સારસિ - Sandesh

સારસિ

 | 1:12 am IST

નવલિકા । અનંત જોશી

પથ્થરની મૂર્તિમાં પ્રાણ પૂરતા સમયની રાહ જોવી પડે તેમ, શેઠ-શેઠાણીની એકની એક દીકરી સારસિની સગાઇ કે હાથે હળદર, હજી સુધી પીઠી પેઠે ચોળાઇ નહોતી! એથી શેઠ-શેઠાણીની દૃષ્ટિ, ચાતક પક્ષીની જેમ રાહ જોઇ નિહાળી રહી હતી! પરંતુ ત્રણેયની નજરમાં સુંદર, સુશીલ, સાધન સંપન એકેય મુરતિયો આવ્યો નહી! ગામે ગામ કેણ મોકલી જોયાં પરંતુ સૌ ધક્કાબેન્કના ચેકની જેમ જ, શેઠની ડેલીએથી પરત વળેલાં! આથી ઊધઇની જેમ શેઠ-શેઠાણી અને સારસિનું મન કોરાઇ રહ્યું હતું. જો કે ગામના ઇર્ષાળુ કોઇ કોઇ લોકોની નાગચુડ પક્કડમાંથી છૂટવા ઘણીવાર પ્રયત્નો કર્યા.

તેવામાં એક દિવસ પ્રભાતના પહોરમાં પેપરમાં, મોટી જાહેરાતમાં જોયું કે સાધન સંપન્ન, સંપત્તિવાન સુંદર, ગ્રીનકાર્ડ, ઇમિગ્રેશન ધરાવતા એક ખુંટડો યુવાન ગામની ‘મલબાર’ હોટલમાં કુટુંબ સાથે ઊતર્યો છે! અને તાત્કાલિક લગ્નગ્રંથિથી જોડાવવા ચાહે છે! સારસિનાં માતા-પિતા રાજીનાં રેડ થઇ ગયાં. મોબાઇલ ફોન વડે આવવાનું આમંત્રણ અપાઇ ગયું! વાચક મુજબ મુરતિયાવાળાં ટેક્સીમાં આવી પણ ગયાં! જોયું તો પુરાણા ગોઠિયા પૂનમચંદ શેઠનું કુટુંબ જ હતું! મિત્ર કસ્તુરચંદ અને તેની મિત્ર પત્ની કાનન, શેઠાણી અને શેઠને ભેટયા! સારસિ એક ખૂણામાં ઊભી રહી, મુરતિયાને નિહાળવામાં નજર ફેરવવા લાગી! મુરતિયો પણ કન્યાને જોવા આતુર હતો! તેની દૃષ્ટિ ખૂણે-ખાંચરે, વીડિયો કેમેરાની જેમ ફરી વળી! ઘરનાં મોભિયા ગણી ગણી થાકી ગયેલા મૂરતિયાની દૃષ્ટિએ સારસિને શોધી લીધી! મનોમન અને દૃષ્ટિથી તેણે વાઇબ્રેશન મોકલ્યાં અને મનમાં વિચાર્યું કે, ‘નજર હોવા છતાં નજરે ન કંઇ દેખાયું ! નજરવાળા કહો, કોની હશે લાગી નજર?’ સારસિએ પણ ખાનગીમાં વિશ્વાસથી કહ્યું,’કદી જોજે તને મારા પર વિશ્વાસ થઈ જાશે! અને જો હશે વહેમ તો વહેમનો નાશ થઇ જાશે! ખરી લાગણી તો રડાવી શકે છે! છુપાવી જખમને હસાવી શકે છે!’

બસ! લ્યો, આટલી જ વારમાં ઘડિયા લગ્ન અને ઘડિયા તોરણ બંધાઇ ગયા! સારસિના હાથ પીળા કરવાનો સમય પણ પાકી ગયો! સારસિની ડેલિએ આસોપાલવના તોરણ બંધાઇ ગયા, ચારે તરફ રંગીન બલ્બો, આંખ મિચામણાં કરવા લાગ્યા! આકાશમાં ચાંદ દેખાયો અને શેઠ-શેઠાણીના ઘરે, સારસિ, પાનેતરમાં મલ્કી રહી હતી. હાથમાં મેંદી મૂકાઇ ગઇ! મહેમાનો, જાનડિયું, સૌ- સૌની ખુરશી પર ગોઠવાઇ ગયાં. શરબતના પ્યાલાં, ખાલી થવા માંડયા, મહેમાનો તથા અન્ય જાનૈયાઓ મંડપમાં આમથી, તેમ હલફલ થઇ, ફરી વળ્યા હતા.

નોકર-ચાકર, વેઇટરો સૌને ઠંડા પીણાંઓ, આગ્રહ કરી કરી આપી રહ્યાં હતાં. ચલચિત્ર અને ટી.વી. સિરિયલ ની જેમ જ પહેલે ખોળે સારસિને પુત્ર અવતર્યો! આંગણામાં રહેલ આંબા આસોપાલવના વૃક્ષ પર કોયલે ટહૂકાર કર્યો! મોરનો કેકારવ થયો! ઇતિ સિદ્ધમ્.