સહિયર-૨ - Sandesh
NIFTY 10,986.90 -32.00  |  SENSEX 36,509.48 +-32.15  |  USD 68.6600 +0.14
1.6M
1M
1.7M
APPS

સહિયર-૨

 | 3:19 am IST

શમણાંની મોસમઃ દેવેન્દ્ર પટેલ

રસિલા અને શીતલ સાંજની વોક લઈને પાછા આવતાં રોમેન્ટિક મૂડમાં હતા, રસિલાએ શીતલને આનંદના સમાચાર આપ્યા હતા. તમે પિતા બનવાના છો. રસિલા અહીંની હોસ્પિલમાં ડોક્ટર હતી. તેના અને શીતલના લગ્નને આઠ-નવ મહિના માંડ થયા હતા. પરંતુ બંને ઘેર પહોંચ્યા તો રસિલાની બહેનપણી રાધા ઘરમાં બેઠી હતી અને રસિલાની રાહ જોતી હતી. રસિલાએ પૂછયું, રાધા તંુ તો કાલે આવવાની હતી ને!

પણ રાધા અવાક થઈને શીતલને તાકી રહી હતી અને તરત જ રસીલાએ એનો પરિચય કરાવતાં કહ્યું: ‘આ છે શીતલ…મારા પતિ…તારા લગ્નમાં હું ન આવી શકી, મારા લગ્નમાં…’

‘અનિલ…!’ રાધાએ શીતલ તરફ ઘસતાં બૂમ પાડીઃ ‘અનિલ! અનિલ!’

શીતલ ખચકાઈને દૂર હટી ગયો, રસીલા પણ મૂંઝાઈ જતાં સ્પષ્ટતા કરી રહીઃ ‘રાધા, આ શીતલ છે, શીતલ.’

રસિલા આભી બનીને જોઈ રહી. એની પરમ સખી એના પતિને જોઈને કહી રહી હતી કે એ એના પતિ અનિલ છે! તેણે રાધાને હચમચાવી અને કહ્યું, ‘રાધા….એ મારા પતિ છે. તને એકાએક થયું શું…?’

‘રસીલા…તેં આ શું કર્યું? મારી સાથે જ દગો?’ કહેતાં રાધાએ સોફા પર પડેલા પર્સમાંથી એક તસવીર ખેંચી કાઢતાં રસીલા સામે ફેંકી.

પગ પાસે પડેલી તસવીરને ઉઠાવતાં રસીલા તસવીર જોતાં જ સ્તબ્ધ બની ગઈ. રાધા સાથેની વ્યક્તિ તે શીતલ જ હતો…’

એકાએક માથું દબાવતાં શીતલ પ.ડું પડું થઈ રહ્યો. રાધાએ દોડીને એને પકડી લેતાં કહ્યું: ‘અનિલ! મને નથી ઓળખતો…હું તારી રાધા છું, રાધા-તારી પરણેતર…તને થયું છે શું?’

‘મને કંઈ જ ખબર પડતી નથી….તમને ક્યાંક જોયાં હોય એવું થોડું થોડું લાગે છે, પણ મને કંઈ જ યાદ આવતું નથી.’ આખરે શીતલે પોતાના હોઠ ઉઘાડયા.

રાધા ફરીથી અનિલની આંખોમાં જોતી યાદ અપાવી રહીઃ ‘યાદ કરો, બરાબર દસ માસ પહેલાં તમે ટૂર પર ગયા હતા….પછી પાછા જ ન આવ્યા….ક્યાં હતા તમે?’

‘પણ રાધા, એ મારા પતિ છે’ રસીલાથી હવે ન રહેવાયું.

‘આ મારો અનિલ છે, રસીલા…એની છાતી પર ત્રણ કાળા તલ છે. બીજો એક તલ એના જમણા પગના તળિયે છે…રાધાએ વિશ્વાસથી કહ્યું.’

અને રસીલા સ્તબ્ધ થઈ ગઈ. એને હવે વધુ નિશાનીઓની જરૂર નહોતી…હૈયા પરનો કાબૂ તે ગુમાવતી ગઈ. આંખે અંધારાં આવી ગયાં. ધીમેથી સોફો પકડી ન લીધો હોત તો તે પડી જ ગઈ હોત…રાધા દોડતી એની પાસે ગઈ.

‘….તો શું અનિલે શીતલ બની આપણા બેઉને દગો દીધો?’ રાધા પૂછી રહી.

‘ના’ રસીલાએ વિશ્વાસપૂર્વક ઉચ્ચાર્યું: ‘લગભગ દસેક માસ પહેલાં જ અકસ્માતે પહાડી પરથી ગબડી પડેલી એક ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી…એ સમયે તે બેભાન હતો…લગભગ ચાર દિવસ સુધી તે બેભાન રહ્યો…માથામાં ઘા થયો હતો…લોહી ખૂબ વહી ગયું હતું…હું એની ઈનચાર્જ ડોક્ટર હતી…એણે આંખો ખોલી. એની દયામણી આંખો પ્રત્યે મને લાગણી થઈ. મેં પૂછયું: ‘તમારું અહીં કોણ છે?’ એણે કહ્યું: ‘કોઈ નહીં. થોડા જ દિવસમાં સારું થતાં હોસ્પિટલમાંથી એમને રજા અપાઈ, પણ આરામની જરૂર હતી…મેં પૂછયું: ‘કયાં જશો?’ એણે કહ્યું: ‘કંઈ ખબર નથી, કંઈ યાદ નથી.’ હું એમને મારા કોટેજમાં લાવી…ત્યારથી એ અહીં છે. પહેલાં દર્દી, પછી હમદર્દ અને છેવટે પતિ બની ચૂકેલ એ શીતલ તારા અનિલ પણ છે. કુદરત આપણી બેઉની સાથે રમત રમી છે. એમાં એમનો વાંક નથી. એમને તો એમનું નામ પણ યાદ નહોતું. ‘શીતલ’ નામ પણ મેં આપેલું છે.’

રાધા સાંભળી જ રહી, રસીલાએ આગળ ચલાવ્યું: ‘અકસ્માતને કારણે મગજના જ્ઞાાનતંતુઓને અસર થતાં કેટલીકવાર વ્યક્તિ પાછલું ભૂલી પણ જાય છે… આ કેસમાં પણ એવું જ કંઈક બન્યું છે. રાધા, મારા કે એમના દિલમાં દગો હોત તો અમે તને અહીં બોલાવત જ શું કામ?’

રસીલા તબીબ હતી તેથી મહામુશ્કેલીથી પણ હૈયું કાબૂમાં રાખવા મથતી હતી, પરંતુ રાધા તો પહેલેથી જ દુઃખિયારી સ્ત્રી હતી. સોફા પર માથું પટકતાં પોતાના ભાગ્યને તે રોઈ રહી.

અને શીતલ ઉર્ફે અનિલ…

અનિલનું મગજ ચકરાવે ચડયું, દુનિયા આખી એને ફરતી જણાઈ. ઘુઘવાતા સાગરના ધ્વનિથી જાણે કે એના કાન બહેરા થતા ચાલ્યા. બારણાંમાંથી ઘૂસી જતો ઠંડો સુસવાટાભર્યો પવન પણ એને ઊનો લ્હાય જેવો લાગ્યો. કપાળે પરસેવો વછૂટયો. કોઈ અગમ્ય બીકથી દોરાતાં પાછા પગે જાણે કે ઊંચી ટેકરી પર પાછળ જોયા વિના જ ચડતો ગયો અને વીજળીના એક ઝબકારે એ અંજાયો. જાણે કે ટેકરી પરથી ગબડી પડયો. માથાના ચૂરેચૂરા થઈ ગયા. અહીંતહીં વેરાયેલા મગજના પ્રત્યેક ટુકડાઓમાં જુદી જુદી વાતોનું સ્મરણ હતું. એ બધું જ એને યાદ આવવા માંડયું…

રાધા, મારી રાધિકા, મારી આર્ષદ્રષ્ટા. પ્રથમ દ્રષ્ટિએ જ જેના પ્રેમમાં હું પડેલો તે રાધા. એકવાર મુંબઈથી હું ટ્રેન દ્વારા અમદાવાદ આવી રહ્યો હતો. મુંબઈ સેન્ટ્રલ પર ભારે ભીડ હતી. ડબ્બામાં ઘેટાંની જેમ ઉતારુઓ ખડકાયે જતાં હતાં. મને બારી પાસે જ જગા મળી ગઈ હતી. અંદર બેઠેલા બહાર ન નીકળી શકે અને બહારથી કોઈ અંદર ન પ્રવેશી શકે એવી પરિસ્થિતિ સર્જાઈ હતી….ટ્રેન ઊપડવાની તૈયારી હતી. પ્લેટફોર્મ પર જાણે કે કીડિયારું ઊભરાયું હતું….એ સૌમાં માર્ગ કરતી બહાવરી જણાતી એક યુવતી-અલબત્ત છોકરી, પ્રત્યેક બારણાંને ઝાંખતી અંદર આવવા ફાંફાં મારી રહી હતી. બારણાંમાંથી અંદર પ્રવેશવા દેવા કોઈએ દાદ દીધી નહીં. તે ખોટું બોલીઃ ‘મારા એક સંબંધી અંદર છે’ તો કોઈકે નફટાઈથી જવાબ આપ્યોઃ ‘તો હમ ક્યા કરે?’ મારાથી ન રહેવાયું, મેં બૂમ મારીઃ ‘રાધા! હું અહીં છું.’ એનું નામ હું જાણતો નહોતો અને ઘડીભર તે આૃર્યચક્તિ થઈ બારીમાંથી મને જોઈ રહી. સહેજ પણ સમય ગુમાવ્યા વિના હું બોલી ઊઠયોઃ ‘રાધા! આવી જા….તારા માટે જગા રાખી છે’ અને મારી વાત સમજી ગઈ હોય એમ અજાણપણું ખંખેરી નાંખતાં હસીને તે બોલીઃ ‘હા…હા….હું કયારનીયે તમને શોધતી હતી. પણ આવું ક્યાં થઈને….?’

સંકોચ ખંખેરી નાંખતાં મેં એને અંદર ખેંચી લીધી. અન્ય ઉતારુઓ ગુસ્સામાં હતા, પણ આ રમૂજમાં તેઓ ગુસ્સો વ્યક્ત કરી શક્યા નહીં. રાધાને મેં મારી સીટ પર બેસાડી દીધી અને હું ઊભો રહ્યો. એણે વારંવાર આગ્રહ કર્યોઃ ‘આવો ને! બેસી જાવ ને…આપણે બંને બેસીશું…’ પણ હું બેઠો નહીં. છેક સુરત સુધી અમે મૌન રહ્યાં. કોઈ કોઈને ઓળખતું નહોતું. વાત પણ શું કરે? કેટલાકને થોડીક નવાઈ પણ લાગી…ટ્રેન આગળ વધતી રહી…લોકો ઊંઘે ભરાયા. ઝોકાં ખાતાં સહુ ઊંઘી ગયા અને ધીરેથી એણે પૂછયું: ‘એય! બેસવું છે?’ મેં કહ્યું: ‘ના…’ હું વિચારી રહ્યોઃ મારા સ્વભાવની વિરુદ્ધ જઈને મેં આ છોકરી સાથે આટલી બધી વાત જ કઈ રીતે કરી? પણ મને કંઈ સમજાયું નહીં. ‘મારું નામ રાધા નહીં…’ એ બોલવા જતી હતી પણ મેં નાક પર આંગળી મૂકી એને ચૂપ રહેવા કહ્યું. એણે હસીને મારી વાત સ્વીકારી. આંખો બંધ કરી એની પાસે બેસવા ગુપચુપ આજીજી કરી…એ આજીજીમાં સંવેદના હતી-લાગણી હતી…એ લાગણી મેં ઝીલી-એમાંથી પ્રકટયો પ્રેમ અને એ પ્રેમમાંથી આવેલું પરિણામ તે મારું અને રાધાનું લગ્ન…

પરંતુ મારી સાથેના લગ્ન રાધાને જેટલું સુખ આપશે એથી વધારે દુઃખ આપનાર બની જશે એની તો અમારા બંનેમાંથી કોઈનેય ક્યાં ખબર હતી. વિધાતાએ કેવા ખેલ લખ્યા છે એની આપણને ખબર પડી જાય તો કદાચ જીવનના મંચ પર દરેક પાત્ર પોતાના સંવાદો અને ભૂમિકામાં ઈમ્પ્રોવાઈઝેશન કરવા લાગે. મને કે રાધાને અમારા ભાવિ અંગે કશી ખબર નહોતી. અમે સુંદર ભાવિના સોહામણા સપનાં જોતાં આનંદમાં જ હતા. અને આજે સંજોગોએ કેવી સ્થિતિમાં લાવી દીધા છે?

(ક્રમશઃ)

www.devendrapatel.in