રૂપાણી, પટેલના શિરે પુનઃ CM, ડે. CM પદનો તાજ - Sandesh
  • Home
  • Ahmedabad
  • રૂપાણી, પટેલના શિરે પુનઃ CM, ડે. CM પદનો તાજ

રૂપાણી, પટેલના શિરે પુનઃ CM, ડે. CM પદનો તાજ

 | 4:52 am IST

ગાંધીનગર, તા. ૨૨

ભાજપના ૯૯ ધારાસભ્યોએ ૧૪મી વિધાનસભામાં ગૃહના નેતા તરીકે વિજય રૂપાણી અને ઉપનેતા તરીકે નીતિન પટેલની સર્વાનુમતે વરણી કરી હતી. કેન્દ્રીય નિરીક્ષક નાણામંત્રી અરુણ જેટલી અને સાંસદ સરોજ પાંડેએ નવી સરકારના સુકાની તરીકે મુખ્યમંત્રીપદે વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીપદે નીતિન પટેલને રિપીટ કર્યાની જાહેરાત કરતાં પ્રદેશ કાર્યાલય કમલમ્ સંકુલમાં કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, ગુજરાત ભાજપના ચૂંટણી પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સહિતના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં સિનિયર ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મુખ્યમંત્રીપદે વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીપદ માટે નીતિન પટેલનાં નામની દરખાસ્ત મૂકી હતી, જેને ભાજપના નવા ચૂંટાયેલા તમામ ધારાસભ્યોએ સર્વાનુમતે સ્વીકારી હતી, અરુણ જેટલીની જાહેરાત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ્યાં ભાજપને મત ન મળ્યા ત્યાં પણ લેશમાત્ર ભેદભાવ વગર સાડા છ કરોડ ગુજરાતીઓના વિકાસ માટે કામ કરશે તેમ કહ્યું હતું. નીતિન પટેલે ચૂંટાયેલા ધારાસભ્યો, સંગઠનનો સાથ લઈને ભાજપની સરકાર એ મારી સરકાર છે તેવી લોકભાવનાને વધુ ઊંચાઈએ લઈ જવા અમે બંને પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

મત ન મળ્યા હોય ત્યાં પણ લેશમાત્ર ભેદભાવ વગર વિકાસનાં કામો માટે અમે પ્રતિબદ્ધ : વિજય રૂપાણી

પ્રજાએ જાતિવાદ ફગાવી વિકાસને ૨૭ વર્ષનો મેન્ડેટ આપ્યો

અમારા બંને પર ભરોંસો રાખીને ફરી જવાબદારી સોંપવા બદલ મતદારો અને ભાજપનો આભાર માનતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવનારાં પાંચ વર્ષમાં દરેક ગુજરાતીની આશા, અપેક્ષા અને સપનાંને પૂર્ણ કરવાનું વચન આપ્યું હતું. પ્રજાએ કોંગ્રેસના જાતિવાદને ફગાવીને વિકાસને વધુ પાંચ વર્ષ એટલે ૨૭ વર્ષનો મેન્ડેટ આપ્યો છે. નરેન્દ્રભાઈના સૌના સાથ – સૌના વિકાસના મંત્રથી ગુજરાતના વિકાસ મોડલને વધુ ઊંચાઈએ લઈ જઈશું.

અપક્ષે ટેકો આપતાં ભાજપ ૧૦૦ના આંકડે : વાઘાણી

લુણાવાડાથી અપક્ષ તરીકે ચૂંટાયેલા રતનસિંહ રાઠોડે ભાજપને બિનશરતી ટેકો આપ્યાનું મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જાહેરાત થયા પછી પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પત્રકારોને જણાવ્યું હતું. રતનસિંહના ભાજપપ્રવેશથી ૧૪મી વિધાનસભા મળે તે પહેલાં જ ભાજપ ૧૦૦ ધારાસભ્યોનો આંકડો મેળવી લઈ ત્રણ આકડામાં પ્રવેશી ગયો છે.

ભાજપ સરકાર એ મારી સરકાર એવી લોકભાવનાને અમે બંને વધુ ઊંચાઈએ લઈ જઈશું : નીતિન પટેલ

વિશ્વમાં ગુજરાતની પ્રતિષ્ઠા વધે તેવું કામ સાથે મળી કરીશું

વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત અને ગુજરાતીઓ માટેનો પ્રેમ અમને વિકાસની યાત્રાને આગળ વધારવા ખૂબ જ લાભદાયી નીવડશે, એમ કહેતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, કેન્દ્રમાંથી નાણાકીય, યોજનાકીય સહયોગ સતત મળતો રહેશે. વિસ્તાર, જ્ઞાાતિ-જાતિ, શહેર-ગ્રામ્ય એમ સૌને સાંકળી સૌનો સાથ – સૌનો વિકાસ મંત્રથી અમારી સરકાર દુનિયામાં ગુજરાતની પ્રતિષ્ઠા વધારવા આગળ વધશે.

નેતા-ઉપનેતાની વરણીનો પત્ર આજે રાજ્યપાલને સોંપાશે

૧૪મી વિધાનસભાને આધીન નવી સરકાર રચવા ભાજપે વૈધાનિક પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ નેતા-ઉપનેતાની વરણીનો પત્ર શનિવારે રાજ્યપાલ ઓ. પી. કોહલીને સોંપાશે. તેના આધારે રાજભવનમાંથી નવી સરકાર રચવા આમંત્રણ અને સમય ફાળવ્યા બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતનાં મંત્રીમંડળની શપથવિધિ યોજાશે. સોમવારે નાતાલની જાહેર રજા બાદ આગામી સપ્તાહે મંગળવાર કે બુધવારે અમદાવાદમાં નવી સરકારની શપથવિધિ થાય તેમ મનાય છે. આ પહેલાં મંત્રીમંડળમાં કોને સમાવવા તેનો નિર્ણય કરવા વિજય રૂપાણી અને નીતિન પટેલ ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે શનિ-રવિ દરમિયાન બેઠક યોજશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન