Samjhauta blast verdict: Pakistan summons Indian High Commissioner
  • Home
  • Featured
  • સમજૌતા બ્લાસ્ટ કેસમાં તમામ આરોપીઓ મુક્ત થતા પાકિસ્તાન રાતુપીળું, ભારતે રોકડું પરખાવ્યું

સમજૌતા બ્લાસ્ટ કેસમાં તમામ આરોપીઓ મુક્ત થતા પાકિસ્તાન રાતુપીળું, ભારતે રોકડું પરખાવ્યું

 | 11:06 pm IST

સમજૌતા એક્સપ્રેસ ટ્રેન વિસ્ફોટમાં અસીમાનંદ સહિતના ચારેય આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડતા પાકિસ્તાન સમસમી ગયું છે. આ મામલે પાકિસ્તાને ભારતીય ઉચ્ચાયોગને સમંસ પાઠવ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાને ભારતીય રાજદુતને સમંસ પાઠવ્યા છે અને સમજૌતા એક્સપ્રેસમાં વિસ્ફોટના આતંકી મામલી તમામ ચારેય આરોપીઓને છોડી મુકવાની આકરી નિંદા કરતા વિરોધ નોંધાવ્યો છે. ભારતે પણ વળતો જવાબ આપ્યો છે.

પાકિસ્તાન ઉપરાંત ભારતમાંથી પણ આ મામલે સવાલ ઉઠ્યા છે. પીડીપી અધ્યક્ષા અને જમ્મૂ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તિએ અસીમાનંદ સહિતના 4 આરોપીઓને છોડી મુકવાની નિંદા કરી છે અને પ્રશ્નો કર્યા છે.

પાકિસ્તાનના વિરોધનો ભારતે પણ જવાબ આપ્યો હતો. ભારતે કહ્યું હતું કે, અમારી ન્યાયિક પ્રક્રિતા એકદમ પારદર્શી છે. તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાનમાં રાખીને કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. ભારતે એમ પણ કહ્યું હતું કે, આ મામલે પાકિસ્તાન જ મદદ કરવા તૈયાર નહોતું.

2007માં આ વિસ્ફોટમાં 68 લોકોના મોત નિપજ્યાં હતાં, જેમાં મોટાભાગના પાકિસ્તાની હતા. ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી આ ટ્રેનમાં 18 ફેબ્રુઆરી 2007માં હરિયાણાના પાનીપતની નજીક વિસ્ફોટ થયો હતો.

પાકિસ્તાન માટે મહત્વનો હતો આ નિર્ણય

ભારત-પાકિસ્તાન વચ્ચે સપ્તાહના બે દિવસ ચાલતી સમજૌતા એક્સપ્રેસમાં 18 ફેબ્રુઆરી 2007ના રોજ હરિયાણાના સોનીપતમાં દિલ્હીથી લાહોર જઈ રહી હતી ત્યારે વિસ્ફોટ થયો હતો. ચાંદની બાગ પોલીસ સ્ટેશનના સિવાહ ગામના દિવાના સ્ટેશન નજીક આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં 68 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં, જ્યારે એક ઈજાગ્રસ્તનું દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. 68માંથી 23 મૃતદેહોની ઓળખ થઈ શકી નહોતી. તમામ મૃતદેહોને પાનીપતના મહરાના ગામ ખાતે આવેલા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતાં.

આ 68 મૃતકોમાં 16 બાળકો શામેલ હતાં. કુલ મૃતાંકમાં પાકિસ્તાનના 43 નાગરિકો પણ શામેલ હતાં. જેને લઈને પાકિસ્તાનની નજર આ કેસ પર હતી. આ કેસ પાકિસ્તાન માટે મહત્વપૂર્ણ પણ હતો.

અસીમાનંદને છોડી મુકવા પર બોલી મેહબુબા – બેવડા માપદંડો કેમ?

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ની અધ્યક્ષા મહેબુબા મુફ્તિએ એક અદાલત દ્વારા સમજૌતા ટ્રેન ધમાકા મામલે તમામ આરોપીઓને મુક્ત કરવાના આધારો પર જ સવાલ ઉઠાવ્યા હતાં. જમ્મૂ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મેહબુબા મુફ્તિએ જણાવ્યું હતું કે, મહત્વપૂર્ણ પુરાવાઓ હોવા છતાંયે આરએસએસના એક પૂર્વ સભ્ય સહિત આરોપીઓને મુક્ત કરી દેવામાં આવ્યા. ભગવાન ના કરે, પણ જો તે કાશ્મીરી કે મુસ્લીમ હોત તો તેમને દોષિત ઠેરવવામાં આવત અને નિષ્પક્ષ સુનાવણી વગર જ જેલમાં ધકેલી દેવાત. ભગવા આતંકવાદને લઈને આ પ્રકારની નરમાશ અને બેવડા માપદંડ કેમ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન