સતત 21 મહિનાની સાધના કરી બહાર આવ્યા સંત લાલદાસબાપુ, CM પણ પહોંચ્યા - Sandesh
  • Home
  • Gujarat
  • સતત 21 મહિનાની સાધના કરી બહાર આવ્યા સંત લાલદાસબાપુ, CM પણ પહોંચ્યા

સતત 21 મહિનાની સાધના કરી બહાર આવ્યા સંત લાલદાસબાપુ, CM પણ પહોંચ્યા

 | 8:50 pm IST

21 મહિનાની સતત ગાયત્રી સાધના અને એકાંતવાસ આજે પુરો થતા ગધેથડ ગાયત્રી આશ્રમના મહંત સંત લાલદાસબાપુ આજે એકાંતકુટિરમાંથી ભકત દોલુભગત સાથે બહાર આવતા જ ભાવિકોએ એમના પર પુષ્પવૃષ્ટિ કરી વધાવી લીધા હતા. આ તકે ખાસ હાજર રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ તેઓને સાધના કુટિરથી ખુલ્લી જીપમાં સભામંડપમાં લાવ્યા હતા. અહી આશરે 75 હજાર ભાવિકોનો માનવમહેરામણ ઉમટી પડયો હતો.

વેણુ નદીના કાંઠે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. છેલ્લા 21 માસથી સંત લાલબાપુ અને એમના નિકટવર્તી દોલુભગત એકાંતવાસમાં ગાયત્રી સાધના અને ભજન માટે ચાલ્યા ગયા હતા. એ દરમિયાન કોઈનો એમણે કોઈ રીતે સંપર્ક કર્યો ન હતો. આજે આ એકાંતવાસ પરિપૂર્ણ થતાં સાધના કુટિરમાંથી બહાર આવ્યા હતા. આજે બાપુ બહાર આવવાના છે એથી સૌરાષ્ટ્ર ગુજરાતભરમાંથી આશરે 75 હજાર અનુયાયીઓ ગધેથડ ખાતે એકત્ર થયા હતા અને એકાંતવાસ પછી પ્રથમ દર્શન કરવા માટે બધાને ભારે ઈન્તેજારી હતી. બરાબર સાડા ચાર વાગ્યે એકાંતવાસમાંથી બહાર આવતા જ બધાએ એમનો જયઘોષ કર્યો હતો. તેમજ બધાએ નતમસ્તકે દર્શન કર્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી, તેમના પત્ની અંજલી રૂપાણી કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા, માજી ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયાએ તેમને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરી આવકાર્યા હતા. એ પછી બધા દર્શન કરી શકે એ માટે ખુલ્લી જીપમાં તેઓને બિરાજમાન કરાવી સભા મંડપે લઈ ગયા હતા. ત્યાં ધર્મસભા યોજાઈ હતી.

પૂ.લાલબાપુએ તમામ ઉપસ્થિતોને આશીર્વચન પાઠવ્યા હતા. તેમજ તમામને સત્કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ એમના પ્રવચનમાં લાલબાપુને મોબાઈલ કે આડંબર વગરના સંત તરીકે ઓળખ આપી હતી. એ ઉપરાંત સમગ્ર રાજયમાં લીધેલા પગલા અને વ્યસનમૂકિત અંગેની વાત કરી હતી.