ફત્તેવાડ઼ી કેનાલમાં રિયાલિટી ચેક દરમિયાન જોવા મળી ખાલીખમ કેનાલ - Sandesh
  • Home
  • Ahmedabad
  • ફત્તેવાડ઼ી કેનાલમાં રિયાલિટી ચેક દરમિયાન જોવા મળી ખાલીખમ કેનાલ

ફત્તેવાડ઼ી કેનાલમાં રિયાલિટી ચેક દરમિયાન જોવા મળી ખાલીખમ કેનાલ

 | 11:39 am IST

ખેતરમાં પાણી વગર ઉભો પાક મુરજાઈ જવાની બનેલી ઘટનાને પગલે ખેડૂતો દ્વારા ધરણાં યોજી ઉપવાસ આંદોલન કરીને નર્મદાનું 600 ક્યૂસેક પાણી છોડવામાં આવે તેવી માંગણી કરાયા બાદ સરકાર દ્વારા પાણી છોડવામાં આવ્યું હોવાના કરાયેલા દાવા વચ્ચે ગામડાઓમાં કેનાલનું પાણી નહિં પહોંચવાની ઉઠેલી ફરિયાદને પગલે સંદેશે રીયાલિટી ચેક કરવા પ્રયત્ન કર્યો હતો. જેમાં સંદેશ ટીમે લીધે સ્થળની જાત મુલાકાતમાં કેનાલ ખાલીખમ જોવા મળી હતી. સરકાર દ્વારા પાણી છોડવાના કરાયેલા દાવા પોકળ હોવાનું ખુલ્યું હતું.

અમદાવાદના સાણંદ, ધોળકા, દસક્રોઈ  સહિતના તાલુકાના ખેડૂતો પાણીના પ્રશ્ને ઉપવાસ આંદોલન પર બેસીને ઓછામાં ઓછું નર્મદાનું 600 ક્યૂસેક પાણી છોડવામાં આવે તેવી માંગણી કરી હતી. આમછતાં ગામડાઓમાં પાણી ન પહોંચતા ખેડૂતો વિસલપુર કેનાલ પર ધસી ગયા હતા. ધરણાં સાથે ઉપવાસ આંદોલન યોજી નર્મદાનું પાણી ખેતી માટે આપવા માંગણી કરી હતી. જો કે સરકાર દ્વારા અત્યારસુધીમાં 530 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. એ સિવાય વધારાનું પણ 130 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું.

એટલું જ નહિં રવિવારે સરકારના મંત્રક્ષી કલ્યાણી દ્વારા ખેડૂતોને પારણાં કરાવવામાં આવ્યા હતા. ખેડૂતોને જરૂરિયાત મુજબનું પાણી મળશે. આજથી દસ દિવસ રોજ પાણી આપવામાં આવશે. એ પછી દર અઠવાડિયે પાણી આપવામાં આવશે, તે કેટલું આપવામાં આવશે તે નક્કી કરાશે તેવી મસમોટી જાહેરાતો કરવામાં આવી હતી. ફત્તેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હોવાનું કહેવાયું હતું. જો કે આ પાણીને ધરતી ગળી ગઈ હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. સોમવારે કરાયેલા રીયાલિટી ચેક દરમિયાન કેનાલમાં પાણી જોવા મળ્યું ન હતું.

કેનાલની બાજુના ખેતરમાં ડાંગરનો ઉભો પાક સુકાઈ રહ્યો છે. વાસણા, ઢેઢાળ ગામના ખેતરો સુધી હજી પણ પાણી ન પહોંચતા ખેડૂતો ચિંતામાં જોવા મળ્યા હતા. સમયસર પાણી ન છોડાતા ખેતીને નુકસાન થઈ રહ્યું છે.

સંદેશની ટીમ ડરેણ ગામે પહોંચી હતી. ત્યાં પાણી પહોંચ્યુ નથી. કેનાલ ખાલીખમ જોવા મળી હતી.