રેતીની તંગી હોય એટલે બિલ્ડર ફલેટનું પઝેશન મોડું આપે તે ન ચાલેઃ રાષ્ટ્રીય ગ્રાહક પંચનો ચુકાદો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • રેતીની તંગી હોય એટલે બિલ્ડર ફલેટનું પઝેશન મોડું આપે તે ન ચાલેઃ રાષ્ટ્રીય ગ્રાહક પંચનો ચુકાદો

રેતીની તંગી હોય એટલે બિલ્ડર ફલેટનું પઝેશન મોડું આપે તે ન ચાલેઃ રાષ્ટ્રીય ગ્રાહક પંચનો ચુકાદો

 | 12:17 am IST

મુંબઇ, તા. ૮

બિલ્ડરો વિવિધ બહાના કાઢી ફલેટનું પઝેશન આપવામાં વિલંબ કરે છે, પણ રેતીની તંગી હોય તો બિલ્ડર ફલેટનું પઝેશન આપવામાં મોડું કરે તો ચાલે. રાષ્ટ્રીય ગ્રાહક પંચે આ મામલે ચુકાદો આપી જણાવ્યું હતું કે આમ ન ચાલે અને બિલ્ડરને વિલંબના સમયગાળા માટે વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

વ્રજેન્દ્ર જગજીવન દાસ ઠક્કરે બોરીવલીમાં સીસીઆઇ પ્રોજેક્ટસ પ્રા.લિ.ના વ્હાઇટ સ્પ્રિંગ નામના પ્રોજેક્ટમાં ૩૦ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ એગ્રીમેન્ટ કરી ૯૦.૩૯ લાખ રૂપિયામાં ફલેટ બુક કરાવ્યો હતો. ફલેટનું પઝેશન ઓગસ્ટ ૨૦૧૪માં આપવાનું નક્કી થયું હતું પણ અમુક કારણોસર તે લંબાઇ ગયું હતું.

ફલેટની કિંમતની ૯૫ ટકા રકમ એટલે કે ૮૫.૮૭ લાખ રૂપિયા ચુકવાઇ ગયા હોવા છતાં પઝેશન ન મળતાં ઠક્કરે ૨૦૧૬માં નેશનલ કમિશન સમક્ષ ફરિયાદ કરી હતી કે તેમને ફલેટનું પઝેશન અને વિલંબ બદલ વળતર ચૂકવવામાં આવે અથવા ફલેટનો વર્તમાન બજાર ભાવ બે કરોડ રૂપિયા ચૂકવવામાં આવે.

બિલ્ડરે જણાવ્યું હતું કે ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશનને કારણે અને રેતી મેળવવા પર સરકારે મૂકેલા નિયંત્રણને કારણે બાંધકામમાં વિલંબ થયો હતો. આમ છતાં કંપનીએ નવ ટકા વ્યાજ સાથે સમગ્ર રકમ પરત કરવાની ઓફર કરી હતી જે ઠક્કરે સ્વીકારી નહોતી.

કેસ ચાલુ હતો ત્યારે બિલ્ડરે ફલેટનું પઝેશન આપવાની ઓફર કરતાં કમિશને ઠક્કરને બાકી રહેલી પાંચ ટકા રકમ કમિશનમાં જમા કરાવવાનો અને બિલ્ડરને પઝેશન આપવાનો આદેશ આપ્યો હતો. સવાલ એ હતો કે ઠક્કરને વિલંબ માટે વળતર મેળવવાનો હક હતો કે પઝેશન આપવામાં વિલંબ કરવાનો બિલ્ડરને અધિકાર હતો, વળી બિલ્ડરે પણ બાકી પડેલી પાંચ ટકા રકમ પર વ્યાજની માગણી કરી હતી. કમિશનને જણાયું હતું કે ઠક્કરે એક પણ વાર નાણાં ચૂકવવામાં વિલંબ કર્યો નહોતો. પઝેશન મેળવતી વખતે ચૂકવવાનો છેલ્લો હપ્તો પણ ઠક્કરે કમિશનમાં જમા કરાવ્યો હતો. આમ કમિશને ઠરાવ્યું હતું કે બિલ્ડરને બાકી રકમ પર વ્યાજ વસૂલ કરવાનો આ કેસમાં અધિકાર નથી.

કમિશને ફલેટનું પઝેશન આપવામાં વિલંબ થવા પાછળ બિલ્ડરે આપેલાં કારણો અંગે જણાવ્યું હતું કે કોમેન્સ મેન્ટ સર્ટિફિકેટ અપાયા બાદ ડેવલપમેન્ટ કન્ટ્રોલ નિયમોમાં ફેરફાર થયો હોઇ તે પઝેશન આપવામાં વિલંબ કરવાનું વાજબી કારણ ગણી ન શકાય. બીજું કારણ રેતીની તંગી બાબતે કમિશને જણાવ્યું હતું કે બિલ્ડર તેને માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી શક્યો હોત એટલે આ પણ વિલંબ માટે વાજબી કારણ ન ગણાય. છેવટે ૨૩ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ કમિશને ઠરાવ્યું હતું કે ઠક્કરને ફલેટનું પઝેશન મળવામાં વિલંબ થયો તે સમયગાળા માટે વ્યાજ મેળવવાનો અધિકાર છે. કમિશને બિલ્ડરને ઠક્કરને ૮૫.૮૭ લાખ રૂપિયાની રકમ પર વિલંબ થયેલાં ગાળા માટે આઠ ટકાના દરે વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો હતો, વળી કાનૂની ખરચ પેટે પણ ૨૫૦૦૦ રૂપિયા ઠક્કરને ચૂકવવામાં આવ્યા હતા.

;