Russia Offers to Help US With Corona Virus Vaccine, America Says No
  • Home
  • Corona
  • રશિયાની કોરોના વેક્સીનની અમેરિકાએ ઉડાવી જબરી મજાક, આવી રસી તો અમે…

રશિયાની કોરોના વેક્સીનની અમેરિકાએ ઉડાવી જબરી મજાક, આવી રસી તો અમે…

 | 8:08 pm IST

રશિયાએ દુનિયામાં સૌથી પહેલા કોરોના વાયરસની વેક્સીન વિકસાવી લીધાનો દાવો કર્યા બાદ દુનિયાના અનેક દેશો તેની ટીકા કરી રહ્યાં છે. હવે અમેરિકાએ તો રશિયાને રીતસરનું ચીડવવાનું શરૂ કરી દીધું છે. અમેરિકાએ કોરોનાની વેક્સીન વિકસીત કરવાને લઈને રશિયાની હાંસી ઉડાવતા કહ્યું છે કે, આ વેક્સીન તો વાંદરા પર ટેસ્ટ કરવાને લાયક પણ નથી.

રશિયાએ આપ્યો જવાબ

રશિયા હવે દુનિયાના અન્ય દેશોને પણ પોતે વિકસીત કરેલી કોરોના વાયરસની રસી બનાવવામાં મદદ કરવા માંગે છે. રશિયન અધિકારીઓએ કહ્યું હતું કે, તેઓએ કોરોના વાયરસની રસી અંગે અમેરિકા ઓપરેશન વોર્પ સ્પીડને સહકાર આપવાની ઓફર કરી હતી. કોરોના અને અસરકારક રસીની સારવાર ઝડપી બનાવવા માટે અમેરિકા દ્વારા ઓપરેશન વોર્પ સ્પીડ એજન્સીની સ્થાપના કરવામાં આવી છે. અધિકારીઓ કહે છે કે અમેરિકાએ રશિયા પાસેથી કોઈ તબીબી સહાય લેવાનો ઇનકાર કરી દીધો છે. એક વરિષ્ઠ રશિયન અધિકારીએ કહ્યું હતું કે, અમેરિકા ઘણી વાર રશિયાને લઈ શંકાશીલ હોય છે, મને લાગે છે કે રસી, તેના  પરીક્ષણ અને સારવાર જેવી ટેકનીકીમાં અમારી મદદ ન લેવી તે પણ આ અવિશ્વાસનું જ પરિણામ છે.

આવી રસી તો અમે વાંદરાને આપીએ છીએ : અમેરિકા

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કાયલે મેક્નીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પને રશિયન રસી વિશે માહિતી આપવામાં આવી છે. મૈકનીએ કહ્યું કે અમેરિકાની રસીએ આકરા એવા તબક્કાના ત્રણ પરીક્ષણ અને ઉચ્ચ ધોરણોમાંથી પસાર થવું પડે છે. અમેરિકાના અન્ય એક અધિકારીએ કહ્યું હતું કે, અમેરિકા ક્યારેય રશિયાની અડધી પરીક્ષણ કરાયેલી રસીને ગંભીરતાથી લીધી જ નથી. અમેરિકાના જાહેર આરોગ્ય અધિકારીએ કહ્યું, રશિયાએ જે રસી બનાવી છે, અમે તે રસીનો ઉપયોગ વાંદરાઓ પર કરીએ છીએ.

રસી ઘણા અમેરિકનોને બચાવી શકે

રશિયન અધિકારીઓ કહે છે કે, તેઓ તેમની રસી વિશેની માહિતી શેર કરવા માટે તૈયાર છે. આ સાથે, અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપનીઓ તેમના દેશમાં પણ રશિયાની રસી બનાવી શકે છે. રશિયાએ પહેલેથી જ કહ્યું છે કે, અમેરિકાની કેટલીક કંપનીઓએ રશિયાની રસી વિશે શીખવામાં રસ દાખવ્યો છે પરંતુ તેમણે આ કંપનીઓનું નામ લીધું નથી. રશિયા કહે છે કે, અમેરિકાએ અમારી રસી પર ગંભીરતાથી વિચાર કરવો જોઇએ. સ્પુટનિક-5ની રસી ઘણા અમેરિકનોને બચાવી શકે છે. એક વરિષ્ઠ રશિયન અધિકારીએ કહ્યું હતું કે, જો અમારી રસી સૌથી અસરકારક સાબિત થશે છે, તો અમેરિકા પર સવાલો ઉભા થશે કે તેણે આ વિકલ્પને કેમ રસ ના લીધો.

અમેરિકાના અધિકારીઓએ કહ્યું કે…

અમેરિકાની સરકારના સલાહકાર અને એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમેરિકાએ રશિયાની કોરોના રસીના નમૂના લેવા માટે કહ્યું જ નથી. રસી પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે, હવે રશિયામાં કોરોનાના એટલા બધા કેસ છે કે તે સરળતાથી તેની રસીનું ક્લિનિકલ ટ્રાયલ કરી શકે છે પરંતુ તેણે આ કામ તેણે મોટાપાયે કર્યું જ નથી. રસીનું કોઈ પરીક્ષણ જ કરવામાં આવ્યું નથી. આ રસી ઉપર તેણે બહુ ઓછા પરિક્ષણ કર્યા છે. ખૂબ ઓછા લોકો પર ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તેથી એ સાબિત નથી થતું કે આ રસી વધારે મોટી વસ્તી પર અસરકારક સાબિત થશે કે નહીં. આ ડેટા સંપૂર્ણપણે અસુરક્ષિત અને અપૂરતી છે. અમેરિકી વહીવટના અન્ય વરિષ્ઠ અધિકારીએ રશિયન રસીને મજાક ગણાવતા કહ્યું હતું કે, રશિયાએ તેની ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી કરી નથી, તેથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કે યુએસ બંને તેને ગંભીરતાથી લઈ રહ્યા નથી.

તેમણે કહ્યું હતું કે, અમેરિકાના અધિકારીઓને રશિયાની રસી કરતા ચીનની રસી ઉપર વધુ વિશ્વાસ છે. અમેરિકા સરકારના સલાહકારે કહ્યું હતું, ચીન રસી દોડમાં વિજયની સૌથી નજીક છે. ચીન રસી પરીક્ષણ અંગે વધુ ગંભીર છે અને સંપૂર્ણ જવાબદારી સાથે તેની ભૂમિકા નિભાવી રહ્યું છે.

રશિયા પર લગાવ્યો આરોપ

અમેરિકાના અધિકારીઓનું માનવું છે કે, હાલની પરિસ્થિતિનો લાભ લેવા માટે રશિયાએ ઉતાવળમાં આ રસી વિકસાવી છે. કોરોના વાયરસને કારણે પુટિન પર ઘણાં લોકોનું દબાણ હતું. રસીની અસરકારકતા અંગે પુતિનને પૂછવાની કોઈની હિંમત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન