પવિત્ર સંપત્તિની પ્રાપ્તિ અને અપવિત્ર સંપત્તિનું નિવારણ આ બંનેની કામના કરો - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • પવિત્ર સંપત્તિની પ્રાપ્તિ અને અપવિત્ર સંપત્તિનું નિવારણ આ બંનેની કામના કરો

પવિત્ર સંપત્તિની પ્રાપ્તિ અને અપવિત્ર સંપત્તિનું નિવારણ આ બંનેની કામના કરો

 | 3:16 am IST

યોગિક વેલ્થઃ ગૌરવ મશરૂવાળા

મને પવિત્ર સંપત્તિ અને અપવિત્ર સંપત્તિ વિશે જાગૃત કરનાર આપણાં શાસ્ત્રોને દિલથી વંદન. જો શાસ્ત્રોનું આ લખાણ મારા વાંચવામાં ન આવ્યું હોત તો મને ક્યારેય ખબર ન પડત કે સંપત્તિમાં પણ શુદ્ધ અને અશુદ્ધ એવા બે સ્પષ્ટ પ્રકાર હોય છે.

મારી મા અને હવે મારી પત્ની બંનેએ હંમેશાં ઘરનોકર પાસે આગ્રહ રાખ્યો છે કે ફર્શને પોતું મારતી વખતે કાર્પેટ ઉઠાવી લેવી. આમાં જોકે કંઈ નવું નથી. બધા આમ જ કરે છે. કાર્પેટ ઉઠાવ્યા વગર થતી સાફસફાઈ ઉપરછલ્લી હોય છે.

નેચરોપથી અને આયુર્વેદિક પ્રકારની ઉપચાર પદ્ધતિમાં પહેલાં શરીરમાંથી દૂષિત તત્ત્વોને દૂર કર્યા પછી જ સારવાર શરૂ કરવામાં આવતી હોય છે. શરીરમાં જમા થયેલાં મલિન તત્ત્વો દૂર થયેલાં હશે તો જ દવા અસર કરે છે.

જૈન ધર્મમાં વર્ષમાં એક દિવસ સ્વજનો-પરિચિતોને ‘મિચ્છામી દુક્કડમ’ કહેવાનો રિવાજ છે. આનો સૂચિતાર્થ એ છે કે ગયા આખા વર્ષ દરમિયાન જાણ્યે-અજાણ્યે તમારી લાગણી દુભવી હોય તો મને ક્ષમા કરજો. આપણે અજાણપણે ઘણુંબધું ન કરવાનું કરી બેસતાં હોઈએ છીએ.

ઘરમાં અપવિત્ર પ્રવેશ આપણી જાણ બહાર થઈ ગયો હોય તે શક્ય છે.

મંજુને તીવ્ર ઈચ્છા હતી કે પોતાના નવા ખોલેલાં પ્રિન્ટિંગ પ્રેસ માટે એને એક ચોક્કસ કોર્પોરેટ ગૃહ તરફથી મોટો પ્રિન્ટિંગ ઓર્ડર મળે. આનાથી સારી કમાણી તો થાય જ, સાથેસાથે પોતાના કલાયન્ટ્સની સૂચિમાં આ મોટાં કોર્પોરેટ ગૃહનું નામ પણ ઉમેરાઈ જાય. એણે બહુ જ કિફાયતી દરે આ કામ કરી આપવાની ઓફર મૂકી. એને જો કે ખબર હતી કે એક જાણીતું પ્રિન્ટીંગ પ્રેસ પણ આ જ કામ મેળવવા માટે કોશિષ કરી રહ્યું છે.

મંજુની એક સહેલીનો પતિ આ કંપનીમાં સિનિયર પોસ્ટ પર કામ કરતો હતો. ઓર્ડર મૂકવાનો અધિકાર જે પર્ચેઝ ઓફિસર પાસે હતો તે સહેલીના પતિનો દોસ્ત હતો. મંજુએ એને વિંનતી કરી. તમારી કંપની ચોક્કસ પ્રકારનું માળખું ધરાવતી પ્રિન્ટીંગ પ્રેસમાં કામ કરાવવા માંગે છે. આ માળખાની જરૂરિયાતોમાં તમે એક-બે એવી વસ્તુઓ નખાવી દો જે મારી એકલીના પ્રિન્ટિંગ પ્રેસમાં જ હોય. જો આમ થઈ જાય તો મંજુની ઓફર દેખીતી રીતે જ સૌથી શ્રેષ્ઠ બની જાય. આમ તો પ્રિન્ટીંગનું કામ અત્યંત આધુનિક સ્તરનું ન હોવાથી મારીમચડીને નવી વિગતો ઉમેરવાની જરૂર જ નહોતી, પણ મંજુએ પોતાના સંપર્કનો ઉપયોગ કર્યો. ધંધામાં આવું બધું બહુ સામાન્ય છે એ વાત સાચી, પણ મજુના ઈરાદા બહુ સાફ નહોતા તે વાત પણ એટલી જ સાચી.

એક ડોકટર પાસે એક દર્દી સેકન્ડ ઓપિનિયન માટે આવ્યો. આગલા ડોકટરે પૂરતી ચકાસણી કરીને બિલકુલ યોગ્ય સારવાર સૂચવી હતી. સર્જરી કરાવવી જ પડે તેમ હતી. વળી, આગલો ડોકટર આ સર્જરીના મામલામાં ખાસ્સો અનુભવી હતો. ડોકટર મહેતા તાજેતરમાં એક નવી હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ તરીકે નિયુક્ત થયા હતા. આ હોસ્પિટલમાં તેઓ થોડાક દર્દીઓને દાખલ કરાવવા માંગતા હતા કે જેથી પોતાની ભલામણથી દર્દીઓ અહીં એડમિટ થયા છે તે વાતનો જશ લઈ શકાય.

તમામ રિપોર્ટ ધ્યાનથી જોઈને ડોકટર મહેતાએ દર્દીના સંબંધીઓને કહ્યું, ‘આમ તો આગલા ડોકટરે તમને જે ટ્રીટમેન્ટ સૂચવી છે તે બરાબર જ છે. તમે એ ડોકટર કહે તે પ્રમાણે આગળ વધી શકો છો’ આટલું કહીને પછી હળવેકથી ઉમેરી દીધું: ‘આ ડોકટર વિરુદ્ધ કોઈ દર્દીનું ખોટું ઓપરેશન કરી નાખવા બદલ શિસ્તભંગની જે કાર્યવાહી કરવામાં આવી હતી તે પૂરી થઈ ગઈ?’ વાસ્તવમાં આવું કશું જ બન્યું હતું, પણ ડોકટર મહેતાએ આવું બોલીને દર્દીનાં સગાંવહાલાંના મનમાં ડર પેદા કરી દીધો. થોડા જ કલાકોમાં ડોકટર મહેતાની ભલામણ પ્રમાણે દર્દીને પેલી નવી હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા.

પૈસા બનાવવા માટે ચાલબાજી કરવી, બીજાઓના હક પર તરાપ મારવો, સામેના માણસને ભરમાવવો, એના મનમાં ભય પેદા કરવો કે આવી કોઈપણ અનીતિ અપનાવવી યોગ્ય નથી. આવું નાણું પોતાની સાથે ભય, અદેખાઈ, અસલામતી અને લોભ જેવી લાગણીઓ લેતું આવે છે, જેનો પ્રભાવ ઘરના સભ્યો પર પડયા વગર રહેતો નથી.

ભગવાનને પ્રાર્થના કરો કે આપણાં સંતાનોના પેટમાં જતો એકએક કોળિયો, દેહ ઢાંકવા માટે આપણાં ઘરની સ્ત્રીઓએ પહેરેલું એકેએક કપડું કે બીમાર વડીલની સારવાર માટે આપવામાં આવતી દવાની એકેએક ટેબ્લેટ પવિત્ર કમાણીમાંથી જ આવ્યાં હોય.