સર્જિકલ સ્ટ્રાઈકના મામલે ભારતના પક્ષે રશિયા, પાકિસ્તાનને લીધું આડે હાથ - Sandesh
  • Home
  • World
  • સર્જિકલ સ્ટ્રાઈકના મામલે ભારતના પક્ષે રશિયા, પાકિસ્તાનને લીધું આડે હાથ

સર્જિકલ સ્ટ્રાઈકના મામલે ભારતના પક્ષે રશિયા, પાકિસ્તાનને લીધું આડે હાથ

 | 8:32 pm IST

પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં સર્જિક્લ સ્ટ્રાઈક કરવાના ભારતના નિર્ણયનું રશિયાએ સ્વાગત કર્યું છે. ભારતમાં રશિયાના રાજદૂત અલેકઝાંડર એમ કદાકિને કહ્યું હતું કે રશિયા જ એકમાત્ર એવો દેશ છે જેણે ઉરી હુમલા પછી સાફ સાફ શબ્દોમાં કહ્યું હતું કે ઉરી હુમલાને અંજામ આપનારા આતંકવાદી પાકિસ્તાનથી આવ્યા હતા.

સોમવારે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં રાજદૂત અલેકઝાંડરે કહ્યું કે પાકિસ્તાન સીમા પાર આતંકવાદને રોકે. અમારો દેશ સીમા પારથી ફેલાવવામાં આવતા આતંકવાદની વિરુદ્ધ ભારતની લડાઈમાં હમેંશા સાથે રહ્યો છે. જ્યારે આતંકવાદી સૈન્ય સ્થળો અને શાંતિની સાથે રહેતા નાગરિકો પર હુમલો કરે છે તો તે માનવઅધિકારોનું સૌથી મોટું હનન હોય છે. અમે સર્જિક્લ સ્ટ્રાઈકનું સ્વાગત કરીએ છીએ. દરેક દેશને પોતાની રક્ષા કરવાનો અધિકાર છે.

તેમણે ભારતને આશ્વાસન આપતા કહ્યું કે રશિયા અને પાકિસ્તાનની વચ્ચે સંયુક્ત સૈનિક અભ્યાસથી ચિંતિત થવાની જરૂર નથી. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન સાથે જ અભ્યાસ યોજવામાં આવ્યો તેની થીમ જ આતંકવાદ વિરુદ્ધ હતી. એ ભારતના હિતમાં છે કે અમે પાકિસ્તાની સેનાને એ શીખવીએ કે તે ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલા માટે પોતાનો ઉપયોગ ન થવા દે. આ અભ્યાસ ગિલગિટ-બાલિસ્તાન કે પછી પાકિસ્તાનના કબ્જા હેઠળના ભારતીય રાજ્ય જમ્મૂ- કાશ્મીર જેવી સંવેદનશીલ કે સમસ્યાગ્રસ્ત સ્થળો પર કરવામાં આવ્યો નહોતો.

ઉલ્લેખનિય છે કે ઉરી હુમલા પછી 29 સપ્ટેમ્બરે ભારતીય સેનાએ પીઓકે પાર કરીને આતંકીઓના સ્થળો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક આતંકવાદી માર્યા ગયા હોવાની ખબર આવી હતી. તે પછી પાકિસ્તાન બોખલાઈ ગયું હતું અને આંતરરાષ્ટ્રીય મંચો પર સહાનુભૂતિ શોધવા નિકળી પડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન