Sandesh Exclusive Story Drug Addict cricketer left house in Rajkot
  • Home
  • Featured
  • Sandesh Exclusive: રાજકોટના ક્રિકેટરે ડ્રગ્સની લતમાં ઘર છોડ્યું

Sandesh Exclusive: રાજકોટના ક્રિકેટરે ડ્રગ્સની લતમાં ઘર છોડ્યું

 | 4:14 pm IST
  • Share

  • રાજકોટ પોલીસ કમિશનરે આપ્યા તપાસના આદેશ
  • સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ ગૃહ મંત્રીએ નોંધ લીધી
  • ડ્રગ્સના નશાએ આશાસ્પદ ક્રિકેટરની કારકિર્દી બગાડી

હાલમાં NCBએ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી છે, ત્યારથી દેશમાં નશાના વેપારને લઈને અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે ગુજરાતના રાજકોટમાં નશાનો મોટો વેપાર ચાલી રહ્યો હોવાની વાત સામે આવી છે.

રાજકોટનો એક ક્રિકેટર નશાની લત પોતાનું જીવન બરબાદ કરતો હોવાની વાત સામે આવી છે. નશાની લતમાં આ ક્રિકેટર ઘર છોડીને ચાલ્યો ગયો હતો. આ મામલે ક્રિકેટરની માતાએ સંદેશ ન્યૂઝ સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી. આ ક્રિકેટર દેશના જાણીતા ક્રિકેટરો સાથે પણ મેચ રમી ચૂક્યો છે. જે 2500 થી 3 હજાર રૂપિયામાં એમડી ડ્રગ્સ ખરીદતો હતો.

ક્રિકેટરની માતાએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે, “મારા દિકરાએ મને એકવાર કહ્યું પણ હતું કે મમ્મી મને આ ડ્રગ્સની લતમાંથી છોડાવ. જે બાદ હું કમિશ્નર પાસે ગઈ હતી, પરંતુ તેમની સાથે મુલાકાત થઈ શકી નહતી. મેં પોલીસને વારંવાર જાણ કરી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. મારો દીકરો એક પત્ર લખીને ઘર છોડીને ચાલ્યો ગયો છે.

માતાએ વધુમાં જણાવ્યું કે, આ ડ્રગ્સ માફિયાઓ મને ધમકી આપી રહ્યાં છે. ડ્રગ્સ માફિયાઓને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. ડ્રગ્સ માફિયાઓને પોલીસ સાથે સાંઠગાંઠ છે. પોલીસે દરોડા પાડ્યા, તો આ લોકો ફરાર થઈ ગયા હોવાની વાત સામે આવી રહી છે.

સંદેશ ન્યૂઝ સાથે વાતચીતમાં ઘરેથી ભાગી છૂટેલા ક્રિકેટર યુવકનો આરોપ છે કે, પોલીસની ગાડી લઈને માફિયા ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યાં છે. આ ડ્રગ્સ રેકેટમાં ઉપરથી નીચે સુધી તમામ અધિકારીઓ સંડોવાયેલા છે. સંદેશ ન્યૂઝમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તપાસના આદેશ આપ્યાં છે.

રાજકોટ પોલીસને સંદેશ ન્યૂઝની અપીલ
સંદેશ ન્યૂઝે રાજકોટ પોલીસને શહેરમાંથી નશાનું નેટવર્ક દૂર કરવાની અપીલ કરી છે. આ સાથે જ સંદેશ ન્યૂઝના અભિયાનને રાજકોટ પોલીસ સાથ આપે અને એક માતાને તેનો દીકરો પરત અપાવે તેવી અપીલ કરવામાં આવી છે.

સંદેશ ન્યૂઝે સામાજિક જવાબદારી નિભાવી છે. સંદેશ ન્યૂઝ માતા-પુત્રની સુરક્ષા માટે અપીલ કરી રહ્યું છે. આ ડ્રગ્સ માફિયાઓથી માતા-પુત્રના જીવને જોખમ છે. રાજકોટ પોલીસ પોતાની નિયત અને નિષ્ઠા સાબિત કરે.

મુખ્ય સુત્રધાર કૌશિક રાણપરાને પોલીસ શોધે
માતાએ જણાવ્યું કે, મારા પુત્રની ઉંમર માત્ર 23 વર્ષની છે. રાજકોટમાં ડ્રગ્સનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને અનેક યુવકો ડ્રગ્સના બંધાણી થઈ ગયા છે. શહેરની પોલીસ પણ ગૃહ વિભાગના આદેશને ગણકારતી નથી. ડ્રગ્સ માફિયાઓએ યુવકની પત્નીને પણ જાળમાં ફસાવી હોવાનો માતાએ આરોપ લગાવ્યો છે.

મારા દિકારને કૌશિક રાણપરાએ ડ્રગ્સ આપ્યું હતું. જે મુખ્ય સુત્રધાર છે, જેનો પોલીસ શોધે. મારી પુત્રવધુને લઈને હું પોલીસ કમિશનરની કચેરીએ પણ ગઈ હતી. હું પોલીસની સાથે રહીને સ્થળો બતાવવા માંગુ છું. સંદેશ ન્યૂઝે મને ઘણો સાથ-સહકાર આપ્યો છે.

સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ આખરે રાજકોટ પોલીસ ઉંઘમાંથી જાગી છે અને ગુમ યુવકને શોધવા કામે લાગી છે. ગુમ થયેલા યુવકનું લોકેશન પોલીસે શોધી કાઢ્યું હોવાની વાત સામે આવી છે. આ અંગે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તપાસના આદેશ આપ્યા છે. કમિશનરે કહ્યું કે, આ અંગે બધી માહિતી મેળવી યોગ્ય તપાસ કરવામાં આવશે.

સંદેશ ન્યૂઝ સાથેની વાતચિતમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, યુવકના માતા ડાયરેક્ટ મારી સાથે ફોન પર વાતચીત કરી શકે છે. તેમના દરેક પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો