Do you know Garudji has a brother, it is said in rmaayana
  • Home
  • Astrology
  • જાણો છો સૂર્યના સારથી અરુણ અને વિષ્ણુના વાહન ગરુડજી છે સગા ભાઈઓ

જાણો છો સૂર્યના સારથી અરુણ અને વિષ્ણુના વાહન ગરુડજી છે સગા ભાઈઓ

 | 4:23 pm IST

ભગવાન વિષ્ણુના વાહન ગરુડજી અને સૂર્યદેવના રથના સારથિ અરુણ  બંને સગા ભાઈઓ છે. તેમના પિતા કશ્યપ ઋષિ છે. રામાયણમાં ઉલ્લેખ છે કે સીતાને બચાવવા માટે જે પક્ષી રાવણ સાથેની લડાઈમાં મોતને ભેટ્યું તે જટાયુ સૂર્ય દેવના સારથી અરુણનો જ પુત્ર છે. જટાયુના એક અન્ય ભાઈ સંપાતિનો પણ રામાયણમાં ઉલ્લેખ મળે છે. સંપાતિએ જ સીતાની શોધમાં સમુદ્ર કિનારા સુધી જઈને વાનરોને લંકા જવા માટેનો રસ્તો બતાવ્યો હતો.

મહાભારત અનુસાર મહર્ષિ કશ્યપને 13 પત્નીઓ હતી. એમાંથી એકનું નામ વિનતા હતું. વિનતાએ મહર્ષિ કશ્યપની બહું જ સેવા કરી.  આથી પ્રસન્ન થઈને મહર્ષિએ વિનતાને વરદાન માંગવા કહ્યું. વિનતાએ કહ્યું કે મને બે મહાપરાક્રમી પુત્ર જોઈએ. મહર્ષિ કશ્યપે વિનતાને એ વરદાન આપ્યું. સમય જતાં વિનતા કે જે ગીધ યોનિનું પ્રાણી હતું તેણે બે ઈંડા આપ્યા. દાસીઓએ તેને ગરમ વર્તનમાં રાખી દીધા. પાંચ સો વર્ષ થવા છતાં એ ઈંડામાંથી પુત્ર બહાર ન નિકળ્યા. તેમને ચિંતા થવા લાગી. જિજ્ઞાસાવશ વિનતાએ એક ઈંડું ફોડી નાંખ્યું.

એ ઈંડામાં શિશુનું શરીર અડધું જ બની શક્યું હતું. એ શિશુએ પોતાની માતાને કહ્યું કે બીજા ઈંડા સાથે એવું ન કરતા. એનાથી ઉત્પન્ન શિશુ મહાપરાક્રમી થશે. એટલું જ કહીને તે શિશુ પક્ષી આકાશમાં ઉડી ગયું. તે સૂર્ય દેવના રથનો સારથિ બન્યો. તેનું નામ અરુણ રાખવામાં આવ્યું હતું.

સમય જતાં બીજા ઈંડામાંથી પક્ષીરાજ ગરુડનો જન્મ થયો. ગરુડ જ સ્વર્ગ જઈને દેવાઓ પાસેથી અમૃત કળશ લઈને આવ્યા હતા.

જ્યારે વિષ્ણુ ભગવાનને ગરુડના પરાક્રમ વિશે જાણ થઈ તો તેમણે તેને પોતાનું વાહન બનાવી દીધું. સાથોસાથ અમર રહેવાનું વરદાન પણ આપ્યું.