sani-amavasya-very-important-day-for-dosh-nivaran, take benefit of it
  • Home
  • Astrology
  • શનિવારી અમાસ, ગ્રહ-નડતર-દોષ દૂર કરવા માટે ઉત્તમ દિવસ

શનિવારી અમાસ, ગ્રહ-નડતર-દોષ દૂર કરવા માટે ઉત્તમ દિવસ

 | 2:43 pm IST

અનેક લોકો વિવિધ પ્રકારના દોષથી પીડાતાં હોય છે. તેને પરિણામે બધું જ હોવા છતાં શાંતિ નથી મળતી કે નથી ઉન્નતિ થતી. જો તમે પણ આમાંના એક હોય તો ઉઠાવો શનિવારી અમાવાસ્યાનો લાભ. 5મી જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે શનિવારી અમાસ છે. ગ્રહ- નડતર-દોષ દૂર કરવા માટેનો આ ઉત્તમ દિવસ છે. જ્યોતિષિય ગણના પ્રમાણે આ વર્ષે 3 શનિવારી અમાસ આવશે. વર્ષની પ્રથમ શનિ અમાસ 5મી જાન્યુઆરીએ છે.

ચાલુ વર્ષની પ્રથમ શનિ અમાવસ્યા શનિવારે એટલે કે 5 જાન્યુઆરી સવારે 4.58 વાગ્યે શરુ થશે કે જે 6 જાન્યુઆરી રવિવાર સવારે 6.58 વાગ્યા સુધી રહેશે. ન્યાયના દેવતા શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ અમાવસ્યાનો દિવસ ઉત્તમ છે. જો તમને શનિ નડતો હોય કે પનોતી કે ઢૈયા હોય તો શનિ અમાવાસ્યાનો લાભ ઉઠાવી શકો છો. આ ઉપરાંત જો જમીન દોષ હોય તો તેના નિવારણ માટે પણ ઉત્તમ દિવસ છે. આ દિવસે દોષ નિવારણ કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત પિતૃ દોષની શાંતિ તથા કાલસર્પ દોષના નિવારણ માટે પણ ઉત્તમ દિવસ છે. શનિવારી અમાસના દિવસે ધન રાશિમાં શનિ સાથે ચાર ગ્રહોનો પ્રવજ્યા યોગ થયો છે.

હાલમાં તો વૃષભ અને કન્યા રાશિ પર શનિની અઢી વર્ષની પનોતી ચાલી રહી છે, જ્યારે વૃશ્ચિક, ધન અને મકર રાશિ પર શનિની સાડા સાતી ચાલી રહી છે. તેથી શનિ અમાવસ્યાના દિવસે આ પાંચેય રાશિઓના જાતકોને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. શક્ય છે કે શનિ દેવ આ રાશિના જાતકો પર કહેર વરસાવે કે જેના પગલે કોઈ મોટું નુકસાન કે અવાંછિત ઘટનાઓનો સામનો કરવો પડે.

શનિવારી અમાસે પીપળાના વૃક્ષે કે શમીના વૃક્ષે પાણી રેડવાથી પણ લાભ થાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.  કાળા રંગની વસ્તુઓ જ ચઢાવો જેમ કે કાળા વસ્ત્ર, કાળા આખા અડદ, કાળા તલ, સરસિયાનું તેલ કે તલનું તેલ, લોખંડનું વાસણ ચઢાવવાથી લાભ થાય છે. શનિ ગ્રહની ઉત્તમ સ્થિતિથી ઐશ્વર્ય અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. સાથે જ સમસ્ત ભૌતિક સુખો મળે છે. શનિદેવના મંદિરમાં સરસિયું તેલથી તેમનો અભિષેક કરવાથી કે અખંડ જ્યોતિ પ્રગટાવાથી લાભ થાય છે.

શનિ મંત્રોનો જાપઃ
1. ॐ શં શનૈશ્ચરાય નમ:
2. ॐ પ્રાં પ્રીં પ્રૌ સ: શનયે નમ:
3. ॐ પ્રાં પ્રીં પ્રૌ સં શનૈશ્ચરાય નમ:
4. ॐ નમો ભગવતે શનૈશ્ચરાય સૂર્યપુત્રાય નમ:
5. ॐ ઐં હ્રીં શ્રીં શનૈશ્ચરાય નમ: