ઊડવા કરતાં દોડવાનું વધુ પસંદ કરતું પક્ષી સેરેઈમા - Sandesh
  • Home
  • Kids Corner
  • ઊડવા કરતાં દોડવાનું વધુ પસંદ કરતું પક્ષી સેરેઈમા

ઊડવા કરતાં દોડવાનું વધુ પસંદ કરતું પક્ષી સેરેઈમા

 | 12:01 am IST

જંગલબુક :- નીરવ દેસાઈ

આ સુંદર પક્ષી સેરેઈમા તરીકે ઓળખાય છે. અગાઉ એવું માનવામાં આવતું કે આ પક્ષી બગલાં અને સારસ સાથે નાતો ધરાવતું હોવું જોઈએ, પણ વધુ અભ્યાસ બાદ એવું તારણ નીકળ્યું કે બગલાં-સારસ કરતાં બાજ અને પોપટના જીન્સ (જનીન) સાથે સેરેઇમા વધુ સમાનતા ધરાવે છે.

સેરેઇમા કદમાં મોટું હોય છે. તેના પગ લાંબા હોય છે. મોટે ભાગે એ ઘાસના મેદાની પ્રદેશોમાં જોવા મળે છે. બ્રાઝિલ, બોલિવિયા, આર્જેન્ટિના, પેરાગ્વે અને ઉરૂગ્વે જેવાં દેશોમાં સેરેઈમાની વસતિ વધુ છે. આ પક્ષીની બે પ્રજાતિઓ છેઃ લાલ પગવાળી (કેરિયેમા ક્રિસ્ટાના) અને કાળા પગવાળી (કેરિયેમા બર્મીસ્ટેરી). દક્ષિણ અમેરિકા ખંડમાં આ પક્ષીને સિરિયેમા, સારિયેમા અને કેરિયેમા વગેરે નામોથી ઓળખવામાં આવે છે, જેનો અર્થ એક જ થાય છેઃ કલગીવાળું.

સેરેઈમા પક્ષી લગભગ ૩૫ ઇંચ ઊંચું હોય છે. કાળા પગવાળાં સેરેઈમાની સરખામણીમાં લાલ પગવાળાં સેરેઈમા થોડાં મોટાં હોય છે. તેમને ઊડવા કરતાં જમીન પર ચાલવાનું તેમજ દોડવાનું વધારે ફાવે છે. જ્યારે તેમને કોઈ ભયની અનુભૂતિ થાય ત્યારે તેઓ ઊડવાને બદલે ઝડપથી જમીન પર દોડે છે. જો કે તેઓ ટુંકા અંતર સુધી ઉડાન ભરી શકે છે. સેરેઈમાનાં પગ, ગરદન અને પૂંછડી લાંબા હોય છે, પરંતુ તેમની પાંખો તેમના શરીરના પ્રમાણમાં ટૂંકી હોય છે.

આ પક્ષી દેખાવે આછા બદામી રંગના હોય છે. તેમની ચાંચ ટૂંકી હોય છે અને તેમના માથા પર કલગી હોય છે, જે ટટ્ટાર ઊભેલી હોય છે. લાલ પગવાળા સેરેઈમા મોટેભાગે ઘાસના ખુલ્લા મેદાનમાં રહેવાનું વધારે પસંદ કરે છે, જ્યારે કાળા સેરેઈમા ખરબચડા અને ખુલ્લા જંગલોમાં રહેવાનું પસંદ કરે છે. તેમનો અવાજ ખૂબ જ તીણો હોય છે. તેઓ એકમેકને મોટેથી ચિચિયારીઓ પાડીને બોલાવે છે. તેમના પંજા મજબૂત અને અણીદાર હોય છે. તેમના પંજાનો બીજા નંબરનો નહોર એકદમ વાંકો હોય છે અને આ નહોર લાંબો-ટૂંકો થઈ શકે તેવો હોય છે.

સેરેઈમા સામાન્ય રીતે જંતુઓ, સાપ, ગરોળી, દેડકા, નાના પક્ષીઓ અને ઉંદરોને આરોગે છે. એ જ્યારે સાપ તથા અન્ય સરીસૃપ (પેટે સરકતાં પ્રાણીઓ)નો શિકાર કરે છે ત્યારે તેમને જમીન પર પટકીને મારી નાખ્યા પછી આરોગી જાય છે. અને જો શિકાર કદમાં મોટો હોય તો સેરેઈમા તેને પંજા વડે પકડીને ચીરી નાખ્યા બાદ તેના નાના-નાના ટુકડાં કરીને તેને આરોગે છે. જ્યારે તેમને મનુષ્યથી ભય લાગે ત્યારે તેઓ તેમનું શરીર ફુલાવીને અને પાંખો ફેલાવીને તેમનો સામનો કરે છે. શિકારીઓથી બચવા માટે સેરેઈમા ઝાડ ઉપર જ માળો બનાવે છે. પ્રજનન દરમિયાન તેઓ પોતાના ક્ષેત્રમાં અન્ય પક્ષીઓને તો ઠીક, પોતાની જ જાતિના અન્ય પક્ષીઓને પણ પોતાના ક્ષેત્રમાં પ્રવેશવા દેતા નથી અને જો તેઓ પ્રવેશે તો તેમની સાથે લડાઈ કરે છે. લડાઈ દરમિયાન તેઓ તેમના પગથી એકબીજાને લાત મારે છે અને જોરજોરથી ચિચિયારીઓ પાડે છે.

[email protected]