સ્વયંપ્રભા વિચારી રહી : 'અત્યારે રાત્રે શાશ્વત કેમ આવ્યા હશે?' - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • સ્વયંપ્રભા વિચારી રહી : ‘અત્યારે રાત્રે શાશ્વત કેમ આવ્યા હશે?’

સ્વયંપ્રભા વિચારી રહી : ‘અત્યારે રાત્રે શાશ્વત કેમ આવ્યા હશે?’

 | 12:18 am IST
  • Share

નવલકથા

પ્રકરણ-૨૦

સ્કૂલ તરફથી બાળકોની ટૂર જવાની હતી.

પ્રો.કિરણના ઘરમાં વાત ચાલતી હતી.

મગને કહ્યું: ‘કાલથી હું પંદર દિવસ માટે છોકરાઓની ટૂર લઈને જાઉં છું.’

બેબી સુલેખા બોલી ઊઠીઃ ‘પપ્પા, હું પણ ટૂરમાં જઈશ.’

‘ના દીકરી!’ સ્વયંપ્રભા બોલીઃ ‘તું મોટી થઈશને એટલે અમે જ તને લઈ જઈશું. દૂર દૂર… પહાડોની પેલે પાર. જંગલો, નદીઓ, ઝરણાં, દરિયો આ બધું જ બતાવીશું.’

બેબી સુલેખાએ પ્રો.કિરણને વળગતાં કહ્યું: ‘હેં પાપા, તમે પણ આવશોને? તમે મને લઈ જવાના હોવ તો હું અત્યારે ના જાઉં. મારે તો તમારી સાથે નદી ને દરિયો જોવો છે. બહુ મજા આવશે નહીં, મમ્મી!’

‘હા…બેટા.’ કહેતાં સ્વયંપ્રભાએ મોં સહેજ ફેરવ્યું.

કિરણ બોલ્યોઃ ‘સ્વયંપ્રભા, સુલેખાને ટૂરમાં જવા દે. પંદર દિવસનો તો સવાલ છે.’

‘તમે જ એને બહુ ચડાવો છો.’ સ્વયંપ્રભાને નાછૂટકે સંમતિ આપી.

એ દરમિયાન સાત-આઠ છોકરાં દોડી આવ્યાં અને સુલેખાને રમવા બહાર ખેંચી ગયાં, પણ થોડી જ વારમાં સુલેખા હાથમાં બચતનો નાનો ગલ્લો લઈને પાછી આવી. તે બોલીઃ ‘પાપા, જુઓ મારો ગલ્લો. એમાં છે તે બધા જ પૈસા હું સાથે લઈ જઈશ.’

‘પણ એટલા માટે બધા શા માટે?’

‘મમ્મી, તું કહેતી હતી ને કે આવતા મહિને પપ્પાનો જન્મદિવસ આવે છે. હું પાપાને ભેટ આપવા માટે સરસ મજાનું મફલર લેતી આવીશ. પાપા, તમને કેવો રંગ ગમશે?’

કિરણ બોલ્યોઃ ‘મમ્મીને જ પૂછી લેને બેટા.’

‘ના પાપા, તમે જ કહો.’

‘સારું, તને પસંદ પડે તે લઈ આવજે. મને બધા જ રંગ ગમે છે.’

વળી પાછાં કેટલાંક છોકરાં દોડી આવ્યાં: ‘ચાલને સુલેખા ‘એનઘેન’ રમીએ!’

‘લે મમ્મી, મારો ગલ્લો મૂકી દે… અમે એનઘેન રમીએ.’

પછી તો એ જ ખંડમાં ‘એનઘેન દીવાઘેન’ની રમત શરૂ થઈ. છોકરાઓએ સ્વયંપ્રભાની આંખે પાટા બાંધી દીધા. કિરણ, બેબી અને છોકરાં રૂમના જુદા જુદા ખૂણાઓમાં સંતાઈ ગયાં. સ્વયંપ્રભા ગીતની કડી પછી શોધવા નીકળી.

અને એણે કોઈને પકડી લેતાં બૂમ મારીઃ ‘પકડાઈ ગયા.’

સ્વયંપ્રભાએ એક હાથે પકડ પકડી અને બીજા હાથે પાટા ખોલી નાખ્યા. તો તે શાશ્વત હતો. તે ઘડીભર સહેમી ગઈ. બંનેની નજર એક થઈ.

ત્યાં જ પ્રો.કિરણ તાળીઓ પાડતા બહાર આવ્યા.

‘શાબ્બાશ! ચોર પકડાઈ ગયો.’

શાશ્વત સ્તબ્ધ બની કિરણ સામે જોઈ રહ્યો.

પણ કિરણ નિખાલસ હાસ્ય વેરી રહ્યો હતો. શાશ્વતે એના શબ્દોમાંથી ર્ગિભતાર્થ ઢુંઢવા પ્રયાસ કર્યો, પણ સ્વયંપ્રભા બોલી ઊઠીઃ ‘તમને બધી જ બાબતમાં શું મજાક સૂઝે છે?’

‘મજાકથી ના જીવું તો વહેલો મરી જાઉં, સ્વયંપ્રભા!’ કિરણે હસીને કહ્યું.

‘બસ, બહુ થયું હવે.’ સ્વયંપ્રભાએ ઠપકાભર્યા સ્વરમાં કહ્યું.

શાશ્વત અને કિરણ સોફા પર બેઠા. શાશ્વતે પૂછયું: ‘કેમ છે કિરણ?’

કિરણ બોલ્યોઃ ‘કોણ જાણે કેમ, પણ હવે મને સારું લાગે છે. બે દિવસથી સ્ફૂર્તિ પણ લાગે છે. જોને મારો ચહેરો… તારાં ઈન્જેક્શન્સ અસર કરતાં હોય એમ લાગે છે.’

‘ધેટ્સ ફાઈન… તું હવે સારો થઈ જઈશ.’ કહેતાં શાશ્વત ઉમેર્યું: ‘એની વે… હું તને કહેવા આવ્યો હતો કે કાલથી ચારપાંચ દિવસ માટે શહેર તરફ જાઉં છું. પાછા આવતી વખતે ડો.વિશાખાને પણ સાથે લેતો આવીશ. એ તને રૂટિન ચેક-અપ કરી લેશે. તારે કાંઈ મંગાવવું છે?’

‘નહીં રે! મારે તો કાંઈ જોઈતું નથી. સ્વયંપ્રભાને કાંઈ મંગાવવું હોય તો પૂછી લે.’

સ્વયંપ્રભા બોલીઃ ‘મારે કાંઈ જોઈતું નથી.’

‘ઠીક છે તો હું જાઉં છું.’ એમ કહીને શાશ્વત ઊઠયો.

બીજી તરફ પ્રો.કિરણે સિગારેટ સળગાવી. શાશ્વત બારણા સુધી જઈ પાછો આવ્યો. એણે કિરણના મોંમાંથી સિગારેટ પાછી ખેંચી લઈ ફેંકી દીધી અને વળી ચાલતો થયો.

સ્વયંપ્રભા પણ ઠપકાભરી નજરે કિરણ સામે જોઈ રહી.

૦ ૦ ૦

રાત્રિનો આરંભ થઈ ચૂક્યો છે. ગામ આખુંયે જંપી ગયું છે; ક્યાંક ક્યાંક કૂતરાં ભસવાનો અવાજ સંભળાઈ રહ્યો છે. કિરણ હજી ટેબલ લેમ્પના સહારે વાંચી રહ્યો છે.

સ્વયંપ્રભા દૂધનો ગ્લાસ લઈને પ્રવેશે છે.

કિરણ પુસ્તકમાં જ નજર રાખીને પૂછે છેઃ ‘કેટલા વાગ્યા?’

‘દસ’

‘ઓહ!’ પુસ્તકને બાજુમાં મૂકતાં તે બોલ્યોઃ ‘તો તો ઠીક ઠીક મોડું થયું.’

‘હા.’ કહેતાં સ્વયંપ્રભા બોલીઃ ‘બેબી આજે જલદી ઊંઘતી નહોતી.’

સ્વયંપ્રભાએ દૂધનો ગ્લાસ બાજુમાં મૂક્યો. કિરણનો ટેબલ લેમ્પ ઓફ કરી ભૂરી રોશની વેરતો નાઈટ લેમ્પ ચાલુ કર્યો.

બરાબર એ જ સમયે થોડેક દૂર આવેલી કોટેજ હોસ્પિટલના ક્વાર્ટરમાં એક ખંડમાં રોશની પથરાયેલી છે. એ રૂમમાં શાશ્વત પણ હજી જાગે છે. એણે એના ખંડમાંથી જોયું તો દૂર દૂર સ્વયંપ્રભાના બેડરૂમની બારીમાંથી હમણાં જ શ્વેત પ્રકાશ અદૃશ્ય થયો અને બારીમાં ભૂરી રોશની દેખાઈ.

દૂર દૂર ક્યાંક ડાકલું બજી રહ્યું છે.

આ તરફ સ્વયંપ્રભાની આંખોમાં પણ ઊંઘ નથી. એ એના શયનખંડની બારીમાંથી જોઈ રહી તો દૂરના કોટેજમાં એક બારીમાં હજીયે પ્રકાશ ફેલાયેલો છે અને એક આદમી ખંડમાં આંટા મારે છે. એ શાશ્વત છે એ સ્વયંપ્રભાથી અજાણ નહોતું.

કિરણે બારીમાં સ્થિર થઈ ગયેલી સ્વયંપ્રભાને બોલાવીઃ ‘સ્વયંપ્રભા’

સ્વયંપ્રભા ચમકી ગઈ.

‘શું થયું સ્વયંપ્રભા?’

‘કાંઈ નહીં… કાંઈ નહીં.’ કહેતાં સ્વયંપ્રભાએ બારી બંધ કરી દીધી.

પેલી તરફ શાશ્વતે સ્વયંપ્રભાની બારી બંધ થતી જોઈ. એના હૈયા પર જાણે કે હથોડો વીંઝાયો. એ હતાશ બન્યો. અને અંધારા તરફ કેટલીયે વાર તે નિહાળી રહ્યો.

ડાકલું જોર જોરથી બજી રહ્યું હતું.

અહીં સ્વયંપ્રભાના બેડરૂમમાં કિરણ અને સ્વયંપ્રભા વચ્ચે વાતચીત ચાલુ હતી.

કિરણે પૂછયું : ‘બારી કેમ બંધ કરી દીધી?’

‘ઠંડો પવન વાતો હતો.’ સ્વયંપ્રભાએ કિરણ સામે નજર મિલાવ્યા વિના પલંગમાં આડા પડતાં કહ્યું.

‘પણ તને તો બારી બંધ હોય તો મૂંઝવણ થાય છે.’

‘હા… પણ આજે પવન જરા વધુ છે.’ કહેતાં સ્વયંપ્રભા બ્લેન્કેટ ઓઢીને કિરણની બાજુમાં જ સૂઈ ગઈ.

‘સ્વયંપ્રભા…’

‘હં…’

‘ઊંઘ નથી આવતી.’

‘પગ દબાવી દઉં?’ સ્વયંપ્રભાએ પૂછયું.

‘ના… મારી પાસે આવ.’

‘પણ…તમે?’ સ્વયંપ્રભા મૂંઝાઈ. છતાં એણે કિરણ તરફ પાસું ફેરવ્યું.

કિરણે સ્વયંપ્રભાના ગાલ પર હાથ ફેરવતાં કહ્યું : ‘તું ખરેખર સુંદર છે.’

‘આજે તમને…’ સ્વયંપ્રભા દ્વિધા અનુભવતી હતી.

‘મને કાંઈ થયું નથી. કેમ તને નથી ગમતું?’

‘પણ તમારી તબિયત સારી નથી… ને ડોક્ટરે તમને!’

‘જો સ્વયંપ્રભા, ડોક્ટરો પોતે કશું પાળતા નથી. બીજાને જ સલાહ આપ્યા કરતા હોય છે… આવ મારી પાસે આવ.’ કહેતાં કિરણે સ્વયંપ્રભાને પોતાની કરીબ ખેંચી.

સ્વયંપ્રભાએ હિચકિચાટ કરતાં ઉચ્ચાર્યું : ‘કિ…ર…ણ!’

‘તારા હોઠ મને ગમે છે.’ કિરણ સ્વયંપ્રભાના હોઠ પાસે પોતાના હોઠ લઈ ગયો.

ત્યાં જ શાંતિમાં ભંગ કરતો ડોરબેલ રણકી ઊઠયો. ઘડીભર બેઉ ચમકી ગયાં. સ્વયંપ્રભા ઝડપથી કિરણના સાંનિધ્યમાંથી અળગી થઈ ગઈ.

કિરણ બબડયો : ‘કોણ હશે અત્યારે?’

‘શું ખબર?’

‘તું જ જોને!’

અને સ્વયંપ્રભા ઊભી થઈ. વસ્ત્રો સરખાં કરતી તે બહારના રૂમ તરફ ગઈ.

એણે ડ્રોઇંગરૂમમાં જઈ લાઈટ કરી બારણું ખોલ્યું.

સ્વયંપ્રભા ચોંકી ગઈ.

બારણામાં ડો.શાશ્વત ઊભો હતો.

સ્વયંપ્રભાને થયું કે, અત્યારે આ વખતે શાશ્વત શા માટે આવ્યો હશે?

એ બોલીઃ ‘તમે?’

‘કેમ’ શાશ્વત બોલ્યોઃ ‘હું આવ્યો તે ના ગમ્યું?’

‘ના… ના, એવું નથી… પણ અત્યારે…?’

‘સ્વયંપ્રભા… જરૂરિયાતવાળો માણસ કોઈપણ સમયે આવી શકે.’

‘હું સમજી નહીં.’

‘મને એક સિગારેટ જોઈએ છે.’ શાશ્વતે માંગણી કરી.

સ્વયંપ્રભા વિચારમાં પડી ગઈ. એ શાશ્વતના ચહેરાને જોઈ રહી. તે સમજી ગઈ કે શાશ્વતને ઊંઘ આવતી નથી. એની આંખોમાં ઉદ્વેગ છે. હૈયામાં આગ છે. મનમાં સંતાપ છે અને બીજું ઘણું ઘણું.

સ્વયંપ્રભા બોલી : ‘પણ તમે તો કદી સિગારેટ પીતા નથી.’

‘સાચી વાત છે, પણ આજે પીવી છે. તલપ લાગી છે, એક સિગારેટ પ્લીઝ!’

દરમિયાન કિરણ ડ્રોઇંગરૂમમાં પ્રવેશ્યો. એના હાથમાં સળગતી સિગારેટ છે. ચહેરા પર ના સમજી શકાય તેવું સ્મિત છે. કિરણ બોલ્યો : ‘સિગારેટ, જરૂર મળશે… અને તે પણ સળગાવેલી… વાંધો તો નથીને!’

સિગારેટ લેતાં શાશ્વત બોલ્યોઃ ‘થેંક્સ…અને સોરી ટુ ડિસ્ટર્બ યુ. મારા મનમાં તમે લોકો જાગતાં જ હશો.’

શાશ્વતે સિગારેટના દમ મારવા માંડયા. સ્વયંપ્રભાની આંખોમાં ઠપકો હતો. એ બોલી શકી નહીં. તે જાણતી હતી કે આ સિગારેટ નહીં, પણ હૈયાં જલી રહ્યાં છે.

શાશ્વત બોલ્યો : ‘તમે લોકો સૂઈ જાવ, હું જાઉં છું.’

‘ડોક્ટર!’ કિરણે એને રોકતાં કહ્યું: ‘આખું પાકીટ જ લેતા જાવને. રાત્રે કદાચ ફરીથી આવવું ના પડે.’

શાશ્વત થોભ્યો.

એણે કિરણના વાક્ય પર વિચાર કર્યો. સ્વયંપ્રભાના માથામાં જાણે કે ફરી હથોડો વીંઝાયો. શાશ્વતે આખું પાકીટ હસ્તગત કર્યું અને ‘ગૂડ નાઈટ’ કહી ચાલતો થયો.

સ્વયંપ્રભા એને અંધારામાં અલોપ થતાં નિહાળી રહી.

૦ ૦ ૦

કિરણ અંદરના ખંડમાં ચાલ્યો ગયો.

સ્વયંપ્રભાએ બારણું બંધ કર્યું અને તે પણ બેડરૂમમાં આવી. કિરણ સૂવાને બદલે ટેબલ પાસેની ખુરશીમાં ગોઠવાયો.

સ્વયંપ્રભાએ પૂછયું : ‘તમારે સૂઈ જવું નથી?’

‘ના… તું સૂઈ જા.’

‘તમે?…’

‘હું ડાયરી લખવા બેસું છું.’

‘ખોટા ઉજાગરા કરવાની જરૂર નથી.’

‘મને ઊંઘ જ નથી આવતી પછી…’

‘હમણાં તો તમે સૂઈ ગયા હતા…અને…’

‘એ વાત જૂની થઈ સ્વયંપ્રભા…ગૂડ નાઈટ.’ કહેતાં કિરણે ટેબલ લેમ્પ ચાલુ કર્યો.

સ્વયંપ્રભા બિચારી બની એકલી એકલી પથારીમાં પછડાઈ. એને થોડીવાર પહેલાંનું દૃશ્ય યાદ આવ્યું. કિરણે એને પોતાની કરીબ ખેંચી હતી. ગાલ પંપાળ્યો હતો. હોઠ પણ બીડવાની કોશિશ કરી હતી અને એકાએક શું થયું? એ સમજી ગઈ. નથી કિરણને સુખ, નથી શાશ્વતને… સંવેદનાઓની અડાબીડમાં સહુ ભૂલાં પડયાં છે. સંજોગોમાં સહુ આમતેમ અટવાયા કરે છે.

સ્વયંપ્રભાએ ઓશિકામાં પોતાનું મોં છુપાવી દીધું. એ રડી રહી હતી. ઓશિકું ભીંજાઈ રહ્યું હતું. ડૂસકાં બહાર આવી રહ્યાં હતાં.

– (ક્રમશઃ)

 www.devendrapatel.in 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો