Sandesh popular author Devendra Patel novel Savyamprabha article 18
  • Home
  • Supplements
  • Sanskar
  • કિરણ બોલ્યો : ‘શાશ્વત, સ્વયંપ્રભા તારા માટે જ લાયક હતી’

કિરણ બોલ્યો : ‘શાશ્વત, સ્વયંપ્રભા તારા માટે જ લાયક હતી’

 | 12:19 am IST
  • Share

નવલકથા

પ્રકરણ-૧૮

સ્વયંપ્રભા અને શાશ્વત ઘેર પહોંચ્યાં ત્યાં સુધીમાં અંધારું થઈ ચૂક્યું હતું. શાશ્વતના મનમાં થડકાર હતો. એને સ્વયંપ્રભાનો પતિ કેવો હશે તે અંગેના જાતજાતના વિચારો આવી ગયા.

સ્વયંપ્રભા જેવી ઘરના આંગણામાં પ્રવેશી એટલે તરત જ સાતેક વર્ષની એક નાનકડી બાળકી દોડતી આવીને સ્વયંપ્રભાને વળગી પડી.

એ બોલી પણ હતીઃ ‘મમ્મી…મમ્મી…’

સ્વયંપ્રભાએ બાળકીને ઊંચકી લેતાં વહાલથી એના ગાલ પર ચૂમી ભરી લીધી. અને શાશ્વત તરફ જોતાં એ બોલીઃ ‘આ છે મારી સરપ્રાઈઝ!’

બેબી બોલી ઊઠીઃ ‘મારું નામ સુલેખા છે, સરપ્રાઈઝ નહીં.’

‘શાબ્બાશ!’ કહેતાં શાશ્વત બોલ્યોઃ ‘તમારું નામ તો બહુ સરસ છે.’

‘મમ્મી.’ બેબીએ શાશ્વત તરફ આંગળી કરીને પૂછયું: ‘આ સરપ્રાઈઝ કોણ છે?’

‘એમનું નામ ડો.શાશ્વત છે.’ સ્વયંપ્રભા બોલી.

તરત જ બેબીએ પ્રશ્ન કર્યોઃ ‘અચ્છા… તમે તો અમેરિકા ગયા’તા?’

શાશ્વત ચોંકી ગયો. ‘હું અમેરિકા ગયો હતો તેની તને ક્યાંથી ખબર?’

‘આ મમ્મી મને કહેતી હતી. મમ્મી મને બધું જ કહી દે છે. મમ્મી ને હું બંને ખાસમખાસ ફ્રેન્ડ છીએ.’

સ્વયંપ્રભાએ કહ્યું: ‘બસ કર હવે.’

પણ બેબીએ ચલાવે રાખ્યું: ‘ડોક્ટર અંકલ! મેં સાંભળ્યું છે કે અમેરિકામાં એક સરસ ડિઝનીલેન્ડ છે. તમે મને ડિઝનીલેન્ડની વાત કરશો?’

આ દરમિયાન બદન પર વીંટાળેલી શાલ અને હાથમાં પુસ્તક લઈને પ્રો.કિરણ અંદરથી બહાર આવે છે અને બોલે છેઃ ‘જરૂર કહેશે તને વાત બેબી… ડોક્ટર, તમે તો ડિઝનીલેન્ડ ગયા હશોને!’

શાશ્વત પ્રો.કિરણને જોઈ ચોંકી ગયો.

આ એ જ પ્રો.કિરણ જે એનો બચપણનો દોસ્ત હતો. આ એ જ પ્રો.કિરણ જેની સાઈકલ પર બેગ મૂકી એ પ્રથમ વાર રેલવે સ્ટેશનથી સ્વયંપ્રભાને મળવા જોવા આ ગામમાં આવ્યો હતો.

અને આ એ જ પ્રો.કિરણ જે હવે સ્વયંપ્રભાનો પતિ છે.

શાશ્વત બોલ્યોઃ ‘કિ…ર…ણ!…સ્વયંપ્રભા તો મને અહીં સુધી લાવી, પણ તારા વિશે મને કોઈ જ વાત કરી નહીં.’

‘પણ એણે તારા વિશે મને બધી જ વાત કરી છે.’ કિરણ બોલ્યો.

‘બધી જ એટલે?’ શાશ્વત વિચારમાં પડી ગયો.

કિરણે શાશ્વતના ખભા પર હાથ મૂકતાં કહ્યું: ‘કમ ઓન… ઈન… અંદર તો આવ. બધી જ વાતો બહાર ઊભા ઊભા ન થાય.’

બધાં ડ્રોઇંગરૂમમાં પ્રવેશ્યાં. શાશ્વત સોફા પર બેઠો. એણે ચારેકોર નજર કરી તો ઠેરઠેર પુસ્તકોના ઢગલા પડયા હતા.

કિરણે પુસ્તકો ખસેડીને જગા કરી શાશ્વતની સામે જ બેઠક લીધી. એણે સ્વયંપ્રભાને સૂચના આપીઃ ‘સ્વયંપ્રભા! શાશ્વત માટે ચા બનાવ, તને તો ખબર હશે ડોક્ટરને કેવી ચા પસંદ છે.’

શાશ્વત કિરણને રોકવા જતો હતોઃ ‘કિ…ર…ણ!’

કિરણે સરળતાથી કહ્યું: ‘ટેઈક ઈટ ઈઝી… તું આરામથી બેસ શાશ્વત.’

બેબીએ જતાં જતાં કહ્યું: ‘પાપા… હું તમારું દૂધ લઈ આવું છું હોં!’

અને તે જતી રહી.

શાશ્વત તો કિરણનું વર્તન સમજી શકતો નહોતો. એને પોતાના માટે તિરસ્કાર છે કે માત્ર નિખાલસતા તે પામી શકાતું નહોતું. એણે મનની અંદર ચાલી રહેલા ઘમસાણમાંથી બહાર નીકળી જવા પૂછયું: ‘કિરણ, તમને બધાને મારા માટે કોઈ…?’

‘છોડ યાર, તું તો સ્વજન છે. હું જ રોંગ નંબર છું.’

શાશ્વતે ઠપકો આપ્યોઃ ‘આવું ના બોલ કિરણ.’

કિરણે ઉત્તર વાળ્યોઃ ‘મિત્રો આગળ હું દંભ કરતો નથી અને દિલની વાત છુપાવતો નથી.’

‘એટલે’

‘જો યાર.’: કિરણે ગંભીર થતાં પણ ધીમા સ્વરે કહ્યું: ‘સ્વયંપ્રભા એ તારા માટે જ લાયક હતી. તેં યાર..’

વાત ચાલતી હતી ત્યાં જ સ્વયંપ્રભા પાણીનો ગ્લાસ લઈ પ્રવેશી.

એ બોલીઃ ‘કેમ અટકી ગયા? મારા વિશે જ વાત ચાલતી હતીને! હું તો સાંભળું.’

‘હા સ્વયંપ્રભા’: કિરણે કહ્યું: ‘આ ડોક્ટરને હું પૂછું છું કે તેં આટલી મોટી ભૂલ કેમ કરી?’

‘તમે ચૂપ રહેશો હવે.’ : સ્વયંપ્રભાએ આંખ કાઢી.

કિરણ થોડી વાર માટે ચૂપ થઈ ગયો. સ્વયંપ્રભા પાણીનો ગ્લાસ મૂકી નારાજ બનીને અંદર ચાલી ગઈ.

કિરણે ફરી ચલાવ્યું: ‘શાશ્વત, તું મને કહે યાર… સ્વયંપ્રભામાં તને શું ખામી લાગી હતી? આટલી સરસ છોકરીને તેં કેમ ત્યજી દીધી?’

શાશ્વતે જોયું કે કિરણનો પ્રશ્ન સહજભાવે પુછાયો હતો. એનામાં કોઈ કટુતા નહોતી. એને લાગ્યું કે હવે સાચી વાત મારે કરી જ દેવી જોઈએ.

શાશ્વત એક લાંબો શ્વાસ ભરી બોલ્યોઃ ‘હા કિરણ! હું એ જ વાત કરવા માંગું છું. મારા વિશેની કેટલીક ગેરસમજો દૂર કરવા માગું છું. જો કિરણ, ખામી સ્વયંપ્રભામાં નહીં, પણ મારામાં હતી. તું ધ્યાન દઈને મારી વાત સાંભળ અને તેની ઉપર વિશ્વાસ કરજે. સ્વયંપ્રભાને જોઈ હું જ્યારે મારી મમ્મી પાસે પહોંચ્યો ત્યારે પહેલી જ વાર મને ચક્કર આવ્યા હતા. લેબોરેટરીમાં મારા બ્લડની તપાસ કરવામાં આવી હતી. રિપોર્ટમાં જણાયું હતું કે વ્હાઈટ સેલ્સનું પ્રમાણ વધુ છે. મને બ્લડ કેન્સર હોવાનું નિદાન કરાયું હતું. આ સંજોગોમાં મારી જિંદગી કેટલી હોઈ શકે તે વિચારીને મેં સ્વયંપ્રભાનો પણ વિચાર કર્યો હતો. મને કેન્સર હોય અને હું સ્વયંપ્રભાને પરણું તો મારે એને અકાળે વિધવા જ બનાવવાનીને! અને સ્વયંપ્રભાની જિંદગી પણ બગડી જાય એમ હું ઈચ્છતો નહોતો.’

શાશ્વતે એક ઘૂંટ પાણી પી લઈ આગળ ચલાવ્યું: ‘જો કિરણ, સ્વયંપ્રભાની ભાવિ જિંદગીની સલામતી માટે જ મેં સગાઈ તોડી નાખી હતી. હું જાણતો હતો કે, મારા આ નિર્ણયથી ઘણાં તોફાનો સર્જાશે, પણ મારી પાસે બીજો કોઈ ઉપાય નહોતો.’

‘પણ તને બ્લડ કેન્સર હોત તો…’ કિરણે પ્રશ્ન અધૂરો છોડયો.

‘હા…હા…એ જ કહું છું’ શાશ્વતે વાત જારી રાખીઃ ‘કિરણ, કુદરતનો ખેલ તો જો. પછી હું સારવાર માટે અમેરિકા ગયો. ત્યાં ‘બોન મેરોના ઈન્વેસ્ટિગેશન્સ’ બાદ એવું તારણ કાઢવામાં આવ્યું કે મને કેન્સર નહીં, પણ ‘અ પ્લાસ્ટિક એનિમિયા’ છે. ત્યાં સારવાર લીધી અને હું બચી ગયો.’

પ્રો.કિરણ બધી જ વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. એણે એક સિગારેટ સળગાવી અને ધુમાડા ફેંકતાં બોલ્યોઃ ‘…પણ સ્વયંપ્રભા બચી શકી નહીં.’

‘એટલે?’

કિરણે સિગારેટનો દમ મારી ફરી ધૂમ્રસેરો હવામાં ફેંકતાં કહ્યું: ‘શાશ્વત, આ ધુમાડા જોયા તેં?’

‘હા…’

‘બસ, એવી જ મારી જિંદગી છે. આ ધૂમ્રસેરોની જેમ મારી જિંદગી પણ જલદીથી અદૃશ્ય થઈ રહી છે.’

શાશ્વતે કહ્યું: ‘ભાઈ, તું કાંઈ સ્પષ્ટ વાત કર.’

કિરણે સિગારેટ હોઠમાં દબાવી રાખતાં બાજુની ટિપોય પર પડેલાં પુસ્તકોના ઢગલા નીચેથી એક ફાઈલ ખેંચી કાઢી અને શાશ્વત સામે ધરતાં કહ્યું: ‘શાશ્વત, તને તો બ્લડ કેન્સરની માત્ર દહેશત હતીને…! હવે જો આ મારા લોહીનો રિપોર્ટ.’

શાશ્વત વિચારમાં પડી ગયો.

એ સહેજ ગંભીર બની ગયો. એણે કિરણના હાથમાંથી ફાઈલ લીધી અને ધ્યાનપૂર્વક નિહાળવા માંડી. એ બબડી ઊઠયોઃ ‘ઓહ માય ગોડ… તને પણ લ્યુકેમિયા… બ્લડ કેન્સર.’

જાણે કે એના માથા પર હથોડા વીંઝાયા. થોડી વાર માટે એના કાન બહેરા બની ગયા. એ સ્તબ્ધ બનીને ઘડીક ફાઈલ જોતો તો ઘડીક કિરણને જોઈ લેતો.

છેવટે કિરણ બોલ્યોઃ ‘હા શાશ્વત, મારું દર્દ તો કન્ફર્મ થયેલું છે. ખબર નથી કે કેટલું જીવીશ! હું તો તારી જ રાહ જોતો હતો.’

‘ઈમ્પોસિબલ’: કહેતાં શાશ્વતે કપાળમાં હાથ પછાડયો. કિરણ બોલ્યોઃ ‘ડોન્ટ બી નર્વસ…મેં સાંભળ્યું છે કે તું અહીંની કોટેજ હોસ્પિટલમાં જોડાઈ રહ્યો છે.’

‘હા…’

‘તો તો ઘણું જ સરસ… મરતાં પહેલાં હું તારી જ ટ્રીટમેન્ટ લઈશ.’

બરાબર એ જ સમયે બેબી સુલેખા હાથમાં દૂધનો ગ્લાસ લઈને આવી રહી હતી, પણ બારીમાં બેઠેલી બિલાડી ‘મ્યાઉં’ કરીને ગ્લાસ પર કૂદી અને ગ્લાસ પડી ગયો. દૂધ ઢોળાઈ ગયું અને કાચના ટુકડા વેરાઈ રહ્યા. બેબીએ રડવા માંડયું.

શાશ્વત તરત જ ઊભો થઈ ગયો. એણે બેબીને પકડી પંપાળતાં કહ્યું: ‘ગભરાઈશ નહીં દીકરી.’

કિરણ બબડી રહ્યોઃ ‘શી ખબર તારી ટ્રીટમેન્ટ મારાં નસીબમાં છે કે નહીં.’

બરાબર તે જ સમયે ટ્રેમાં ચાનો કપ લઈ સ્વયંપ્રભા ડ્રોઇંગરૂમમાં પ્રવેશી. એ બોલીઃ ‘અરે! દૂધ તો ઢોળાઈ ગયું.’

શાશ્વતે કહ્યું: ‘હા સ્વયંપ્રભા, કાચ વીણી લે નહીંતર કોઈને વાગી જશે.’

‘તમે ચા પીવો. હું કાચ વીણી લઉં છું.’

શાશ્વત પાછો સોફા પર બેસી ગયો. ચાનો કપ હાથમાં લેતાં એ બોલ્યોઃ ‘કિરણ, આજથી તારી સારવાર હું કરીશ. અમેરિકાથી તારા માટે કેટલાંક ઈંજેક્શનો મંગાવવાનો પ્રબંધ કરી દઈશ.’

સ્વયંપ્રભા ચોંકી ગઈ. એણે શાશ્વત તરફ જોતાં કહ્યું: ‘તો તમે પણ જાણી ગયા.’

‘હા, સ્વયંપ્રભા ઘણી મોટી સરપ્રાઈઝ આપી તેં. હવે હું જાઉં છું.’

ચાનો કપ મૂકી શાશ્વત ઊભો થયો.

કિરણ બોલ્યોઃ ‘સ્વયંપ્રભા, બારણા સુધી વળાવવા તો જા!’

અને શાશ્વત તથા સ્વયંપ્રભા બહાર નીકળ્યાં. તેમની પાછળ બેબી પણ જોડાઈ.

સહુ બહાર આવ્યાં.

૦ ૦ ૦

રાત હવે આગળ ધપી રહી હતી. ફળિયું શાંત પડી રહ્યું હતું. કર્કશ કૂતરાં ભસી રહ્યાં. પવન જોશભેર વાતો હતો.

બહાર નીકળ્યા બાદ શાશ્વત ઊભો રહ્યો. એણે ધીમેથી સ્વયંપ્રભાને કહ્યું: ‘હું ખરેખર દિલગીર છું, સ્વયંપ્રભા આ બધા માટે હું જ જવાબદાર છું.’

સ્વયંપ્રભાએ જવાબ આપ્યો. ‘દરેક પોતપોતાનું નસીબ લઈને આવે છે. એમાં તમારો શું વાંક?’

શાશ્વતે પૂછયું: ‘સ્વાતિ શું કરે છે?’

‘એને મળજો. એ પણ ભારે સંતાપ કરે છે. એ હવે પહેલાંના જેવી રહી નથી બિચારી.’

‘એ પરણી તો ખરીને?’

‘ના… પરણી નથી. ના… ના જ કર્યા કરે છે. એના મનમાં એમ થઈ ગયું છે કે એના કારણે જ…’ સ્વયંપ્રભા થંભી ગઈ અને બોલીઃ ‘સુકુમાર પણ રાહ જોઈને બેઠો છે.’

‘ઓહ’ શાશ્વતે એક લાંબો નિશ્વાસ નાખ્યો. ‘ઠીક તો અત્યારે હું જાઉં છું.’

બેબી બોલી ઊઠીઃ ‘આવજો અંકલ!’

‘બાય બાય સ્વીટી!’

‘પણ ડિઝનીલેન્ડની વાત કરવાની બાકી.’

‘બાકી નહીં… વાત પાકી’ કહેતાં સ્વયંપ્રભાએ બેબીને ચૂમી લીધી. અંધારામાં પણ શાશ્વત આ વાત્સલ્યને નિહાળી રહ્યો એના ચહેરા પર વિષાદ છવાયો હતો, પણ અંધકાર સિવાય બીજા કોઈએ એ વિષાદ ભાળ્યો નહીં.

શાશ્વતે જતાં જતાં બે-ત્રણ વાર બેબીને વહાલ કરી લીધું.

એ રવાના થયો.

૦ ૦ ૦

સ્વયંપ્રભા અંધારામાં પણ એને જતો જોઈ રહી.

આ તરફ શાશ્વતે કોટેજ હોસ્પિટલ તરફનો રસ્તો લીધો. એના પગ જાણે કે વજનદાર થઈ ગયા હતા. દૂર દૂર કોટેજ હોસ્પિટલની બત્તીઓ દેખાઈ. એ અંદાજે આ તરફ વળ્યો. એની ભૂખ પણ મરી ગઈ હતી. થાક લાગ્યો હતો પણ ઊંઘ આવે તેમ લાગતું નહોતું.

એ લથડાતા પગે કોટેજ પર પહોંચ્યો. રસોઈ તૈયાર હતી પણ જમ્યા વગર જ પથારીમાં પડયો.

– (ક્રમશઃ)

–  www.devendrapatel.in

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો