સંગીન ગુનાની માફીમાં પણ મર્યાદા હોવી ઘટે  - Sandesh
  • Home
  • Columnist
  • સંગીન ગુનાની માફીમાં પણ મર્યાદા હોવી ઘટે 

સંગીન ગુનાની માફીમાં પણ મર્યાદા હોવી ઘટે 

 | 2:13 am IST

પ્રાસંગિક : રમેશ દવે

તામિલનાડુના શ્રીપેરુમ્મબુદુરમાં તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીની ૧૯૯૧માં હત્યા થઈ હતી. રાજીવ ગાંધી ચૂંટણીપ્રચાર માટે શ્રીપેરુમ્મબુદુર ગયા ત્યારે એલટીટીઈની એક મહિલા સ્યુસાઇડ બોંબરે પોતાને ઉડાવી દીધી હતી. આ ઘાતકી હત્યાકાંડનું કાવતરુ શ્રીલંકાનાં તામિલ સંગઠન એલટીટીઈએ ઘડયું હતું. ભારતના માજી વડા પ્રધાને શ્રીલંકામાં એલટીટીઈ સામે લડવા માટે ભારતીય લશ્કર મોકલ્યું એની તામિલ વ્યાઘ્રોના કમાંડર પ્રભાકરને આવી આકરી સજા કરી હતી. રાજીવની હત્યાને પગલે આખો દેશ ખળભળી ઊઠયો હતો. એ ઘટનાને ૨૭ વર્ષ થઈ ગયાં બાદ પણ એ હત્યાકાંડના સાત આરોપી હજુ જેલમાં છે. રવિવારે તામિલનાડુની સરકારે આ સાતેય આરોપીને છોડી મૂકવાની રાજ્યના ગવર્નર બનવારીલાલ પુરોહિતને ભલામણ કરવા કેબિનેટ મિટિંગમાં એક ઠરાવ પસાર કર્યો હતો. એ ઠરાવ મુખ્યમંત્રી પલાનીસામીએ અન્નાદ્રમુક (એઆઈએડીએમકે) સરકારે ગવર્નરને મોકલી આપ્યો છે. હવે દડો ગવર્નર પુરોહિતના પાલામાં છે અને એમણે આ પેચીદા પ્રશ્ને નિર્ણય લેવાનો છે.

જેલમાં સબડતા રાજીવ હત્યાકાંડના ૭ આરોપીઓમાં નલિની શ્રીહરન, મુરુગન ઉર્ફે શ્રીહરન, એ. જી. પેરારિવલન ઉર્ફે અરિવુ, રોબર્ટ પાયસ, રવીચન્દ્રન, સંથન અને જયકુમારનો સમાવેશ છે. એ પૈકીના એક દોષિત ઠરેલા આરોપી પેરારિવલને સુપ્રીમ કોર્ટમાં પિટિશન નોંધાવી પોતાની અને પોતાના સાથીઓની મુક્તિની માગણી કરી હતી. સુપ્રીમે છઠ્ઠી સપ્ટેમ્બરે તામિલનાડુના ગવર્નરને પેરારિવલનની પિટિશન પર નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો. એનાં પગલે તામિલનાડુના મુખ્યમંત્રીએ તાકીદે કેબિનેટ મિટિંગ બોલાવી ગવર્નરને રાજીવ હત્યાના સાતેય આરોપીને છોડી મૂકવાની ભલામણ કરી છે.

અત્રે નોંધવું ઘટે કે બંધારણની કલમ ૧૬૧ રાજ્યના ગવર્નરને કોર્ટમાં દોષિત ઠરેલા અપરાધીને માફી આપવાની સત્તા આપે છે, જોકે ગવર્નર પોતાની રીતે આવો નિર્ણય લેવા સ્વતંત્ર નથી. રાજ્ય સરકાર જો ભલામણ કરે તો જ ગવર્નર માફીનો નિર્ણય લઈ શકે છે. બીજું, કાનૂનવિદોના મતે કેબિનેટનો નિર્ણય ગવર્નર માટે બંધનકર્તા છે. અહીં એ ન ભૂલવુ જોઈએ કે દરેક રાજ્યમાં ગવર્નરની નિમણૂક કેન્દ્ર સરકારની ભલામણથી થાય છે. ગવર્નરના નિમણૂકપત્ર પર ભલે રાષ્ટ્રપતિ સહી કરતા હોય પણ નિમણૂકની સત્તા તો કેન્દ્ર સરકાર પાસે જ હોય છે. તામિલનાડુના ગવર્નર બનવારીલાલ પુરોહિતની નિમણૂક મોદી સરકારે કરી છે, એટલે મોદી સરકાર ઇચ્છશે તો જ રાજીવ હત્યાકાંડના આરોપીઓ જેલની બહાર આવી શકશે. આ મામલામાં મોદી સરકાર શું નિર્ણય લે છે એ જોવું રસપ્રદ થઈ પડશે.

રાજીવના હત્યારાઓને માફી આપવાની વાત નવી નથી. ૨૦૧૪માં તામિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રી જયલલિતા જયરામે પણ કેન્દ્ર સરકારને સાતેય અપરાધીઓને છોડી દેવાની અપીલ કરી હતી. એ વખતે કેન્દ્ર સરકારે જયલલિતાના આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. અન્નાદ્રમુકના વર્તમાન સીએમ પલાનીસામીએ સદ્ગત જયલલિતા અમ્માની ઇચ્છા પૂરી કરવા જ ગવર્નરને અપરાધીઓને છોડી મૂકવા ભલામણ કરી છે. કોંગ્રેસને બાદ કરતાં તામિલનાડુના તમામ રાજકીય પક્ષોએ કેબિનેટના આ નિર્ણયને આવકાર્યો છે, જોકે આ મામલામાં રાજકારણને બાજુ પર રાખીને વિચારીએ તો એની સાથે સમાજકારણ અને નૈતિકતા જોડાયેલાં છે.

કેટલાક અપરાધ એટલા સંગીન હોય છે કે એ આચરનાર વ્યક્તિને કોઈ પણ તબક્કે માફી આપીને સમાજ સામે ખોટું ઉદાહરણ મૂકી શકાય નહીં, જેમ કે, મહાત્મા ગાંધીની હત્યા. નથુરામ ગોડસેએ બાપુની હત્યા કર્યા બાદ કેટલાક આદર્શવાદી લોકોમાં છાને ખૂણે એવી ચર્ચા થતી કે બાપુ આ હુમલામાં બચી ગયા હોત તો એમણે ગોડસેને માફ કરી દીધો હોત. ગાંધીજી એક મહામાનવ હતા.

તેમણે ગોડસેને ક્ષમા આપી હોત કે નહીં એ મુદ્દો અસ્થાને છે, એટલા માટે કે ભારતના કાયદા મુજબ ગોડસેએ એક ગંભીર ગુનો આચર્યો હતો. એક એવો અપરાધ જેમાં ગુનાખોર કોઈ પણ દૃષ્ટિએ માફી મેળવવાને પાત્ર નથી. સમાજ એકલા ઉદાર આદર્શો પર નથી ચાલતો સમાજ અને દેશની સુખશાંતિ જાળવી રાખવી હોય તો કાયદાનો કડકાઈથી અમલ કરવો પડે. કાયદાના અમલમાં ભાવુક બનીએ કે ઢીલા પડીએ તો ખોટા દાખલા બેસે. બીજા લોકો પણ ગુના આચરવા પ્રેરાય અને ગુનાખોરીને મોકળું મેદાન મળે.

રાજીવ ગાંધીના કેસ પર પાછા ફરીએ તો તેઓ આ દેશના વડા પ્રધાન હતા. દેશના સર્વોચ્ચ હોદ્દા પર બેસી ચૂકેલી વ્યક્તિની બહારનાં લોકો આવીને હત્યા કરી જાય એ દેશ માટે શરમની વાત હતી. એ રીતે જોઈએ તો રાજીવની હત્યા એલટીટીઈના સુપ્રીમો પ્રભાકરને ભારત સામે આચરેલો દેશદ્રોહ હતો અને દેશદ્રોહીના સાગરીતો દેશદ્રોહીઓ જ ગણાય, એટલે સાત દેશદ્રોહીઓ ૨૭ વર્ષ જેલમાં સબડયા પછી પણ ક્ષમાને લાયક નથી. એમણે એક સંગીન ગુનામાં સહભાગી બનીને એક યુવાન પરિણીતા પાસેથી એનો પતિ અને બે ટીનેજર બાળકો પાસેથી એમનો પિતા છીનવી લીધો હતો.

;