Sachin Dixit Bring Bopal Hospital For Reconstruction
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • હીના હત્યા કેસ: પ્રેમિકાના હત્યારા આરોપી સચિનને બોપલ લવાયો

હીના હત્યા કેસ: પ્રેમિકાના હત્યારા આરોપી સચિનને બોપલ લવાયો

 | 7:28 pm IST
  • Share

  • પેથાપુરમાંથી બાળક મળી આવવા મામલે તપાસનો ધમધમાટ
  • બાળકનો જન્મ થયો તે અમદાવાદની હોસ્પિટલ પહોંચી પોલીસ
  • અમદાવાદ બાદ વડોદરા ખાતે તપાસ માટે સચિનને લઈ જવાશે

ગુજરાતના પાટનગર ગાંધીનગર નજીક આવેલા પેથાપુર સ્થિત સ્વામિનારાયણ મંદિરની ગૌશાળાના ગેટ બહાર મળી આવેલા બાળક મામલે જેમ-જેમ તપાસ આગળ વધી રહી છે, તેમ-તેમ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. બાળકને તરછોડનારા બીજુ કોઈ નહીં, પરંતુ ખુદ તેનો જ પિતા નીકળ્યો છે. જે બાદ તપાસમાં સામે આવ્યું કે, બાળકના પિતા સચિન દીક્ષિતે મંદિર બહાર બાળકને તરછોડતા પહેલા વડોદરામાં તેની પ્રેમિકા હીના પેથાણીની ગળુ દબાવીને હત્યા કરીને તેનો મૃતદેહ સૂટકેસમાં પેક કર્યો હતો. આ મામલે તપાસ કરી રહેલા DySP એમ કે રાણાએ જણાવ્યું કે, આરોપી સચિન દીક્ષિતને અમદાવાદ રિ-કન્સ્ટ્રક્શન માટે લવાયો છે.

DySP એમકે રાણાના જણાવ્યા મુજબ, સચિન દ્વારા તરછોડવામાં આવેલા બાળકનો જન્મ અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી સંગીતા મેટરનિટી હોસ્પિટલમાં થયો હતો. આથી ગાંધીનગર LCBની ટીમે સંગીતા મેટરનિટી હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે. બાળકનો જન્મ બોપલ વિસ્તારમાં થયો હોવાથી અને તેને અહીં જ રખાતો હોવાથી આરોપી સચિનને પણ બોપલ લાવીને તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસની ટીમ આરોપી સચિન દીક્ષિતને લઈને મૃતક હીના પેથાણી ઉર્ફે મહેંદીના માસાના બોપલ ખાતે આવેલા વિશ્વકુંજ ફ્લેટમાં પહોંચી છે. જ્યાં મૃતક મહેંદીના માસા ઉપરાંત પાડોશીઓના નિવેદન લેવામાં આવશે.

જણાવી દઈએ કે, હાલ આરોપી સચિન દીક્ષિત 3 દિવસના રિમાન્ડ પર છે, ત્યારે અમદાવાદમાં તપાસ પૂરી થઈ ગયા બાદ તેને વધુ તપાસ અર્થે વડોદરામાં પણ લઈ જવાશે, જ્યાં તેણે પ્રેમિકા હીનાની ઠંડા કલેજે હત્યા કરી હતી.

શું છે સમગ્ર મામલો?
મૂળ ઉત્તર પ્રદેશનો સચિન દીક્ષિત ગાંધીનગરની એક કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર હતો. લગભગ 4 વર્ષ પહેલા તેણે પરિવારની મરજી મુજબ અનુરાધા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. જેના થકી તેને 3 વર્ષનો એક પુત્ર પણ છે.

2018માં એક શૉ રૂમમાં સચિનની મુલાકાત હીના પેથાણી ઉર્ફે મહેંદી નામની યુવતી સાથે થઈ હતી. બન્ને વચ્ચેની મિત્રતા આગળ જતાં પ્રેમમાં પરિણમી. થોડા દિવસો બાદ સચિનનું વડોદરા ટ્રાન્સફર થઈ ગયું. આથી અહીંના બોપાદ સ્થિત એક ફ્લેટ ભાડે લીધો, જ્યાં સચિન અને હીના લિવ-ઈનમાં રહેવા લાગ્યા.

8 ઑક્ટોબરે સચિન અને મહેંદી ઉગ્ર બોલાચાલી થઈ હતી. સચિન દશેરાના પર્વ નિમિત્તે પોતાના પરિવાર સાથે ઉત્તર પ્રદેશ જઈ રહ્યો હતો. જેના કારણે મહેંદી અને સચિન વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં આવેશમાં આવીને સચિને હીનાનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. જે બાદ બાળકને ગાંધીનગર નજીક તરછોડીને પત્ની સાથે મૉલમાં શૉપિંગ કરવા પહોંચી ગયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો