- મોહનલાલ ચક્રધારી
આ સંસારમાં બધા લોકો એક જ પરિસ્થિતિ, સમય કે સ્થાન પર રહી શકતા નથી. એ જ રીતે પરિસ્થિતિ, સમય અને સ્થાન પણ બદલાતા રહેતા હોય છે. આટલું જ નહિ દરેક મનુષ્યોની માનસિકતા એકસરખી ક્યારેય હોતી નથી. તેમની રુચિ અને યોગ્યતા પણ અલગઅલગ હોય છે. એના કારણે જ કોઈ એક ધર્મનું નિશ્ચિત રૃપ, કોઈ એક સંપ્રદાય, કોઈ એક આચારપદ્ધતિ બધા જ દેશોના તમામ લોકો માટે એકધારી સિદ્ધિનું કારણ બની શકે એવું ક્યારેય શક્ય બને નહીં.
ધર્મ સાર્વભૌમ છે, તે બધા માટે છે તો તેને સમયાનુકૂલ અને સાધકની પરિસ્થિતિ અને અધિકારને અનુરૃપ ભિન્ન ભિન્ન રૃપ હશે. ધર્મના આ વિવિધ રૃપોનો નામોલ્લેખ કરવો પણ શક્ય નથી. આવી અસંખ્ય વિવિધતાઓ હોવા છતાં ઘણીબધી બાબતો એવી છે જેમાં ભિન્નતા નથી.
નિત્યકર્મ
નિત્યકર્મનો અર્થ છે પ્રાકૃતિક અને શાસ્ત્રીય રીતિથી દૈનિક શારીરિક અને માનસિક સ્વચ્છતાનું કાર્ય અને કેવળ સ્વચ્છતાનો પ્રયાસ જ નહિ દૈનિક રૃપથી પોષણ પણ આવશ્યક છે. જે પ્રકારે શરીરને તેની શક્તિ બનાવી રાખવા માટે દૈનિક ભોજનની આવશ્યકતા હોય છે તે પ્રકારે મનને સશક્ત બનાવવા માટે પ્રતિદિન શુદ્ધ આહાર જોઈએ. સ્નાન, સંધ્યા, તર્પણ, બલિવૈશ્યદેવ વગેરે કર્મ નિત્યકર્મ છે. પ્રત્યેક સંપ્રદાયે તેના અનુયાયીઓ માટે નિત્યકર્મ નક્કી કર્યા છે. સૌ પોતપોતાના ધર્મ અનુસાર કોઈ સંધ્યા કરે છે તો કોઈ નમાજ પઢે છે. આ નિત્ય કર્મ છે.
નૈમિત્તિક કર્મ
મનુષ્યના જીવનમાં બહુ એવા નિમિત્ત આવે છે જ્યારે તેને પોતાની દિનચર્યામાં ફેરફાર કરવો પડે છે. ધાર્મિક રીતે જ્યારે આવા વિશેષ નિમિત્ત આવે છે ત્યારે વિશેષ રીતે ધાર્મિક કાર્યો થાય છે. જેમ કે ઘરમાં સંતાનનો જન્મ થવો, વિવાહ, મરણ વગેરે અવસર પર વ્યક્તિના ચિત્તમાં વિશેષ ઉત્સાહ કે શોક જોવા મળતો હોય છે. એ રીતે સ્થાનને કારણે પણ નિમિત્ત બનતા હોય છે. જેમ કે એકાદશી, અમાસ, પૂનમ, શિવરાત્રિ વગેરે.
સામાન્ય ધર્મ
બધા જ વ્યક્તિઓ માટે સામાન્ય રૃપે વ્યવહાર કરવા માટે કેટલાક નિયમો હોય છે. જેમ કે આપણે ત્યાં નિયમ છે ડાબી તરફ ચાલવું. એ જ રીતે સત્ય, અહિંસા, અપરિગ્રહ, સેવા, સંતોષ, મન - ઇન્દ્રિય સંયમ, ઈશ્વરમાં શ્રદ્ધા વગેરે સામાન્ય ધર્મ છે. તેનું આચરણ બધાએ કરવું જોઈએ. શ્રીમદ્ ભાગવતમાં નારદજીએ પ્રહલાદને ધર્મોપદેશ કરતા ત્રીસ લક્ષણયુક્ત સાર્વર્વિણક સાર્વભૌમ માનવ ધર્મ બતાવ્યો છે.
મનુષ્યોમાં પોતાના આરાધ્યને જોવા, ભગવાનનાં રૃપ, ગુણ, લીલાના કીર્તન, ભગવત સ્મરણ, ભગવાનની સેવા - પૂજા, નમસ્કાર, ભગવાન પ્રત્યે દાસભાવ, તેમની પ્રત્યેનું આત્મસમર્પણ વગેરે લક્ષણો મનુષ્યો માટે કહેવામાં આવેલાં છે. તેના પાલનથી ભગવાન સંતુષ્ટ રહે છે.
વિશેષ ધર્મ
મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. આથી સમાજમાં રહેતા મનુષ્ય માટે કેટલાક વિશેષ કર્તવ્યો હોય છે. વ્યક્તિને સમાજમાં અનેક પ્રકારના સંબંંધોનું વહન કરવું પડતું હોય છે. પ્રત્યેક વ્યક્તિ કોઈને કોઈનો આદર્શ હોય છે. તેના સારાં આચરણનો પ્રભાવ બીજા પર પડતો હોય છે. આથી કર્તવ્ય નિર્વાહ માટે ખૂબ જ સતર્ક રહેવાની જરૃર હોય છે. એ જ રીતે સમાજમાં પ્રત્યેક મનુષ્યનો એક વિશેષ ધર્મ - કર્તવ્ય હોય છે અને તેનો નિર્વાહ કરવો તેને માટે અતિ આવશ્યક છે.
કામ્યકર્મ અથવા ધર્મ
જ્યાં સુધી આપણે કાંઈ ઇચ્છતા નથી ત્યાં સુધી જીવન સામાન્ય ગતિથી ચાલે છે. જ્યારે આપણે અમુક પદાર્થ વિશેષ અથવા પરિસ્થિતિ વિશેષ પ્રાપ્ત કરવા માગીએ તો આપણે વિશેષ રીતે પ્રયત્ન કરવો પડે છે. સફળતા કરેલા પ્રયત્નોને આભારી હોય છે. ક્યારેક પ્રયત્નો થકી પણ સફળતા મળતી નથી. કામ્યકર્મમાં શ્રદ્ધા અને વિધિનું સમ્યક્ પાલન આવશ્યક છે. અમે તે મામલે કાંઈ જાણતા નથી. અમારાથી ભૂલ થઈ ગયી એવી છૂટ કામ્યકર્મ સકામ ધર્માનુષ્ઠાનમાં નથી. જેમ કે કોઈ મકાન બનાવવાનું હોય તો મકાન બનાવવાની આવડત બરાબર હોવી જોઈએ. જો કોઈ ભૂલ રહી જાય તો તેના પરિણામ પણ ભોગવવાની તૈયારી રાખવી જોઈએ.
આપદ્ ધર્મ
મનુષ્ય હંમેશાં સામાન્ય પરિસ્થિતિમાં રહી શકતો નથી. રોગ, શોક, મુશ્કેલીઓ વગેરે આવતી રહે છે. આવી પરિસ્થિતિમાં નિત્ય કે વિશેષ ધર્મમાં છૂટ આપવામાં આવી છે. અહીં એ ધ્યાન રાખવું જરૃરી બને છે કે આપદ ધર્મ એ કોઈ ધર્મ નથી. પરંતુ અત્યંત વિવશતામાં કેવળ પ્રાણરક્ષા માટે ધર્મમાં થોડી શિથિલતાની છૂટ છે. શિથિલતાનો સ્વીકાર કરવામાં કોઈ દોષ નથી. આમ છતાં પ્રાણસંકટમાં ધર્મ પર પૂર્ણતઃ સ્થિર રહેવું એ મહાન અને પુણ્ય કાર્ય છે.