સાધુચરિત સવાઈ ગુજરાતી 'ભારત રત્ન' ગુલઝારીલાલ નંદા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • સાધુચરિત સવાઈ ગુજરાતી ‘ભારત રત્ન’ ગુલઝારીલાલ નંદા

સાધુચરિત સવાઈ ગુજરાતી ‘ભારત રત્ન’ ગુલઝારીલાલ નંદા

 | 1:37 am IST
  • Share

ઘટના અને ઘટન  :-  મણિલાલ એમ. પટેલ

ગુજરાતને જુદાં જુદાં ક્ષેત્રોમાં ગૌરવ, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ બક્ષી હોય તેવા અનેક સવાઈ ગુજરાતી વ્યક્તિત્વોનું ગુજરાત સદાય ઋણી રહેશે. કાકાસાહેબ કાલેલકર, દાદાસાહેબ માવલંકર, ડો. કુરિયન અને ફાધર વાલેસને આવા સવાઈ ગુજરાતીઓ ગણાવી શકાય. ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવીને જીવનના અંત સુધી ગુજરાતી બની રહેનાર પીઢ સ્વાતંત્ર્ય સેનાની ગુલઝારીલાલ નંદાએ પણ ગુજરાતને ગૌરવ બક્ષ્યું છે. પ્રથમ ગુજરાતી વડા પ્રધાન કોણ તો લોકજીભે તો સામાન્ય જ્ઞાનના પ્રશ્ન તરીકે બહુ સ્વાભાવિક રીતે મોરારજી દેસાઈનું નામ આવે, પણ ૧૯૬૪માં જવાહરલાલ નહેરુ અને ૧૯૬૬માં લાલબહાદુર શાસ્ત્રીના અવસાન બાદ બે વખત કાર્યવાહક વડા પ્રધાનપદે સવાઈ ગુજરાતી ગુલઝારીલાલ નંદા રહ્યા હતા. ૧૮૯૮માં હાલના પાકિસ્તાન સ્થિત પંજાબમાં જન્મેલા નંદાજીનું કર્મક્ષેત્ર ૧૯૨૨થી જીવતપર્યંત ગુજરાત રહ્યું ને ૧૯૯૮માં નિરામય શતાયુ ભોગવીને ગુજરાતમાં જ તેમણે ચિર વિદાય લીધી.

૧૯૨૨માં એમ.એ.એલએલ.બી નંદાજી શ્રમિકોના જીવન અંગે સંશોધન માટે ગાંધીજીને મળવા ગયા ત્યારે ગાંધીજીએ પૂછયું કે, માત્ર સંશોધન જ કરવું છે કે મજૂરોની સેવા પણ કરવી છે. મુંબઈની કોલેજમાં અધ્યાપન કરતા નંદાજીએ ચોપાટીના બાંકડા પર રાતભર બેસીને મનોમંથન બાદ સેવા કરવાનો નિર્ણય કર્યો. ગાંધીજીએ તેમને શંકરલાલ બેંકર પાસે મોકલ્યા અને બેંકરે તેમને અમદાવાદમાં શ્રમજીવી સેવાનો યજ્ઞા આરંભનાર અનસૂયાબહેન સારાભાઈ પાસે મોકલ્યા. લાલા લજપતરાયે તે સમયે બેંકરને કહ્યું કે, નંદાજી પંજાબી હોવાથી તેમને પંજાબની સેવામાં મોકલો. ત્યારે બેંકરે કહ્યું કે, તેમણે સેવાનો નિર્ણય મુંબઈમાં લીધો હોવાથી તે મુંબઈ-ગુજરાતમાં રહેશે. ૧૯૨૨થી ૧૯૪૬ સુધી અવિરત અનસૂયાબહેનની સાથે રહીને અમદાવાદમાં સાઇકલ પર ફરીને મિલ કામદારોની સંસ્થા મજૂર મહાજનસંઘની સ્થાપના ને સંવર્ધનનું પાયાનું કામ કર્યું.

અમદાવાદના મજૂરો તેમને’લાલાજી’ના હુલામણા નામે ઓળખતા હતા. ૧૯૨૭માં અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનીને કામદાર વિસ્તારોમાં અનેક પાયાની સુવિધા ઊભી કરવાનું ભગીરથ કાર્ય કર્યું. ૧૯૩૦ના દારૂના પીઠા પર જાતે પિકેટિંગ કરવા ગયા ને અડ્ડાવાળાઓેના મારથી ફ્રેકચર થયું. ૧૯૩૨-૩૩માં આઝાદીની લડતમાં જેલમાં ગયા અને ૧૯૩૭માં મુંબઈ ધારાસભામાં ચૂંટાઈને શ્રમમંત્રી બન્યા. ને કામદારોની સ્થિતિ અંગે તપાસ પંચ રચ્યું. નવાઈની વાત તો એ છે કે અમદાવાદમાં રહ્યા ત્યાંથી તમામ હોદ્દાના પગારની આવક મજૂર મહાજનમાં જમા કરાવતા અને મહાજનમાંથી ટૂંકો પગાર મળતો તે જ પોતે લેતા હતા. ૧૯૪૬ પુનઃ મુંબઈ રાજ્યના શ્રમમંત્રી બન્યા ને મુંબઈ ઔદ્યોગિક સંવર્ધક ધારો, ગુમાસ્તાધારોને ભાડુઆતનો કાયદો જેવા પ્રગતિશીલ કાયદા બનાવ્યા.

૧૯૪૨થી ૪૫માં આઝાદીની લડતમાં જેલવાલ ભોગવ્યો. ૧૯૫૦માં જવાહરલાલે તેમને દિલ્હી બોલાવીને આયોજન પંચના ઉપાધ્યક્ષ બનાવ્યા ને દેશની પહેલી પંચવર્ષીય યોજના નંદાજીએ બનાવી. ગુજરાતમાંથી સંસદમાં ચૂંટાયાને ૧૯૫૧થી ૧૯૭૧ સુધી આયોજન, શ્રમ, ઊર્જા, સિંચાઈ, રોજગાર, ગૃહ અને રેલવે ખાતાના પ્રધાન તરીકે નહેરુ, શાસ્ત્રી ને ઇંદિરાજીના મંત્રીમંડળમાં રહ્યાં. નહેરુ ને શાસ્ત્રીજીના અવસાન બાદ બે વાર દેશના કાર્યવાહક વડા પ્રધાન બન્યા. શ્રમિકોને આજે મળતા મોટાભાગના શ્રમિક કાનૂનના ઘડતરમાં નંદાજીની પાયાની ભૂમિકા હતી.

૧૯૭૧માં સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિ બાદ લોકજાગ્રતિઓ, ઇન્ડિયન કલ્ચર સંસ્થા, માનવધર્મ મિશન, પીપલ્સ ફોરમ, સિટિઝન્સ કાઉન્સિલ, ભારત સેવકસમાજ, સાધુસમાજ, નેશનલ ફોરમ ફોર પીસ એન્ડ જસ્ટિસ જેવી સંસ્થાઓની સ્થાપના કરી. ૧૯૭૫ની કટોકટીનો તેમણે વિરોધ કર્યો. હરિયાણાના કુરુક્ષેત્રના વિકાસનું ભગીરથ કાર્ય જીવનસંધ્યાએ કર્યું. ૧૯૯૪માં પદ્મવિભૂષણ ને ૧૯૯૭માં ‘ભારત રત્ન’થી દેશે તેમને સન્માનિત કર્યા. એક રાજનેતા દેશના સાધુસમાજનો પ્રમુખ બન્યો.

રાજકારણમાં રહીને પણ સાધુ જેવું જીવન જીવી શકાય છે તેનું ઉત્તમ ઉદાહરણ નંદાજી હતા. તેમનું નિષ્કલંકને અત્યંત પ્રામાણિક પારદર્શક જીવન આજના નેતાઓે માટે પ્રેરણાદાયી છે. ગૃહમંત્રી તરીકે પ્રધાનોને અધિકારીએર્ની ભ્રષ્ટાચારી સાઠગાંઠ તોડવાની યોજના તેમણે બનાવી હતી પણ તે સમયે તેમના અમલ સામે વિરોધ થયો હતો. તેમની દંભ, આડંબરરહિત સાદગી ગાંધીજી, સરદાર, રાજેન્દ્રપ્રસાદ અને બાબુભાઈ જ. પટેલ જેવી જીવનમાં વણાયેલી હતી. નંદાજી કહેતા કે, ભ્રષ્ટાચાર હટાવવાનો શ્રેષ્ઠ ઉપાય માત્ર સાદગીભર્યું જીવન છે.

પૂર્વ પ્રધાનમંત્રી તરીકે કોઈ સગવડો તેમણે લીધી ન હતી. પોતાનું એક મકાન હતું તે પોતે જ બનાવેલા ભાડુઆતના કાયદાને કારણે ભાડુઆતને આપી દેવું પડયું ને કાયદાને માન આપીને કશા અફસોસ વિના આપી દીધું. દિલ્હીમાં એક કોલોનીમાં રહેતા હતા ત્યાં કોમી તોફાનોમાં આગ લાગી ત્યારે જ લોકોને ખબર પડી કે અહીં ભારતના વડા પ્રધાન ઉપર એક રૂમમાં રહે છે. મંત્રી તરીકે પગાર સિવાય કશું જ તેમણે લીધું ન હતું. સ્વાતંત્ર્ય સેનાનીનું પેન્શન પણ નહીં. અમદાવાદમાં પુત્રી સ્વ.ડો. પુષ્પાબહેન નાયકને ત્યાં હિંદુ કોલોનીમાં રહેવા આવ્યા ત્યારે કોઈને ખબર પણ નહોતી કે અહીં વડા પ્રધાન રહે છે. તેમના આવ્યા પછી રાષ્ટ્રીય નેતાઓની અવરજવર શરૂ થતાં લોકોને જાણ થઈ. ૧૯૯૦માં સ્વ. રાજીવ ગાંધીએ તેમને સરકારી સુવિધાની ઓફર કરી હતી જેનો તેમણે સવિનય ઇનકાર કર્યો હતો.

ઉત્તમ અંગ્રેજીની સાથે હિંદી, મરાઠી, ગુજરાતી, પંજાબી અને ઊર્દૂ ભાષાના તેઓ જાણકાર હતા. અમદાવાદમાં હતા ત્યારે ૧૯૨૪માં કામદારોની જાગ્રતિ માટે તેમણે મજૂર મહાજનનું મુખપત્ર ‘મજૂરસંદેશ’ અર્ધસાપ્તાહિક શરૂ કર્યુ હતું. નવાઈની વાત તો એ છે કે તેનું લખાણ પોતે તૈયાર કરતા ને ટ્રેડલ મશીન પર જાતે છાપતા પણ હતા. ૧૯૪૭માં દેશભરમાં ગાંધીવિચારની મજૂર પ્રવૃત્તિ માટે ઇન્ટુકની તેમણે સ્થાપના કરી હતી ને હિંદ મજદૂર સેવક સંઘ સ્થાપીને નેતાઓને તાલીમ આપવાનું શરૂ કર્યું.

રાજકારણમાં શુદ્ધિ માટે સાધુસમાજની સ્થાપના કરી હતી. અસત્યના પ્રયોગોના યુગમાં તેમનું જીવન સત્યના પ્રયોગો સમું હતું. પાંચેક દાયકા જેટલો લાંબો સમય સત્તાની સાવ નજીક છતાં સત્તાથી સાવ નિર્લેપ હતા ને સત્તાનો મેદ કે કાટ તેમને જરાયે ચડયો ન હતો. સત્તાની કાજળ કોટડીમાં સત્તાની સાહ્યબી વચ્ચે સ્વચ્છ ને સાદગીપૂર્ણ જીવન કેવી રીતે જીવી શકાય તેનું નંદાજીનું જીવન ઉત્તમ ઉદાહરણ છે. ગાંધીજીની પેઠે એમનું જીવન જ એમના સંદેશ સમું હતું. બે દાયકા કેન્દ્રીય મંત્રીમંડળમાં બે નંબરના સ્થાને રહ્યા છતાં કદી એક નંબરનું સ્થાન મેળવવા કોઈ કાવાદાવા કર્યા નહીં. ગાંધીજી નામના કલ્પવૃક્ષની છાયામાં જે કેટલાંક નિષ્કલંક માનવપુષ્પો ભારતીય બાગમાં ખીલ્યાં તેમાંનું એક પુષ્પ નંદાજી હતા. દેશના આયોજનનો કરોડોનો વહીવટી કરવા છતાં બેન્ક ખાતામાં નજીવું બેલેન્સ હોય એવા એક કાર્યકારી વડા પ્રધાન હતા.

પુત્રી સ્વ. ડો. પુષ્પાબહેન નાયક પણ કેવાં ! તે જમાનામાં ગાયનેક ડોક્ટર થયા પછી પિતા પાસે ખાનગી પ્રેક્ટિસની રજા માગવા ગયાં તો નંદાજીએ કહ્યું કે, મજૂરોની સેવા કરો. મજૂરો માટે અમદાવાદમાં કસ્તૂરબા પ્રસૂતિગૃહ નંદાજીએ શરૂ કર્યું ને તેમાં પુષ્પાબહેને આજીવન સેવા કરી. આજે રાજનેતાનાં કેટલાં સંતાન આવું દૃષ્ટાંત પૂરું પાડે !

૧૯૯૮માં તેમના અવસાન ટાણે તે સમયના ભાજપના મંત્રી ને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સદ્ગતને હૃદયાંજલિ આપતાં કહ્યું કે, ‘નંદાજી મૂલ્યનિષ્ઠ રાજનીતિના ધ્રુવ તારા સમાન હતા. રાજકીય જીવનની ચકાચોંધ વચ્ચે પણ નિર્મોહી, નિઃસ્પૃહ જીવન જીવીને જલકમલવત્ જીવન જીવ્યાનો આદર્શ તેમણે પૂરો પાડયો છે. નંદાજીએ ગુજરાતને પોતાનું ગણ્યું તે ગુજરાત માટે સવિશેષ ગૌરવની વાત છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન