સાહેબગીરી તો કોઈપણ કામમાં સહન કરવી જ પડશે! - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • સાહેબગીરી તો કોઈપણ કામમાં સહન કરવી જ પડશે!

સાહેબગીરી તો કોઈપણ કામમાં સહન કરવી જ પડશે!

 | 12:14 am IST

મંથનમંચ :-  કે. વિભાવરી

કારકૂન વિરલે પૂરબને પટાવાળાની હસિયતનો ખ્યાલ આપ્યા પછી સલાહ પણ આપી દીધી, સાહેબની નાનામાં નાની જરૂરિયાત સમજી લે અને એ પ્રમાણે એમના કહ્યા પહેલાં બધું વ્યવસ્થિત હાજર કરતો થઈ જા તો એમના ધ્યાનમાં આવીશ. બીજું, એમને એક-બે કેસ લાવી આપીશ તો ઝડપથી ધ્યાનમાં આવીશ અને પ્રમોશન પણ થઈ જશે.

પૂરબ ખરેખર ડઘાઈ ગયો હતો. ભણતો હતો ત્યાં સુધી જે સોનેરી સપનાં જોયા હતા એ બધા ચકનાચૂર થઈ ગયા. કદી કલ્પના પણ હોતી આવી કે રીયલ લાઈફ આટલી બધી કાંટાળી અને ક્રૂર હશે.

હવે શું કરવું? અહીં પટાવાળા જેવી નોકરી ચાલુ રાખવી કે પછી કોઈ બીજા સારા વકીલના સહાયક બનવું? મનોમંથનના અંતે એણે નક્કી કર્યું કે હમણાં એકાદ મહિનો તો નોકરી કરવી જ! દરમિયાન બીજા વકીલોની ઓફિસમાં શી રીતે કામ થાય છે એની માહિતી મેળવવી અને પછી જો કોઈ યોગ્ય ઓફિસ ધ્યાનમાં આવે તો ત્યાં જતા રહેવું! બસ! એજ ઠીક રહેશે.

મન સાથે સમાધાન કરીને પૂરબે નોકરી ચાલુ તો રાખી, પરંતુ અંદરથી એનું મન વિદ્રોહ કરતું રહેતું હતું. આટઆટલું ભણીને આ કામ કરવાનું? નોકરી કરીને ઘેર આવ્યા પછી એ ખુબ થાકી ગયો હોય એમ પડયો રહેતો. કશામાં મઝા ન આવતી ન હોય એમ વાત ઓછી કરતો. રાત્રે શયનખંડમાં પણ નિશાને સમજાવા લાગ્યું કે પૂરબ ક્યાંક ખોવાઈ ગયો છે.

પૂરબ શું મુશ્કેલી છે? મને કહી શકાય તો કહીશ? આખરે નિશાએ એક રાત્રે પૂરબને પૂછી લીધું.

પૂરબે જવાબ ટાળવા કહ્યું, ખાસ કશું નથી નિશુ, પણ કામમાં મઝા નથી આવતી!

કેમ? દીવાન સાહેબનો સ્વભાવ સારો નથી? નિશાએ તરત પૂછયું.

એ સાથે જ પૂરબના મનમાં વલોવાતો તોફાની ધૂંધવાટ સુનામી બનીને બહાર આવી ગયો. એણે આખી વાત નિશાને કહી અને આખરે પૂછયું, તૂ જ કહે નિશૂ, આવી નોકરી માટે આપણે આટલી મહેનતથી ભણ્યા?

નિશા વિચારમાં પડી ગઈ. પૂરબની વાત તો સાચી હતી. આવી નોકરીમાં તો એને પળેપળ અપમાન લાગ્યા કરે. એ પુરબનો સ્વભાવ જાણતી હતી. સાહેબનો મિજાજ બાદશાહી હતો. એની સામે જોતી વખતે પોતે કોઈ વિચારોમાં ખોવાયેલી હોય તો પણ પુરબને લાગી આવતું હતું. તો આવું કામ તો એ શી રીતે સહન કરી શકે!?!

પૂરબ બીજી કોઈ ઓફિસમાં વાત કરી જોઈએ તો?

નિશુ મેં તપાસ કરી લીધી છે. આ રિવાજ બધા જ વકીલોની ઓફિસમાં છે. શરૂઆતમાં પટાવાળા જ બનવાનું! વર્ષો પછી સાહેબની મહેરબાની થાય તો આપણી પ્રગતિ થાય!!!

નિશાને પૂરા દિવસો જતા હતા. એ ધ્યાનમાં આવતાં પૂરબે કહ્યું, તૂ ચિંતા ન કરીશ નિશુ! કોઈ રસ્તો નીકળી આવશે.

સારું! પણ જો પૂરબ મને વચન આપ, તું મન મારીને કશું કાયમી ધોરણે નહીં કરે! તારો એ સ્વભાવ નથી. આપણે એવું કરવાની કોઈ જ જરૂર નથી. એવું હશે તો આપણે બંને ભેગા મળીને કશુંક વિચારીશું, કશુંક કરીશું.

પૂરબે નિશા સામે અદાથી માથું નમાવી કહ્યું, મહારાણી સાહેબા જે કહેશે એ મંજુર! બંને ખડખડાટ હસી પડયા.

જોકે બંનેના હાસ્ય પાછળ ચિંતા વણાઈ ગઈ હતી. પુરબની ચિંતા હતી, સમયસર કશુંક કરી બતાવવું પડશે, નહિતર નિશા સાથે મળીને કોઈ કામમાં જોડાવું પડશે. એ વાત કાયમ માટે મારા માથે ટીલી લાગી જશે. પૂરબનો પુરૂષ તરીકેનો અહમ્ નિશાની મદદ સ્વીકારવા તેયાર નહોતો.

નિશાની ચિંતા એ હતી કે પૂરબે કદી કોઈનો નાનકડો છણકોય સાંભળ્યો નથી તો એ ઓફિસમાં બીજાઓની સાહેબગીરી કદાચ નહીં સહન કરી શકે. પણ એવી સાહેબગીરી તો કોઈપણ કામમાં સહન કરવાની આવશે જ! પોતાની ઓફિસ કરી લેવાથીય સમસ્યા હલ નથી થઈ જવાની. અસીલો આવશે અને પૈસા આપશે તો કેસની દરેક મુદ્દતે વકીલને કશુંક તો સંભળાવશે જ! સિનિયર ધારાશાસ્ત્રીઓ કોર્ટમાં મહેણા મારી જશે. કોર્ટમાં ન્યાયધીશો પણ વખત આવ્યે જુનિયર વકીલોને સંભળાવી દેતા હોય છે. હે ભગવાન પુરબને સહન કરવાની શક્તિ આપજે! એણે મનોમન પ્રાર્થના કરી લીધી.

[email protected]