Sandesh Knowledge Challenge to make your kid Smart
  • Home
  • Featured
  • સુરત : સંદેશ નોલેજ ચેલેન્જ અંતર્ગત પ્રત્યેક બાળકને સ્માર્ટ બનાવવાનો સંકલ્પ

સુરત : સંદેશ નોલેજ ચેલેન્જ અંતર્ગત પ્રત્યેક બાળકને સ્માર્ટ બનાવવાનો સંકલ્પ

 | 4:33 pm IST

અગ્રિમ અખબાર ‘સંદેશ’ દ્ધારા વિદ્યાર્થીઓની કુનેહશક્તિમાં વધારો થાય, વાંચન પ્રત્યેની રૃચિ વધે અને સામાન્ય જ્ઞાનમાં વધારો થાય એ હેતુથી ‘નોલેજ ચેલેન્જ’ સ્પર્ધાનું વિશેષ આયોજન કરાયું છે. જે સંદર્ભે શહેરના અગ્રણી શૈક્ષણિક મંડળો, શાળા સંચાલકો અને આચાર્યો સાથે વિચારગોષ્ઠીનું આયોજન કરાયું હતું. સેમિનારમાં શાળાના અગ્રણીઓને નોલેજ ચેલેન્જ સ્પર્ધા અંગે વિશેષ માહિતી આપવાની સાથે જ વિદ્યાર્થીલક્ષી વિચારમંથન કરવામાં આવ્યું હતું

સેમિનારમાં ‘સંદેશ’ના નિવાસી તંત્રી પ્રસન્ન ભટ્ટ, ‘સંદેશ’ના જાહેરખબર વિભાગના વડા કલ્પેશ પંડયા, ‘સંદેશ’ના બ્રાંચ મેનેજર વિપીન યાદવ, પૂર્વ કુલપતિ ડો.દક્ષેશ ઠાકર, મનોચિકિત્સક ડો.મુકુલ ચોક્સી, મોટીવેટર સુનિતા નંદવાણી, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-સુરતના પ્રમુખ સવજી હુણ, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના દીપક રાજગુરુ, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન સી.એસ.જરીવાલા, ભૂલકા ભવન શાળા પરિવારના મિનાક્ષીબેન દેસાઇ, શિક્ષણાધિકારી કચેરીના પ્રતિનિધિ તરીકે હર્ષદ કાનાણી, ભગીરથસિંહ પરમાર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. શાળા સંચાલકોએ ‘સંદેશ’ અખબારની મુહિમને બિરદાવી લીધી હતી.

હું પ્રત્યેક વાલીને આ પ્રતિયોગિતામાં જોડાવવા અપીલ કરું છું

વાંચન પ્રત્યે નવી પેઢીમાં જાગૃતતા લાવવા માટે ‘સંદેશ’ અખબાર દીવાદાંડીરૃપ કામ કરવા જઇ રહ્યું છે. ગુજરાતી ભાષામાં પ્રગટ થતું ‘સંદેશ’ વર્તમાનપત્ર એનો ભાષાધર્મ નિભાવવા જઇ રહ્યું છે. શાળાના વિદ્યાર્થી, શિક્ષકોને વાંચન પ્રત્યે અભિમુખ કરવા અભિયાન શરૃ કર્યું છે. નોલેજ ચેલેન્જ સ્પર્ધાથી વિદ્યાર્થીઓમાં વાંચનની ભૂખ વધશે, તે સાથે જ સામાન્ય જ્ઞાનને લગતાં પ્રશ્નો પૂછાવાના હોય તેમને શિક્ષણ-અભ્યાસમાં પણ લાભ થશે. – ડો.દક્ષેશ ઠાકર (પૂર્વ કુલપતિ)

આ સ્પર્ધા વિદ્યાર્થીઓને શિક્ષણ અને અભ્યાસમાં મદદરૃપ થશે

આજની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા વિવિધ ઉતાર-ચઢાવમાંથી પસાર થઇ રહી છે. વિદ્યાર્થીઓ વાંચનથી વિમુખ થઇ રહ્યા છે. માત્ર ચોપડિયું જ્ઞાન મેળવી રહ્યા છે. તે સામે આ પ્રકારની નોલેજ ચેલેન્જ સ્પર્ધા વિદ્યાર્થીઓને શિક્ષણ અને અભ્યાસમાં મદદરૃપ થશે. આજની યુવા પેઢી વધુને વધુ વાંચન કરે અને માત્ર અભ્યાસક્રમ જ નહીં, પરંતુ દેશ-વિદેશની જાણકારી પણ મેળવે એની તાતી જરૃરિયાત છે. – ડો.મુકુલ ચોક્સી (મનોચિકિત્સક)

વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતા વધશે, વધુ સ્માર્ટ બનશે

‘સંદેશ’ની આ નોલેજ ચેલેન્જ સ્પર્ધા મારા મતે વિદ્યાર્થીઓમાં જ્ઞાનનું સંવર્ધન થાય તે માટેનું અભિયાન છે. વિદ્યાર્થીઓમાં આ પ્રકારની ક્વિઝ કોમ્પિટિશનથી વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યેની રૃચિ વધશે. વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે અને વિદ્યાર્થીઓ વધુ સ્માર્ટ બનશે. વિદ્યાર્થીઓ પ્રશ્નો થકી જ અવનવી અને વિવિધ પ્રકારની રસપ્રદ જાણકારી, માહિતી પણ મેળવી શકશે. -દીપક રાજગુરુ (સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ)

બૌદ્ધિક ક્ષમતાની કસોટી સાથે સામાન્ય જ્ઞાનમાં વધારો થશે

શાળામાં ભણતા વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે. દેશની ભાવિ પેઢી શિક્ષણની સાથે નૈતિક જીવનના મૂલ્યો શીખે, સામાન્ય જ્ઞાનમાં પાવરધાં રહે એ પણ જરૃરી છે. ‘સંદેશ’ અખબાર દ્ધારા જે પ્રયાસ કરાયો છે તેમાં બૌદ્ધિક ક્ષમતાની કસોટી સાથે જ જ્ઞાનમાં પણ વધારો થશે. વિદ્યાર્થીઓ રાજ્ય, દેશ-દુનિયાની રસપ્રદ જાણકારીથી માહિતગાર થશે. આ સ્પર્ધા વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાનમાં વધારો કરવાનું માધ્યમ બની રહેશે. -સવજી હુણ (પ્રમુખ, સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ)

નોલેજ ચેલેન્જ સ્પર્ધાથી વિદ્યાર્થીઓની કુનેહશક્તિ વધશે

‘સંદેશ’ અખબાર દ્ધારા વિદ્યાર્થીઓના વિશાળ હિતને કેન્દ્રમાં રાખીને સ્પર્ધાનું આયોજન કરાયું છે. સ્પર્ધાથી વિદ્યાર્થીઓની કુનેહ શક્તિમાં વધારો થશે. માતૃભાષા પ્રત્યેનું સન્માન અને ગૌરવ વધશે. ક્વિઝ સ્પર્ધાના માધ્યમથી વાંચન પ્રત્યેની રૃચિમાં વધારો થાય એ જ ઉદ્દેશ કેન્દ્રસ્થાને છે. વિદ્યાર્થીઓ વધુ તેજસ્વી બનશે. સુરત શહેરની શાળા અને વિદ્યાર્થીઓ માટે આ સ્પર્ધા ગૌરવશાળી ઉત્સવ સમાન સાબિત થશે. -સુનિતા નંદવાણી (મોટીવેટર)

ગુજરાત રાજ્યનું પ્રત્યેક બાળક આવતીકાલનો સમર્થ નાગરિક બને એ સૌની સહિયારી જવાબદારી છે. પોતાના બાળકને સર્વોત્તમ ઉપલબ્ધ કરાવવાની પ્રત્યેક માતા-પિતાની મહેચ્છા હોય અને હોવી જ જોઈએ.. ‘સંદેશ’ પણ પોતાના વાંચકોને સર્વોત્તમથી વિશેષ ઉપલબ્ધ કરાવવા સતત પ્રયત્નશીલ છે.. આપનું બાળક નોલેજના પાવર સાથે કાર્રિકદી નિર્માણની સીડી પર નોંધપાત્ર ઊંચાઈ હાંસલ કરે તે માટે ‘સંદેશ નોલેજ ચેલેન્જ’ એક ઉત્તમ અવસર છે.

આ પ્રતિયોગિતા શું છે..? આ પ્રતિયોગિતામાં આપનું બાળક કઈ રીતે ભાગ લઈ શકે..? વિજેતાઓને કઈ રીતે પ્રોત્સાહિત કરાશે..? પોતાના બાળકને આ પ્રતિયોગિતા માટે પ્રોત્સાહિત કરનાર શાળા અને શિક્ષકને કઈ રીતે સન્માનિત કરાશે..? એ બધી જ વિગતો આગામી દિવસોમાં ‘સંદેશ’ અખબારના નિયમિત વાંચનથી આપ જાણી શકશો.. વૈશ્વિક ગતિવિધીઓથી લઈ રાજ્ય અને રાષ્ટ્ર ઉપરાંત સ્થાનિક ઘટનાઓનું એક સ્થળે નિરૃપણ અખબાર સિવાય અન્ય ક્યાંય હોતું નથી.. વિજ્ઞાન અને રમતજગત પણ અખબારમાં વિસ્તૃત સ્વરૃપે સમાવિષ્ટ હોય છે..

સમાજ પ્રત્યેની જવાબદારી અંગે સદૈવ સજાગ ‘સંદેશ’ ગુજરાતના બાળકને પ્રત્યેક પરિપ્રેક્ષમાં સક્ષમ અને સબળ બનાવવા સંકલ્પબદ્ધ છે અને એટલે જ ખૂબ જ મહત્ત્વકાંક્ષી ‘સંદેશ નોલેજ ચેલેન્જ’નું આયોજન કરાયું છે.. આપના બાળકનું ઉજ્જવળ ભવિષ્ય ‘સંદેશ’નું સ્વપ્ન છે.. આપના બાળકને આ પ્રતિયોગિતામાં સહભાગી કરવાનો પુરુષાર્થ કરી જ્ઞાાન અને ગુજરાતી ભાષાના આ મહાયજ્ઞામાં એક આહુતિ આપવા આપને હૃદયપૂર્વક અનુરોધ છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન