Russia backs India at UN closed door session on Kashmir 370
  • Home
  • Featured
  • કાશ્મીર મામલે ચીન-પાકિસ્તાનને લપડાક, રશિયાએ નિભાવી ભારત સાથે મિત્રતા

કાશ્મીર મામલે ચીન-પાકિસ્તાનને લપડાક, રશિયાએ નિભાવી ભારત સાથે મિત્રતા

 | 2:23 pm IST

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 દુર કરવી અને જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. તમામ પ્રકારના હાથ-પગ પછાડી લીધા પછી તેણે ચીનની શરણ લીધી હતી. પાકિસ્તાનના કહેવાથી ચીને હવે આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક શુક્રવારે ભારતીય સમાયાનુસાર સાંજે 7.30 કલાકે બંધબારણે યોજાઈ હતી જે મોડી રાત સુધી ચાલી હતી.  

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની શુક્રવારે સાંજે મળેલી અનૌપચારિક બેઠકમાં ચીન-પાકિસ્તાનને જોરદાર ઝાટકો લાગ્યો હતો. સંયુક્ત્ત રાષ્ટ્રના 5 કાયમી સભ્ય દેશમાંથી 4 સભ્ય દેશોએ ભારતનું સમર્થન કર્યું હતું. કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં બંધ બારણે 73 મિનિટ સુધી ચલેલી ચર્ચામાં ચીનને જોરદાર લપડાક પડી હતી.

યુએનએસસીની બેઠકમાં ચીને કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનને ‘ખુલ્લું સમર્થન’ આપ્યું છે. જ્યારે યુએનએસસીના ચીન સિવાયના કાયમી સભ્યો ફ્રાન્સ, રશિયા, યુનાઈટેડ કિંગડમ અને યુનાઈટેડ સ્ટેટ્સએ ભારતનું સમર્થન કર્યું છે. સાથે જ જણાવ્યું છે કે, આ ભારત અને પાકિસ્તાનનો દ્વીપક્ષીય મામલો છે. અમેરિકાએ વધુમાં જણાવ્યું છે કે, કાશ્મીરમાં જે કોઈ ગતિવિધિ થઈ રહી છે તે ભારતની આંતરિક બાબત છે. 

સ્થાયી સમિતિમાં રશિયાના પ્રતિનિધિ દમિત્રી પોલિન્સ્કીએ જણાવ્યું કે, “કાશ્મીરની સમસ્યાના ઉકેલમાં UNSCની કોઈ ભૂમિકા હોઈ શકે નહીં. આ મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય વાટાઘાટોથી જ ઉકેલી શકાશે. આ મુદ્દે અમારો કોઈ છુપો એજન્ડા નથી. બંને દેશ સાથે અમારે સારા સંબંધ છે. અમારી ઈચ્છા છે કે બંને દેશ આ મુદ્દાનો વાટાઘાટોથી ઉકેલ લાવે.”

ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રની આ ઔપચારિક બેઠક છે અને તે બંધબારણે યોજાય છે. બંધબારણે યોજાયેલી આ પ્રકારની બેઠકનો કોઈ રેકોર્ડ રાખવામાં આવતો નથી કે તેની કોઈ પ્રેસનોટ આપવામાં આવતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન