સલમાનને ન્યાય, નિર્ભયાને અન્યાય - કોણ જવાબદાર? - Sandesh
  • Home
  • Columnist
  • સલમાનને ન્યાય, નિર્ભયાને અન્યાય – કોણ જવાબદાર?

સલમાનને ન્યાય, નિર્ભયાને અન્યાય – કોણ જવાબદાર?

 | 2:25 am IST

ઘટના અને ઘટન : મણિલાલ એમ. પટેલ

તાજેતરમાં દેશમાં ન્યાયપાલિકાઓ દ્વારા આવેલા બે ચુકાદા પ્રત્યે દેશભરની પ્રજાનું ધ્યાન ખેંચાયું છે અને નવાઈ પણ લાગી છે. સલમાન ખાનને હિટ એન્ડ રન કેસમાં નીચલી અદાલતે ફરમાવેલી પાંચ વર્ષની સજાને ઉપલી અદાલતે રદ કરી છે. ૧૩ વર્ષ પહેલાં આ ઘટના ઘટી ત્યારે દેશભરમાં મોટો હોબાળો મચી ગયો હતો. પ્રચંડ લોકમત સલમાનની વિરુદ્ધમાં હતો. નીચલી અદાલતે ૫ વર્ષની સજા ફટકારી ત્યારે ન્યાયતંત્ર પર પ્રશંસાનાં પુષ્પોનો પાર ન હતો, હવે ઉપલી અદાલતે સજા રદ કરી ત્યારે ઘણાં સલમાનને ૧૩ વર્ષે ન્યાય મળ્યો તેવી લાગણી અનુભવે છે. સલમાન મોટી ફિલ્મીહસ્તી હોવાથી ફિલ્મજગત, યુવાનો અને રાજકીય પક્ષોમાં તેના પ્રત્યે લાગણી અને સહાનુભૂતિ ધરાવતો મોટો વર્ગ છે. સલમાનને ન્યાય મળ્યો પણ હિટ એન્ડ રનનો ભોગ બનેલાનું શું? તેમના ન્યાયનું શું? તે તો બિચારાં કહે છે કે, સલમાન ભલે છૂટી ગયો પણ અમને તો વળતર પણ નથી મળ્યું. ભોગ બનનાર તો ગરીબ લોકો છે તેમને સલમાનને સજા કરાવવા કરતાં પોતાની આજીવિકાની વધુ ચિંતા હોય તે સ્વાભાવિક છે. આમ ભોગ બનનારને ન્યાય મળ્યો નથી. કોઈ અદાલતે તેનાં વળતરનો વિચાર કર્યો નથી. બીજો પ્રશ્ન એ પણ થાય કે સલમાન છૂટી ગયો પણ બીજા કોઈએ પણ ગુનો તો કર્યો જ હશે ને? એને સજા થશે ખરી? કોઈએ ગુનો જ કર્યો ન હોય તો પછી હિટ એન્ડ રન કેસમાં મોત માટે જવાબદાર કોણ?

બીજી ત્રણેક વર્ષ પહેલાં દેશભરમાં ભારે રોષ, આક્રોશ અને ગુસ્સો પેદા કરનારી ઘટના નિર્ભયા બળાત્કાર અને હત્યાકેસની છે. આ કેસમાં પણ સગીર ગુનેગાર જેણે સૌથી વધુ ઘાતકી કૃત્ય અને ક્રૂર કાર્ય કર્યું હતું તે નિર્દોષ છૂટી ગયો. અદાલતને સગીરના અધિકારનો કાયદો ધ્યાનમાં લેવો પડયો, આમ બળાત્કારીને ન્યાય મળ્યો પણ ભોગ બનનારને તો અન્યાય થયો તેનું શું? ઘટના ઘટી ત્યારે રાજકીય પક્ષો અને નેતાઓ સૌએ એક અવાજે આક્રોશ ઠાલવ્યો હતો. બંને ઘટનાઓમાં ન્યાય-અન્યાય માટે કોણ જવાબદાર તે પ્રશ્ન ઊઠે છે. ન્યાય એ ન્યાય છે પણ તેને જાણે સાપેક્ષ ખ્યાલ બનાવી દેવાયો છે. બંને કિસ્સામાં કોઈને અન્યાય થયો હોય તો સૌથી વધુ અન્યાય ન્યાયતંત્રને થયો છે. તેની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા કરાઈ રહ્યા છે. વાસ્તવમાં બંને કિસ્સામાં જવાબદાર કોણ છે તેનું સ્વસ્થ ચિંતન થાય તે અત્યંત આવશ્યક છે. બંને કિસ્સામાં ન્યાયતંત્રની લાચારી અને મજબૂરી તથા સરકારની બેદરકારી અને બેજવાબદારી છતી થાય છે. કાયદો જ ન હોય તો ન્યાયતંત્ર ન્યાય કેવી રીતે તોળવાનું છે?

ન્યાયપાલિકાને તો પોલીસતપાસ અને કાયદાપોથીના આધારે જ ન્યાય તોળવાનો હોય છે. આ બંનેમાં કંઈ પણ ખામી હોય તો આરોપી સરળતાથી છૂટી-છટકી જઈ શકે છે. પોલીસતપાસ અંગે તો કશું કહેવા જેવું જ નથી. અહીં તો શક્ય તેટલી આરોપીઓને બચાવવાની કોશિશો, પ્રયાસો અને તરકીબો થાય છે, જેથી ન્યાયતંત્ર પાસેથી તે છટકી જાય. અનેક ચુકાદાઓમાં પોલીસતંત્રને તપાસની તેણે અપનાવેલી પદ્ધતિ અંગે અદાલતોની આકરી ટીકાનો ભોગ બનવું પડયું છે. એમાંયે જેમ આરોપી મોટો, જાણીતો, વગદાર અને રાજનેતા હોય તો તેટલી તપાસની પદ્ધતિ સામે શંકાની સોય વધુ મજબૂત બને છે. કેમ, તપાસ કરનાર તંત્ર કે એજન્સી સરકારી રમકડું હોય છે. સલમાનની સજા રદ થવાના કેસમાં પણ વડી અદાલતે તપાસપદ્ધતિ સામે સવાલો ઉઠાવ્યા છે અને શંકાનો લાભ આરોપીને ભરપૂર મળ્યો છે. જેની પાસે વગ ને સત્તા બંને હોય તે તપાસપદ્ધતિમાં ઇચ્છિત ફેરફારો કરાવવામાં સફળ પણ થતા હોય છે. અહીં જો તપાસપદ્ધતિ યોગ્ય ન હોય તો તપાસ કરનાર તંત્ર કે એજન્સી દોષિત ન ગણાય? શું સરકારી પક્ષ પણ નબળો હતો? યોગ્ય કે સાચી તપાસ ન કરનાર તંત્રને કેમ કોઈ સજા નહીં? જો આવી ખામીભરી તપાસ ગુનેગારોને બચાવવા થશે તો ગુનેગારો શંકાનો લાભ મેળવીને છટકી-છૂટી જશે અને ન્યાયતંત્ર પરની પ્રજાકીય શ્રદ્ધા અને વિશ્વાસને વિપરીત અસર થશે. આ કેસમાં મહારાષ્ટ્ર સરકાર અપીલ કરશે ખરી? કચ્છમાં મળેલી ડીજીપી પરિષદમાં પોલીસતપાસના ગંભીર મુદ્દે ચર્ચા અને ઉકેલની વધુ આવશ્યકતા હતી.

બીજો ચુકાદો નિર્ભયાકાંડનો આવ્યો. સગીરના કાયદાની ખામીને કારણે એક ક્રૂર અને ઘાતકી ગુનેગાર છૂટી ગયો. આ કાયદો અદાલતોએ સુધારવાનો ન હતો. સુધારવાની ફરજ સરકારની હતી. ઘટના પછી દોઢ-દોઢ વર્ષ બંને મુખ્ય રાજકીય પક્ષોનું શાસન રહેવા છતાં કોઈ સરકારે સુધારવાની તસદી લીધી નહીં. આમેય આપણે ત્યાં સંસદ લોકો માટે થોડી છે, એ તો જાણે રાજકીય પક્ષો અને નેતાઓના લાભાર્થે ચાલે છે. ત્રણેક વર્ષ પૂર્વે ઘટના ઘટી ત્યારે ફોજદારી કાયદામાં સુધારા થયા પણ સગીરના કાયદામાં પરિવર્તન ન થયું. બધાને ખબર હતી કે સગીર છૂટી જશે, કેમ કે કાયદાની છટકબારી હતી. અંતે તેમ જ થયું. અહીં પણ ન્યાયતંત્રને કાયદાની ખામીનો ભોગ બનવું પડયું. કાયદા આગળ ન્યાયતંત્ર પણ લાચાર બન્યું. જેને માટે ખરેખર સંસદ અને સમયાંતરે આવેલા સત્તા અને વિપક્ષ બંને જવાબદાર છે.

આમ એક કેસમાં તપાસની ખામીયુક્ત પદ્ધતિ તો બીજામાં કાયદાની ખામીએ ન્યાયતંત્રને સાચો ન્યાય કરતાં રોકવું તેનાથી વધુ કમનસીબી બીજી શું હોઈ શકે? ૩ વર્ષ સુધી કાયદો ન બદલી શકનાર સમયાંતરે બદલાયેલ સત્તા અને વિપક્ષ આ ઘટનામાં સૌથી વધુ જવાબદાર છે અને દેશના સૌથી મોટા ગુનેગાર છે. આપણે ત્યાં ભોગ બનનાર કરતાં ગુનેગારોના હકોનાં રક્ષણની વધુ પડતી ચિંતા અને કાળજી લેવાય છે તે સ્થિતિ સુધારવાની જરૂર છે. આવું નહીં થાય તો સગીરોના ગુનામાં દેશમાં ૧૫૮ ટકાનો વધારો થયો છે તે હજુ પણ વધશે. દેશમાં સગીરોના ગુના છેલ્લા દાયકામાં ૨,૧૪૪ થયા છે અને રાજધાની દિલ્હીમાં ૬૪૪ થયા છે, જેમાં બળાત્કારના ૧૪૦ છે. આમ સગીર ગુનેગારોનું પ્રમાણ વધી રહ્યું છે તે પણ સામાજિક ચિંતાનો મોટો વિષય છે. ગંભીર ગુનામાં સગીરને પણ સજા તેની સગીર વય પતે પછી થવી જ જોઈએ, વળી હવે સંદેશાવ્યવહાર, નેટ અને સોશિયલ મીડિયાનો જે રીતે પ્રભાવ યુવા અને કિશોરવર્ગ પર વધ્યો છે તે ખાળવો પણ મુશ્કેલ છે, ત્યારે સગીરની વયમર્યાદા પણ ૧૮ને બદલે ૧૬ કરવાની તાકીદે જરૂર છે. જો સત્વરે સગીરનો કાયદો નહીં સુધરે તો ન્યાય હારશે અને બળાત્કારી જીતશે.

સગીરોમાં ગુનાનું પ્રમાણ માત્ર સજાનો દંડો નહીં ઘટાડી શકે. સૌથી પહેલી ફરજ મા-બાપ ને પરિવારની છે. પછી શાળા અને શિક્ષકોની છે. સંતાનો શું કરે છે, શું જુએ છે તેના પ્રત્યે પણ પરિવારનું ધ્યાન હોવું જોઈએ. શિક્ષણમાં પણ ગંભીર ગુના માટે કેવી સજા થઈ શકે તેનું માત્ર કાયદાના જ નહીં પણ અન્ય શાળા-કોલેજોના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને જ્ઞાન આપવું જોઈએ, જેથી વિદ્યાર્થીકાળમાં જ તેને સગીરનો ગુનો અને તેની સજાનું ભાન થાય. આ માત્ર ન્યાયતંત્ર નહીં પણ સમગ્ર સમાજની ચિંતાનો વિષય છે. રાજકીય પક્ષો અને નેતાઓ પાસે કશી અપેક્ષા રાખવી અસ્થાને છે, કેમ કે ગુનેગારોને બચાવવામાં મોટેભાગે તેમની નોંધપાત્ર ભૂમિકા હોય છે. પ્રજા પણ સાવધ નહીં રહે તો સમયાંતરે-વ્યક્ત થતો તેનો આક્રોશ વાંઝિયો પુરવાર થશે, હવે કાયદા સુધરશે તે તો મર્યા પછી લો બાપા ખીચડી જેવું થશે.