Sandesh popular author Devendra Patel Novel Savyamprabha Article 23
  • Home
  • Featured
  • સ્વયંપ્રભા બોલી:’શાશ્વત’, ગમે તેમ કરીને પણ મારી દીકરીને બચાવી લો!’

સ્વયંપ્રભા બોલી:’શાશ્વત’, ગમે તેમ કરીને પણ મારી દીકરીને બચાવી લો!’

 | 12:00 pm IST
  • Share

સૂરજ ઊગતાં જ ગામ પ્રવૃત્ત થઈ જાય છે. ચંદુ ગોવાળ રોજની જેમ આજે પણ ગાયોનું ધણ લઈને ગામનું પાદર છોડી રહ્યો છે.

વહેલી સવારે જ જીપ લઈને શાશ્વત સીધો સ્વયંપ્રભાના ઘેર પહોંચ્યો. એ સીધો જ ઉપરના માળે આવેલા બેડરૃમમાં સૂતેલી સ્વયંપ્રભાની દીકરી બેબી સુલેખા પાસે પહોંચ્યો. એણે જોયું તો બેબી આજે વધુ ફિક્કી પડેલી હતી. સ્વાતિ એની બાજુમાં જ પલંગ પર બેઠા બેઠા બેબીના માથા પર પોતાં મૂકી રહી હતી. સ્વયંપ્રભા પણ દીકરીના પગે ભીના પાણીનાં પોતાં મૂકી રહી હતી. બેબીની આંખો બંધ હતી.

શાશ્વતે તેની બેગ બાજુની ટીપોય પર મૂક્તાં ઉચ્ચાર્યુંઃ ‘હાય સ્વીટી… ગૂડ ર્મોિંનગ…આંખો ખોલ.’

બેબી સુલેખાએ આંખો ખોલી.

શાશ્વતે પૂછયુંઃ ‘કેમ છે બેટા તને?’

બેબી સુલેખા બોલીઃ ‘હું ઠીક છું, ડોક્ટર અંકલ.’

‘તું સાજી થઈ જઈશ, બેટા’ઃ શાશ્વતે કહ્યું.

બેબી સુલેખાએ સ્વયંપ્રભા સામે જોતાં પૂછયુંઃ ‘મમ્મી, આજે કઈ તિથિ છે?’

સ્વયંપ્રભા બોલીઃ ‘આજે સુદ બીજ છે.’

બેબી બોલીઃ ‘એટલે કે હું બીજા તેર દિવસ જીવીશ.’

સ્વયંપ્રભા બોલીઃ ‘એવું ના બોલ, બેટા.’

બેબી સુલેખા બોલીઃ ‘મમ્મી, પૂનમને હજુ તેર દિવસની વાર છે. ત્યાં સુધી તો હું તારી સાથે જ છુંને!’

સ્વયંપ્રભા રડી પડી.

શાશ્વત બોલ્યોઃ ‘એવું ના બોલ, બેટા. તને કાંઈ જ નહીં થાય.’

એ પછી શાશ્વતે બેબી સુલેખાની નાડી તપાસી. સ્ટેથોસ્કોપથી એના ધબકારા તપાસ્યા. એનું ટેમ્પરેચર માપ્યું. એ પછી શાશ્વતે કહ્યુંઃ ‘બેટા, તને કોઈ જ ગંભીર બીમારી નથી. પૂનમના ચંદ્રને અને તારી જિંદગીને કોઈ જ લેવાદેવા નથી. તને થોડો તાવ છે, તે મટી જશે. અમે તને મટાડી દઈશું.’

બેબી સુલેખા સ્વયંપ્રભા તરફ જોઈને બોલીઃ ‘મમ્મી, તમે તો કહેતાં હતાંને કે થોડા દિવસમાં પાપા આવી જશે. મમ્મી, તું કાંઈ કેમ બોલતી નથી. પૂનમ પહેલાં તો આવી જશેને!’

‘હા, બેટા!’ઃ બોલતાં સ્વયંપ્રભા ફરી રડી પડી.

સ્વાતિએ પણ ડૂસકું લીધું.

બેબી બોલીઃ ‘માસી, તું રડે છે. તું રડ નહીં. પાપા આવશે એટલે આપણે બધા જ દૂર દૂર ફરવા જઈશું. પાપા મને કહેતા હતા કે તને પહાડો બતાવીશ. દરિયો બતાવીશ.’

‘હા… હા?’ સ્વાતિએ એના માથા પર હાથ ફેરવ્યો. ‘આપણે બધા જ ફરવા જઈશું. પાપા આવતા જ હશે.’

અને અંકુશ ન રાખી શકતાં સ્વાતિ બીજા ખંડમાં દોડી ગઈ.

૦ ૦ ૦

સાંજના સમયે સ્વાતિ મંદિરે પહોંચી ગઈ. આરતીને હજી વાર હતી. મંદિર સૂનું સૂનું હતું.

સ્વાતિએ ખોળો પાથરતાં માની ર્મૂિત સમક્ષ આજીજી કરીઃ ‘મા! હું તારી આગળ ખોળો પાથરીને એક નાનકડા જીવની ભીખ માગું છું. મારે કાંઈ જ સુખ જોઈતું નથી. મા! તારે જરૃર હોય તો મને લઈ લે, પણ અમારા એક ફૂલને બચાવી લે… અમારા પર દયા ઔકર મા.’

અને ધીમે ધીમે દર્શનાર્થીઓ મંદિરમાં પ્રવેશે છે, પણ સ્વાતિ હજીયે પ્રાર્થનામાં લીન થઈને બેઠી છે.

૦ ૦ ૦

વધુ એક દિવસ પસાર થઈ ગયો.

વહેલી સવારે એક બ્રાહ્મણ ઊગતા સૂરજને જળ અર્પણ કરી રહ્યા. રામનગર ફરી હલનચલન કરતું દેખાયું.

આજે પણ ડો. શાશ્વત ફરી એક વાર સવારે જ બેગ લઈ સ્વયંપ્રભાના ઘેર પહોંચ્યો. એ સીધો જ ઉપરના માળે જે રૃમમાં બેબી સુલેખા હતી તે રૃમમાં પહોંચ્યો. સ્વયંપ્રભા અને સ્વાતિ બેબીની બાજુમાં બેઠેલાં હતાં. સ્વયંપ્રભા દીકરીના માથે હાથ ફેરવી રહી હતી. બંને નિશબ્દ હતાં. શાશ્વતે બેગ બાજુમાં મૂકતાં બેબી સુલેખાના કપાળે હાથ મૂક્યો. આજે એને વધારે તાવ હોય તેમ લાગ્યું. શાશ્વતે એક પણ શબ્દ બોલ્યા વિના એક ઈંજેક્શન તૈયાર કરી બેબી સુલેખાને આપ્યું અને ધીમેથી બોલ્યોઃ ‘કેમ છે બેટા?’

બેબી સુલેખા બોલીઃ ‘ડોક્ટર અંકલ, હવે પૂનમની આડે માત્ર બાર જ દિવસ છે. એ પહેલાં મારા પાપાને બહારગામથી બોલાવી લો. હું ચંદામામાના ઘેર જતી રહું એ પહેલાં મારે પાપાને જોવા છે.’

સ્વયંપ્રભાથી ન રહેવાતા તે ઊભી થઈને બીજા રૃમમાં જતી રહી. સ્વાતિએ રડવું દબાવીને બેબીના કપાળે હાથ મૂક્યો. એ બોલીઃ ‘એવું ના બોલ, બેટા… પાપા બહુ દૂરના ગામે ગયા છે, આવી જશે.’

શાશ્વતે સામેની દીવાલ પર લટકતા તિથિતોરણ-કેલેન્ડર પર નજર કરી. આજે સુદ ત્રીજ હતી. એ સીધો બીજા રૃમમાં જતી રહેલી સ્વયંપ્રભા પાસે ગયો. સ્વયંપ્રભા પાસે જઈ તે બોલ્યોઃ ‘સ્વયંપ્રભા, મને લાગે છે કે બેબીને ન્યૂમોનિયા છે. તેને મેં ઈંજેક્શન તો આપ્યું છે. મને ખાતરી છે કે એ ઈંજેક્શનથી ન્યૂમોનિયા તો મટી જશે પણ…!’

‘પણ શુંઃ’ સ્વયંપ્રભાએ રડતાં રડતાં પૂછયું.

શાશ્વત બોલ્યોઃ ‘મને લાગે છે કે બેબીને કોઈ સાંભળેલી વાર્તાની સાઇકોલોજિકલ અસર થઈ ગઈ છે. એનો જીવ પૂનમના ચંદ્રમા સાથે માનસિક રીતે ચોંટી ગયો છે. એની જીવવાની આશા ખતમ થઈ ગઈ છે. હવે એક જ ઉપાય છે.’

‘શું?’ઃ સ્વયંપ્રભા બોલી.

‘જો સ્વયંપ્રભા, જ્યારે તબિયત વિજ્ઞાાનની મર્યાદા પૂરી થઈ જાય છે ત્યારે ધર્મ અને આસ્થાનું વિજ્ઞાાન શરૃ થાય છે. કહેવાય છે કે એક દિવસ બધા જ ‘વિજ્ઞાાન સહિતના ધર્મ’માં પરિર્વિતત થશે. ઓલ સાયન્સીઝ વિલ એન્ડ, ઈન્ટુ રિલિજિયન.’

‘તો હું શું સમજું?’

ઈશ્વર પર શ્રદ્ધા રાખો. ઈશ્વરને પ્રાર્થના કરો. પ્રાર્થનામાં પણ જબરદસ્ત તાકાત છે. ઈશ્વરને નજર સમક્ષ રાખી કોઈ સંકલ્પ કરો. સારું પરિણામ જ આવશે.

શાશ્વત આ બોલી રહ્યો હતો તે વખતે સ્વાતિ એ રૃમના બારણા પાસે ઊભી રહી ધ્યાનપૂર્વક શાશ્વતની વાત સાંભળી રહી. એ વાત સાંભળીને તે પાછી બેબી સુલેખાના રૃમમાં જતી રહી.

૦ ૦ ૦

સ્વયંપ્રભા અને શાશ્વતે સ્વાતિને જતી જોઈ. સ્વયંપ્રભા શૂન્યમનસ્ક બની ગઈ.

ફરી એક વાર શાંતિ પથરાઈ. સ્વયંપ્રભાએ દીવાલ પર લટકતા કેલેન્ડર પર અર્જુનના રથના સારથી બનેલા ભગવાન શ્રીકૃષ્ણ તરફ જોયું. એ બોલીઃ ‘હે ભગવાન, મારી દીકરીને બચાવી લો. ફરી એક વાર રૃમમાં શાંતિ પથરાઈ.’

થોડી વાર પછી સ્વયંપ્રભા અને શાશ્વત બેઉ બેબી સુલેખાના રૃમમાં ગયાં. સ્વાતિ અહીં નહોતી. વાતાવરણ ગમગીન હતું.

બરાબર એ વખતે નીચે ભગવાનના મંદિરમાં સ્વાતિ ઈશ્વરની ર્મૂિત સમક્ષ આંખો બંધ કરીને બેઠેલી હતી.

૦ ૦ ૦

એક વધુ દિવસ પણ વીતી ગયો.

રોજની જેમ આજે પણ શાશ્વત બેગ લઈને સ્વયંપ્રભાના ઘેર ગયો. એ સીધો ઉપરના માળે આવેલા બેબી સુલેખાના બેડરૃમમાં ગયો. એણે જોયું તો આજે એકલી સ્વયંપ્રભા જ બેબી પાસે બેઠેલી હતી. સ્વાતિ રૃમમાં ક્યાંયે દેખાતી નહોતી.

શાશ્વતે બેબી સુલેખાને તપાસી. તેની આંખો બંધ-ઉઘાડ થતી હતી. ટેમ્પરેચર તપાસવા એણે થર્મોમીટર બેબીના મોંમાં મૂક્યું.

ઘડિયાળની ટકટક પણ હવે સ્પષ્ટ સાંભળી શકાતી હતી.

થોડીક ક્ષણો પછી શાશ્વતે થર્મોમીટર પાછું ખેંચી લીધું. એનો આંક જોઈને એ પણ એટલું જ બબડયા! ‘ઓ…હ!’

એણે બેબી તરફ જોયું.

એ બિચારી કણસી રહી હતી.

સ્વયંપ્રભાએ એના માથે હાથ મૂક્તાં કહ્યુંઃ ‘શું થાય છે બેટા?’

અને આંખો બંધ રાખીને જ બેબી બોલીઃ ‘મમ્મી! પાપા મને બોલાવતા હોય એમ ઔલાગે છે.’

સ્વયંપ્રભાએ બેબીના માથાને પોતાના ખોળામાં લઈ લીધું.

એ વખતે એકાએક બેબીના ફિક્કા ચહેરા પર સ્મિત છવાયું. જાણે કે એ હસી રહી હતી. સ્વયંપ્રભા અને શાશ્વત પણ વિચારમાં પડી ગયાં. કોઈ કશું બોલ્યું નહીં.

બેબી ત્રુટક ત્રુટક બોલી રહી હતીઃ ‘ઓહ પાપા…! તમે આવી ગયા… વાહ રે! આપણે તો પરીઓના દેશમાં આવી ગયાં… અરે…પાપા લો તમારું મફલર. હું ટૂરમાં ગઈ હતી ત્યારે લાવી હતી…’

સ્વયંપ્રભા કાંઈ બોલવા જતી હતી, પણ શાશ્વતે આંગળી દાબી એને ચૂપ રહેવા સૂચના આપીઃ ‘બેબી સ્વપ્ન જોઈ રહી છે.’

બેબી બોલી રહી હતીઃ ‘અરે પાપા… આ તો દરિયો આવી ગયો. વાહ! કેવાં સરસ મોજાં છે? અને આ તો વાદળો… જુઓ પેલો પર્વત કેવડો મોટો છે? હવે પાપા આપણે સાથે જ રહીશું… મારે પાછા નથી જવું. અરે અરે… હું તો પડી ગઈ પાપા…’

અને બેબી પથારીમાં જ આંચકો ખાઈ ગઈ.

હજુયે તે બોલી રહી હતીઃ ‘હું પડી ગઈ પાપા… હું પડી ગઈ.’

સ્વયંપ્રભાએ કહ્યુંઃ ‘બેટા, તું તો પથારીમાં છે.’

બેબીએ પાંપણો ઊંચકીઃ ‘તો પાપા ક્યાં ગયા…?’

અને એણે ઊઠવાની કોશિશ કરી, પણ સહુએ એને માંડ સમજાવીને પાછી સુવાડી દીધી. બેબીએ ફરી આંખો બંધ કરી, પણ બંધ આંખોના ખૂણામાં ચમકતાં બે નાનકડાં જલબિંદુઓને શાશ્વત નિઃસહાય બનીને જોઈ રહ્યો.

૦ ૦ ૦

અને એ રાત્રે મોડે સુધી ડો. શાશ્વતના ક્વાર્ટરમાં બત્તી જલતી હતી. રાત બરાબર જામી હતી. તમરાનો અવાજ ગુંજતો હતો. ગામ આખુંય નિદ્રાધીન હતું.

ટેબલ-લેમ્પના સહારે શાશ્વત કેટલાંક આધ્યાત્મિક પુસ્તકો વાંચી રહ્યો હતો. એ શાયદ એવું શાોધવા માંગતો હતો કે માનવીના મોતને અને ચંદ્રમા સાથે સંબંધ ખરો?

શાશ્વત વાંચવામાં મગ્ન હતો ત્યાં ડોરબેલ રણકી ઊઠયો. તે વિચારમાં પડી ગયો કે આટલી મોડી રાત્રે કોણ હશે?

એણે ઊભા થઈને બારણું ખોલ્યું. સામે સ્વયંપ્રભા ઊભી હતી.

શાશ્વત બોલ્યોઃ ‘સ્વયંપ્રભા…?’

‘હા…!’ સ્વયંપ્રભા આજે જુદી જ લાગતી હતી. તે બોલી રહીઃ ‘હું તમારી પાસે મારી દીકરીની જિંદગીની ભીખ માંગવા આવી છું. તમે તો ડોક્ટર છો. પરદેશ જઈને ભણી આવ્યા છો. ગમે તેમ કરો, પણ મારી દીકરીને બચાવી લો. આખી જિંદગી તમારી નોકરડી થઈને રહીશ. તમારા ઉપકારના બદલામાં મારી ચામડીનાં જોડાં સીવડાવી આપીશ, પણ મારી દીકરીને બચાવી લ્યો…’

બોલતાં બોલતાં સ્વયંપ્રભા એકાએક શાશ્વતના પગમાં બેસી ગઈ અને શાશ્વતનાં ચરણ પકડી રહી.

શાશ્વતે સ્વયંપ્રભાને પકડી લેતા કહ્યુંઃ ‘આ શું કરે છે સ્વયંપ્રભા?! ધીરજ રાખ, બેબીની જેટલી ચિંતા તને છે એથી વધુ મને છે… થોડી ધીરજ રાખ…’

‘ધીરજ કેવી રીતે રાખું? એનો જીવ તો પેલા ર્પૂિણમાના ચંદ્રમાં ભરાયો છે. તમે જાણો છોને કે હવે પૂનમ પણ આવી જશે. પછી…?’

શાશ્વત એટલું જ બોલ્યોઃ ‘ધીરજ રાખ, સ્વયંપ્રભા. ઈશ્વર દયાળુ પણ છે. ગોડ ઈઝ ગ્રેટ એન્ડ કાઈન્ડ ટુ.’

સ્વયંપ્રભા મૌન રહી.

શાશ્વતે બારીની બહાર નજર કરી તો બહાર અંધારું તો હતું, પરંતુ ચંદ્રમા રોજે રોજ વધુ ને વધુ વિકસિત થઈ રહ્યો હતો. બહાર પવનનું જોર વધ્યંુ હતું. બહાર સુસવાટા મારતો પવન રાતને વધુ ભયાનક બનાવી રહ્યો હતો.

૦ ૦ ૦

એક વધુ સવાર.

આજે સવારે તો સ્વયંપ્રભાના પિતા વસંતરાય અને તેના માતા વાસંતીબહેન બેઉ સ્વયંપ્રભાના ઘેર ઉપરના બેડરૃમમાં બેબી સુલેખાની પાસે બેઠેલાં હતાં. તેમના ચહેરા વિષાદથી ઘેરાયેલા અને ચિંતાગ્રસ્ત હતા. વાસંતીબહેન બેબીના કપાળ પર હાથ મૂકીને બોલ્યાંઃ ‘હે ભગવાન! ગમે તેમ કરીને અમારી દીકરીને બચાવી લો.’

સ્વયંપ્રભાની આંખમાં આંસુ હતાં.

એટલી જ વારમાં શાશ્વત આવી પહોંચ્યો. એણે બેગ બાજુએ મૂક્તા બેબી સુલેખાને તપાસી. ટેમ્પરેચર હટવાનું નામ લેતું નહોતું. આટલા દિવસથી એણે કાંઈ જ ખાધંુ નહોતું. એનો ચહેરો વધુ ફિક્કો પડયો હતો.

શાશ્વત બોલ્યોઃ ‘સ્વયંપ્રભા, મને લાગે છે કે બેબીને ડ્રીપ આપવી પડશે. એણે કાંઈ ખાધુંપીધું ન હોય તો ગ્લુકોઝ આપવો જરૃરી છે. હું હોસ્પિટલ જઈને કોઈ નર્સને મોકલી આપું છું.’

વાસંતીબહેન બોલ્યાંઃ ‘બેટા, આંખો ખોલ… જો ડોક્ટર સાહેબ આવ્યા છે તને સારું થઈ જશે. આંખો ખોલ.’

બેબી સુલેખાએ આંખો ખોલી. એ હોઠ ફફડાવતાં બોલવા લાગી… એ બબડતી હતીઃ ‘પાપા… પાપા… હું આવી રહી છું હોં! હવે તમારે બહુ રાહ જોવી નહીં પડે. પાપા, તમે તો ના જ આવ્યાને! કાંઈ નહીં. અમે જ તમારી પાસે આવીશું. આ લોકો બધું જ જૂઠું જૂઠું કહે છે…’

અને હવે તમામ સભ્યોએ પોતાનું મન મજબૂત કરી લીધું હતું. સહુએ આવી રહેલી ઘટનાનો સામનો કરવા માનસિક તૈયારી કરી લીધી હતી.

કોઈ દિવસ નહીં ને એ સાંજે શાશ્વત મંદિરમાં ગયો. સૂમસામ મંદિરમાં માની ર્મૂિત પાસે ઊભો રહ્યો.

એ બોલ્યોઃ ‘મા… હું કદી તારા શરણે આવ્યો નથી. મેં જિંદગીમાં ઘણું ગુમાવ્યું છે. છતાંયે કદી તારી પાસેથી કાંઈ માગ્યું નથી. આજે પણ મારા માટે ભીખ માંગવા હું નથી આવ્યો… પણ મારે તારો જવાબ જોઈએ છે. મા! તું તો જગતજનની છેને? તો તારા સર્જેલા આ વિશ્વમાં અન્યાય શા માટે? અમારી સહુ પર આટઆટલાં સંકટો શાને કાજે? જો મા, અમે બધાં જ દુઃખી છીએ. વિશાખા મને પામી શકતી નથી. હું સ્વયંપ્રભાને નહીં. સ્વયંપ્રભા એની દીકરીને બચાવી શકતી નથી. સ્વાતિ અને સુકુમાર પણ આ આગમાં બળ્યા કરે છે. હું તને પૂછું છું કે અમે આટલાંઆટલાં દુઃખી શા માટે? મા, સાંભળ્યું હતું કે તું તો દયાળુ છે. એક નાનકડું ફૂલ ખીલે એ પહેલાં તું તો એને લઈ લેવા તૈયાર થઈ છે. તારે જોઈએ તો મારો ભોગ લઈ લે, પણ એક નાનકડા ફૂલને બચાવી લે. એમ નહીં થાય તો આખા જગતને તારા પરથી વિશ્વાસ ઊઠી જશે.’

અને અચાનક ગીતાના શ્લોકો શાશ્વતના કાને અથડાયા. એણે નજર કરી તો પાછળ સ્વયંપ્રભા એ શ્લોક ઉચ્ચારી રહી હતીઃ ‘ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ’

મંદિરમાં ભગવાન શ્રી રામની પણ ર્મૂિત હતી અને બીજા ગોખમાં મા અંબાની પ્રતિમા પણ હતી.

હવે સાંજ ઝડપથી રાત્રિમાં ફેરવાતી જતી હતી. મંદિરમાં દીવા ટમટમવા લાગ્યા હતા. આરતીનો સમય થઈ ગયો હતો. દર્શનાર્થીઓ મંદિરમાં આવવા લાગ્યા હતા.

આરતી આરંભાઈ અને પૂરી પણ થઈ. બહાર હવે અંધારું વધ્યું હતું.

૦ ૦ ૦

આરતી પત્યા બાદ શાશ્વત પણ સ્વયંપ્રભાની સાથે જ તેના ઘેર ગયો. ઉપરની મેડી પરના રૃમમાં બેબીના પાસે સ્વાતિ, વસંતરાય અને વાસંતીબહેન બેઠેલાં હતાં. શાશ્વતે ફરી એક વાર બેબીની નાડી તપાસી અને તે બોલ્યો. ‘બેટા સુલેખા… આંખો ખોલ!’

બેબીએ આંખો ખોલી. એણે પહેલી નજર ઝરુખાની બારી પર નાંખી. બારીમાંથી વિકસિત ચંદ્રમા દેખાતો હતો. બેબી બોલીઃ ‘ડોક્ટર અંકલ, આજે નોમ થઈને? હવે થોડા દિવસ બાદ ચંદ્રમા ખીલી ઊઠશે. એ રાત્રે તેઓ મને લેવા એક પરી મોકલશે.’

અને સ્વાતિએ ચિત્કારીને કહ્યુંઃ ‘ના… નહીં હું તને મરવા નહીં દઉં બેટા, હું તને મરવા નહીં દઉં.’

એમ કહેતાં તે સૂતેલી બેબીને બાઝી રહી. એટલામાં બેબી સુલેખાએ ફરી એની આંખો બંધ કરી દીધી.

સ્વયંપ્રભા ધૂસકે ધ્રૂસકે રડી પડી. વસંતરાય અને વાસંતીબહેન પણ રડી પડયાં. સ્વાતિને તો છાની રાખવી જ મુશ્કેલ હતી. કોણ કોને છાનું રાખે? શાશ્વત પણ હવે નિઃશબ્દ હતો.

એટલામાં સ્વાતિ બોલી ઊઠીઃ ‘યમદૂત આવશે તો હું એનું લોહી પી જઈશ, પણ હું તને મરવા નહીં દઉં, બેટા.’

અને એ રૃમમાં એક સન્નાટો છવાયો.

સ્વાતિ એકલી જ સ્વસ્થ હતીઃ તે સ્વયંપ્રભા સામે જોતાં બોલીઃ ‘બહેન, આજથી હું અન્ન અને જળનો ત્યાગ કરું છું. આજથી પૂનમ સુધી અને જરૃર પડે તો બેબી સાજી ન થાય ત્યાં સુધી હું નિર્જળા ઉપવાસ કરીશ. આ મારો સંકલ્પ છે. મારા સંકલ્પની આડે જે કોઈ આવે તેને બેબી સુલેખાના સમ છે.’

સ્વાતિના અન્નજળના ત્યાગનો સંકલ્પ સાંભળી બધાં સ્તબ્ધ થઈ ગયાં. પછી એણે બેબી સુલેખાના સમ આપી આ સંકલ્પ કર્યો હોઈ બધાં મૌન થઈ ગયાં.

સ્વાતિ પલંગમાંથી ઊભી થઈ અને બહાર નીકળી. શાશ્વતે પૂછયુંઃ ‘ક્યાં જાય છે સ્વાતિ?’

એ બોલીઃ ‘મારી પાછળ આવશો તો મારો સંકલ્પ તૂટશે!’

સ્વયંપ્રભા બોલીઃ ‘પણ તું ક્યાં જાય છે એ તો કહે?’

પરંતુ સ્વાતિ કોઈ પણ જવાબ આપ્યા વિના મેડીના પરથી નીચે ઊતરી ગઈ અને બારણું ખોલી ક્યાંક બહાર ચાલી ગઈ.

હવે ઉપરના બેડરૃમમાં શાશ્વત, સ્વયંપ્રભા, વસંતરાય અને વાસંતીબહેન એટલાં જ પલંગમાં સૂતેલી બેબીની આસપાસ વીંટળાયેલાં હતાં.

એટલામાં બેબીએ ફરી આંખો ખોલી અને ઝરુખાની બારીની બહાર નજર કરી. આજે નોમનો ચંદ્રમા વધુ દેદિપ્યમાન બન્યો હતો.

ચંદ્ર તો એનું કામ કર્યે જ જતો હતો.

– (ક્રમશઃ)

— www.devendrapatel.in

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો