Shiv Aradhana never goes in vain, rushi Angiras became lord bruhaspati by that
  • Home
  • Astrology
  • આંગિરસ ઋષિએ કરી હતી શિવ આરાધના, તે પછી બૃહસ્પતિ તરીકે ઓળખાયા

આંગિરસ ઋષિએ કરી હતી શિવ આરાધના, તે પછી બૃહસ્પતિ તરીકે ઓળખાયા

 | 5:42 pm IST

સંસારની સૃષ્ટિ રચવાની ઈચ્છાથી બ્રહ્માજીએ મરિચિ, અત્રિ, અંગીરા વગેરે માનસપુત્રો ઉત્પન્ન કર્યા. તેમા અંગિરાના એક પુત્ર આંગીરસ પણ હતા.તે શૈશવ અવસ્થામાં જ ખુબ જ જ્ઞાની અને બુદ્ધિમાન હતા. તે દરેક શાસ્ત્રોના જાણકાર અને વેદોના પારંગત ખુબ જ વિદ્યવાન, ગુણવાન, રુપવાન અને શિલસંપન્ન હતા. તેમણે ભગવાન શંકરની આરાધનાનો આરંભ કર્યો. પરમ પાવની કાશી નગરીમાં શિવલિંગની સ્થાપના કરીને ઘોર તપસ્યા કરવા લાગ્યા. તપસ્યા કરતા કરતા દસ હજાર વર્ષો વિતી ગયા. ત્યારે જગદીશ્વર તે લિંગમાંથી પ્રગટ થઈને કહેવા લાગ્યા કે હું તમારી તપસ્યાથી પ્રસન્ન છું. તમારું મનગમતુ વરદાન માંગો. પોતાની સામે ઉત્કૃષ્ટ, જટાધારી અને તેજામય પરમ કલ્યાણી ભગવાન શંકરની મૂર્તિ જાઈને તે પ્રસન્ન થઈને સ્તુતિ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે દેવાધિદેવ જગન્નાથ આપ ત્રિગુણાતીત, જરામરણથી રહિત, ત્રિજગન્મય, ભક્તોના ઉદ્ધારક અને શરણાગત વત્સલ છો. આપના દર્શનથી હું કૃતકૃત્ય થઈ ગયો. મારી દરેક મનોકામના પૂર્ણ થઈ ગઈ.

આંગીરસની આવી સ્તુતિ સાંભળીને ભગવાન આશુતોષે વધુ પ્રસન્ન થઈને તેમને અનેક વરદાન આપ્યા. તેમણે કહ્યું કે હે આંગીરસ તમે મોટું તપ કર્યુ છે. તમે ઈન્દ્ર વગેરે દેવોમાં પતિ તથા દરેક ગ્રહોમાં પૂજ્ય રહેશો. તમારુ નામ બૃહસ્પતિ રહેશે. તમે ખુબ મોટા અને વિદ્યવાન હશો. જે પ્રાણી તમારા દ્રારા સ્થાપિત આ લિંગની આરાધના કરશે અને તમારા દ્રારા ગવાયેલી સ્તુતિનો પાઠ કરશે તેને મનોવાંચ્છિત ફળ મળશે. કોઈ ગ્રહજન્ય બાધા તેને પિડીત નહીં કરે. આ રીતે અનેક વરદાન આપીને ભગવાન શંકરે બ્રહ્મા, ઈન્દ્ર વગેરે દેવતાઓને બોલાવ્યા અને બ્રહ્માજીને કહ્યુ કે બૃહસ્પતિજીને દરેક દેવતાઓના આચાર્ય બનાવી દો.

બ્રહ્માજીએ એ જ સમયે બૃહસ્પતિનો દેવાચાર્ય પર અભિષેક કરી દીધો. આ સમયે દેવતાઓની દુદુંભીઓ વાગવા લાગી. આ રીતે ભગવાન શંકરના અનુગ્રહથી આંગીરસે તે પદ મેળવ્યું જેનાથી વધીને સ્વર્ગલોકમાં કોઈ બીજુ પદ હોઈ ન શકે. તેમના દ્રારા સ્થાપિત બૃહસ્પતિશ્વરના પૂજનથી પ્રાણી પ્રતિભાથી સંપન્ન થાય છે અને તેને અભિષ્ઠ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે અને ગુરુલોકમાં તે પ્રતિષ્ઠત થાય.