Sandesh Special Story on Gujarat Flood
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ‘તૌકતે’ બાદ સૌરાષ્ટ્રમાં વધુ એક તારાજી, આકાશી આફતથી લોકો થયા બેહાલ

‘તૌકતે’ બાદ સૌરાષ્ટ્રમાં વધુ એક તારાજી, આકાશી આફતથી લોકો થયા બેહાલ

 | 9:22 pm IST
  • Share

ગુજરાતમાં ભાદરવા મહિનાની શરૂઆતથી જ મેઘરાજા મહેરબાની કરી રહ્યાં છે. એમાંય છેલ્લા બે દિવસથી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર કાર તણાઈ રહી છે, લોકોના ઘર પાણીમાં ગરક થઈ ગયા છે, ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, ત્યારે NDRFની ટીમો લોકોને રેસ્ક્યૂ કરી રહી છે.

બીજી તરફ હવામાન વિભાગે હજુ પણ આગામી 4-5 દિવસો સુધી ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. જ્યારે માછીમારોને દરિયો ના ખેડવાની સલાહ આપવામાં આવી છે.

18 સ્ટેટ હાઈવે સહિત રાજ્યમાં 206 રસ્તા બંધ
ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે. હાલ 18 સ્ટેટ હાઈવે સહિત રાજ્યમાં 206 રસ્તાઓ અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે.

જેમાં જામનગરમાં એક નેશનલ હાઈવે સહિત 38 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. આ સિવાય 162 પંચાયત હસ્તકના રસ્તાઓ પર અવરજવર બંધ કરવામાં આવી છે.

આજ રીતે રાજકોટમાં 6 સ્ટેટ હાઈવે સહિત 39 રસ્તાઓ બંધ છે. જ્યારે વલસાડમાં 34, જૂનાગઢમાં 23, પોરબંદરમાં 15 સહિત અન્ય 20 રસ્તાઓ પર પાણી ફરી વળતા બંધ કરવામાં આવ્યા છે.

ખેડૂતો માટે મેઘ મહેર નહી મેઘ કહેર સાબિત થઈ
સૌરાષ્ટ્રમાં પડેલા મૂશળધાર વરસાદના પગલે ખેડૂતોને પણ વ્યાપક નુક્સાન ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં ઉભો પાક નાશ પામ્યો છે. આકાશમાંથી વરસેલી આફતના કારણે ખેતીની જમીનનું ધોવાણ થઈ ગયું છે. મરચા, રીંગણા, કપાસ, મગફળી, ડુંગળી, કોબિજ સહિતના પાકોને વ્યાપક નુક્સાન થયું છે. ખેડૂતો સરકાર સમક્ષ વહેલામાં વહેલી તકે સર્વે કરીને ખેડૂતોને નુક્સાનીનું વળતર ચૂકવવાની માંગ કરી રહ્યાં છે.

જો વિસાવદરની વાત કરીએ તો, ખેતરોની અંદર મગફળીના પાક ઉપર બેથી ત્રણ ફૂટ સુધીના પાણી ફરી વળ્યા છે. હજુ પણ પાણીનો પ્રવાહ અવિરત ચાલુ જ છે. ખેડૂતો ભીતિ વ્યક્ત કરી રહ્યા છે કે, જો વરસાદ બંધ નહીં થાય તો આ પાણી પાંચ થી સાત દિવસ સુધી ખેતરોમાં ભરેલું રહેશે. જેથી મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુક્સાન થશે અને વાવેતરનો કરેલ ખર્ચ પણ પાણીમાં જશે. આથી મેઘ મહેર સમગ્ર સૌરાષ્ટ્ર પંથક માટે મેઘ કહેર સાબિત થઇ રહી છે.

પશુઓ તણાયા, જીવ બચાવવા લોકો ધાબે ચડ્યાં
સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની હાલત વધારે કફોડી બની છે. અનેક ગામોમાં લોકો જીવ બચાવવા ધાબે ચડી ગયા છે, જ્યાં NDRFની ટીમ દ્વારા તેઓને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ પશુધન પણ તણાઈ જતાં ગ્રામજનોને ભારે નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે.

પોરબંદર જિલ્લાના ઘેડ પંથકનું કાસાબળ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ભાદર-ઓઝત નદીના પાણી ગામમાં ફરી વળતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. ગત મોડી રાત્રે પૂરના પાણી ફરી વળતા સ્થાનિકોએ ધાબા પર રાત વીતાવી હતી.

સૌરાષ્ટ્રમાં રેસ્ક્યૂ માટે નેવીની મદદ લેવાઈ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિને પગલે લોકોને બચાવવા માટે નેવીની મદદ લેવામાં આવી રહી છે. એક તરફ NDRF અને SDRFની ટીમો બોટમાં આંતરિયાળ ગામ સુધી પહોંચી લોકોને રેસ્ક્યૂ કરી રહી છે. બીજી તરફ ભારતીય નૌ સેનાની ટીમ પણ રાહત-બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે. INS સરદાર પટેલની એક ટીમ રાજકોટમાં પહોંચી ગઈ છે. આ સિવાય નેવીને વધુ 6 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જે વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી કરશે.

7656 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર
ભારે વરસાદને પગલે પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે NDRFની ટીમોને તૈનાત કરવામાં આવી છે. જ્યારે પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ અને પોરબંદરમાં વધુ ટીમોને મોકલવામાં આવી છે. આ સિવાય ગાંધીનગર અને વડોદરામાં પણ બે ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

NDRF દ્વારા સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી સફળતાપૂર્વક સ્થળાંતપની કામગીરી કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી કુલ 7,565 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ સિવાય NDRFની વધુ ટીમો પંજાબ સહિત અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવી ચૂકી છે. હવામાન વિભાગની આગાહીને પગલે NDRFની ટીમે તમામ તૈયારીઓ આટોપી લીધી છે.

ગુજરાત ST બસના 55 રૂટ બંધ, 121 ટ્રીપ રદ્દ કરાઈ
ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળતા તકેદારીના ભાગ રૂપે ગુજરાત એસટી બસના 55 રૂટ બંધ કરવામાં આવ્યા છે. જે પૈકી જામનગર ડિવિઝનના સૌથી વધુ 37 રૂટ બંધ કરવામાં આવ્યા છે. આ સિવાય જૂનાગઢમાં 11 અને ભાવનગરમાં 7 રૂટ બંધ કરવામાં આવ્યા છે. આમ કુલ મળીને એસટી બસના 55 રૂટની 121 ટ્રીપો રદ્દ કરવામાં આવી છે.

અનેક ડેમ ઓવરફ્લો, જળાશળો હાઈએલર્ટ પર
મૂશળધાર વરસાદના કારણે ગુજરાતની નદીઓ અને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. હાલ રાજ્યના 66 જળાશયો હાઈએલર્ટ પર છે. રાજ્યના 207 ડેમમાં 64.53 ટકા જળ સંગ્રહ થયો છે. જ્યારે 65 ડેમોમાં 90 ટકા કરતાં વધુ પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 70.24 ટકા જળસંગ્રહ, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 89.15 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં 52.85 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યના શેત્રુંજી, ઉકાઈ અને ઊંડ ડેમ સહિતના 66 જળાશયો હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જ્યારે કરજણ, સુખી અને ભાદર ડેમ વૉર્નિંગ પર છે.

હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે હજુ પણ આગામી 4 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતીકાલે રાજ્યમાં અને સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર, જૂનાગઢ, જામનગર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે.

ગુજરાતને નવા મુખ્યમંત્રી તો મળી ગયા.. પણ નવું મંત્રીમંડળ મળવાનું બાકી છે.. 16 સપ્ટેમ્બરે નવા મંત્રીમંડળની શપથવીધિ છે.. ત્યારે કોને મંત્રીમંડળમાં સ્થાન મળશે તે નક્કી કરવા બેઠકોનો દોર જામ્યો છે. હજુ પણ રાજ્યમાં 22 ટકા વરસાદની ઘટ છે. સૌરાષ્ટ્રમાં વરસાદની જે ઘટ હતી, તે પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે અમદાવાદમાં છૂટા-છવાયા વરસાદની વકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન