રાજ્યવ્યાપી સાઇકલ કૌભાંડનો પર્દાફાશઃ હજારોની સંખ્યામાં સાઇકલો બની રહી છે ભંગાર - Sandesh
  • Home
  • Ahmedabad
  • રાજ્યવ્યાપી સાઇકલ કૌભાંડનો પર્દાફાશઃ હજારોની સંખ્યામાં સાઇકલો બની રહી છે ભંગાર

રાજ્યવ્યાપી સાઇકલ કૌભાંડનો પર્દાફાશઃ હજારોની સંખ્યામાં સાઇકલો બની રહી છે ભંગાર

 | 4:55 pm IST

રાજ્યવ્યાપી સાઇકલ કૌભાંડનો ‘સંદેશ ન્યૂઝ’ દ્વારા પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશોત્સવ દરમિયાન ગરીબ વિદ્યાર્થીઓને સાઇકલો આપવામાં આવે છે. જોકે, સરકારી અધિકારીઓની બેદરકારીના કારણે આ સાઇકલો ધૂળ ખાઇ રહી છે. એક પછી એક જિલ્લામાં સાઇકલ કૌભાંડનો પર્દાફાશ થઇ રહ્યો છે. આણંદમાં આશરે 5000 જેટલી સાઇકલ કૌભાંડનો ભાંડો ફૂટ્યા બાદ શિક્ષણ મંત્રીએ તપાદશના આદેશ આપ્યા છે. જોકે, આણંદ બાદ હવે વલસાડ જિલ્લામાં પણ સાઇકલ કૌભાંડ બહાર આવ્યું છે.

પ્રવેશોત્સવના ત્રણ ત્રણ વર્ષ થયા છતાં 1000થી વધારે સાઇકલો બાળકોને નથી મળી
મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લામાં વર્ષ 2015ની શાળા પ્રવેશોત્સવ દરમિયાન ગરીબ વિદ્યાર્થીઓને સાઇકલો વિતરણ કરવાની હતી. પરંતુ 3 વર્ષથી આ સાઇકલ વલસાડ ખાતે ધૂળ ખાઈ રહી છે. હાજી સુધી 3-3 વર્ષ વીતી ગયા છતાં બાળકોને આ સાઇકલ મળી નથી. અંદાજિત 1000થી વધુની સંખ્યામાં પડેલી છે. આ સાઇકલો 2015થી અહીં ધૂળ ખાઈ રહી છે. કેટલીક સાઇકલો કટાઈ ગઈ છે. તેમ છતાં પણ શિક્ષણ ખાતું કે વલસાડ વહિવટી તંત્ર ઘોર નિંદરમાં છે.

તંત્રની બેદરકારીના કારણે પોરબંદરમાં 168 જેટલી સાઇકલો બની ગઇ ભંગાર
પોરબંદરમાંથી પણ સાઇકલ કૌભાંડ બહાર આવ્યું છે. 2017ના પ્રવેશ ઉત્સવર સમયે વિદ્યાર્થીઓને સાઇકલ વહેચણી બાદ 168 સાઇકલ વધી હતી. વધેલી આ સાઇકલોને પરત જમા કરાવવાની હોય પરંતુ તંત્રની બેદરકારીના કારણે 168 જેટલી સાઇકલો ભંગારમાં ફેરવાઇ ગઇ હતી. સાઇકલોને પરત જમા કરાવવા માટે સમાદજ કલ્યાણ અધિકારીએ સરકારને પત્ર લખ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

બોરસદ તાલુકા પંચાયત ક્વાર્ટરમાંથી આશરે 5000થી વધુ સાઇકલ ધૂળ ખાતી હાલતમાં મળી આવી
ઉલ્લેખનીય છે કે, આણંદના બોરસદ તાલુકા પંચાયત ક્વાર્ટરમાંથી આશરે 5000થી વધુ સાઇકલ ધૂળ ખાતી હાલતમાં મળી આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે, આ સાઇકલ 2015માં વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવી હતી. સાઇકલ કૌભાંડના ઘટસ્ફોટ બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તપાસના આદેશ પણ આપ્યા હતા. ઠાસરા તાલુકાના વાણુતી પ્રાથમિક શાળાના પ્રાર્થના ખંડમાં સંતાડેલી આશરે 400થી વધુ સાઇકલો મળી આવી હતી. મળેલી આ સાઇકલો ઉપર 2015ના પ્રવેશ ઉત્સવનો સિમ્બોલ પણ લગાવેલો હતો.