર ધરાવતી કંપનીઓને હિસાબી ચોપડા રાખવાની અને ટેક્સ ઓડિટની ફરજ પડાતી નથી. આ પ્રકારની કંપનીઓના રજિસ્ટર્ડ એડ્રેસ ખોટાં હતાં. સબકોન્ટ્રાક્ટરો ફક્ત કાગળ પર જ હતાં. તેમના આઇટીઆર પણ મુખ્ય કંપનીઓ દ્વારા જ ભરાતાં હતાં. આ દરોડાઓમાં રૂપિયા ૮૫ લાખ રોકડ અને રૂપિયા ૭૧ લાખના ઝવેરાત જપ્ત કરાયાં હતાં.

તેલંગણામાં ટીઆરએસ નેતાના ભાઈને ત્યાં તપાસ

આઇટી વિભાગે ચંદ્રાબાબુ નાયડુના પૂર્વ પર્સનલ સેક્રેટરી અને ટીડીપી નેતા આર એસ રેડ્ડ્ી સહિતના નેતાઓના ઠેકાણાઓ પર દરોડા પાડયા હતા. તેલંગણામાં સત્તાધારી ટીઆરએસના નેતાના ભાઇની જાણીતી કંપની પર સર્ચ ઓપરેશનો હાથ ધરાયાં હતાં. નાયડુના પૂર્વ પીએસના નજીકના લોકોના ઠેકાણાઓ પર પણ દરોડા પડાયા હતા.

ચંદ્રાબાબુને ફસાવવામાં આવી રહ્યા હોવાના તર્ક

જાણીતા રાજકીય વિશ્લેષક ટી. રવિએ જણાવ્યું હતું કે, ચંદ્રાબાબુ નાયડુ વિધાનસભામાં પણ જણાવી ચૂક્યા છે કે કેન્દ્ર સરકાર દ્વારા તેમને ફસાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. એમ કહેવાય છે કે ઉત્તર ભારતમાં થોડા સમય અગાઉ યોજાઇ ગયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં મદદ કરવા કેટલીક કંપનીઓએ કોંગ્રેસને ભંડોળ મોકલી આપ્યાં હતાં. જેના કારણે ભાજપ બદલો લઈ રહ્યો છે.

ચંદ્રાબાબુ નાયડુની ધરપકડ કરવા માગ

સત્તાધારી પક્ષ વાયએસઆર કોંગ્રેસે બિનહિસાબી રકમના કેસમાં ચંદ્રાબાબુ નાયડુની ધરપકડની માગ કરી છે. પાર્ટીના ધારાસભ્યો દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, નાયડુ અને તેમના પુત્ર લોકેશે ૨૦૧૪થી ૨૦૧૯ વચ્ચે મોટા કૌભાંડો આચર્યાં છે. સરકારે નાયડુને વિદેશ નાસી જતા અટકાવવા તેમની ધરપકડ કરવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન