બનાસકાંઠામાં બંદૂકની અણીએ લૂંટમાં દૂધ ઉત્પાદકોનો પગાર લૂંટાયો - Sandesh
  • Home
  • Featured
  • બનાસકાંઠામાં બંદૂકની અણીએ લૂંટમાં દૂધ ઉત્પાદકોનો પગાર લૂંટાયો

બનાસકાંઠામાં બંદૂકની અણીએ લૂંટમાં દૂધ ઉત્પાદકોનો પગાર લૂંટાયો

 | 7:03 pm IST

બનાસકાંઠાના વડગામ તાલુકાના મોરીયા ગામ નજીક આજે વહેલી સવારે સનસનીખેજ લૂંટ થઇ હતી. જેમાં મોરિયા દૂધ મંડળીના મંત્રીને બંદૂકની અણીએ તાકમાં રાખી લૂંટી લેવાયો હતો. રૂ.18 લાખની લૂંટ કરીને લૂંટારાઓ ટોમીના ઘા મારીને ફરાર થઈ ગયા હતા. જેમાં દૂધ ઉત્પાદકોનો પગાર લૂંટાઈ ગયો હતો.

બનાસકાંઠાના વડગામ તાલુકાના મોરિયા ગામ ખાતે સશત્ર ધાડપાડુઓ ત્રાટક્યા હતા. તેમણે હવામાં 4 રાઉન્ડ ગોળીબાર કરીને બનનાસકાંઠા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી જગદીશ ભાઈ લોહના બાઈકને આંતરીને તેમની પાસેથી સનસનીખેજ લૂંટ ચલાવી હતી.  દૂધ ગ્રાહકોના પગારના પૈસા બેન્કમાંથી લઇને આવી રહેલા દૂધ મંડળીના મંત્રી જગદીશ ભાઈ લોહનું બાઈક ઉભું રખાવી પાછળથી સફેદ કલરની કારમાં આવેલા ચાર ઈસમોએ ચાર રાઉંડ હવામા ફાયરિંગ કર્યું હતું. આથી ડઘાઈ ગયેલા મંત્રી નાણાંની થેલી લઈને ભાગ્યા હતા, પણ લૂંટારુઓએ તેમનો પીછો કરી ટોમીનો ઘા મારી ઈજાઓ પહોંચાડી હતી. તે પછી લૂંટારુઓ નાણાંની થેલી લઇને ફરાર થઇ ગયા હતા.

આસનસનીખેજ લૂંટથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જિલ્લા પોલીસ વડા નિરજ બડગુજર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તે પછી તે વિસ્તારના સીસીટીવી મેળવીને ઘટનાનો તાગ કાઢવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીઓના સ્કેચ તૈયાર કરાવી, તેમને ઝડપી લેવા કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક લોકોની કેફિયતને આધારે આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે. જ્યારે આ લૂંટની તપાસમાં sp અને lcb ટીમો પણ જોડાઈ છે.

મોરિયા દૂધ મંડળીના ચેરમેન રઘુભાઈ ચૌધરીનું કહેવું છે કે ગામની દૂધ મંડળીના મંત્રી સાથે થયેલી અઢાર લાખ જેટલી માતબર રકમની લૂંટના નાણાં મધ્યમ વર્ગ અને ગરીબ ખેડૂતોના દૂધના પૈસા હતા જોકે દૂધના પગાર પર ગુજારો કરતા આ પરિવારોની ચિંતા વધી છે અને હવે લૂંટના નાણાં ઝડપથી રિકવર થાય તેવી સ્થાનિકો પોલીસ પાસેથી આશાવાદ સેવી રહ્યા છે.

મોરિયા ગામ નજીક થયેલી અઢાર લાખ જેટલી માતબર રકમની લૂંટને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકવામાં આવ્યો હતો. જોકે ફાયરિંગ સાથે થયેલી લૂંટને લઇને આજુબાજુના વિસ્તારમાં પણ એક ફફડાટ વ્યાપી ગયો હતો. જો કે વડગામ તાલુકામાં અગાઉ પણ પાંચ લાખ રૂપિયાની લૂંટ થઇ હતી. છનિયાના નજીક ફાયરિંગ સાથે લૂંટ થઈ હતી. જો કે વડગામ તાલુકામાં થયેલી લૂંટનો ભેદ હજુ પણ ઉકેલાયો નથી ત્યારે વધુંએક લૂંટને પગલે લોકોમાં ફફડાટ છે ત્યારે હવે આરોપીઓને ઝડપથી પકડી પાડવાની  માંગ ઉઠી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન