સરદાર સરોવર યોજનાની કાર્યસિદ્ધિ : પુરુષાર્થ,  પ્રારબ્ધનો સુભગ સમન્વય - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • સરદાર સરોવર યોજનાની કાર્યસિદ્ધિ : પુરુષાર્થ,  પ્રારબ્ધનો સુભગ સમન્વય

સરદાર સરોવર યોજનાની કાર્યસિદ્ધિ : પુરુષાર્થ,  પ્રારબ્ધનો સુભગ સમન્વય

 | 1:26 am IST
  • Share

પ્રાસંગિક :- ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

વાત સાચી છે, કાર્ય સિદ્ધિ માટે પુરુષાર્થ અને પ્રારબ્ધ પણ જોઈએ. નિિૃત લક્ષ્યાંકે પહોંચવા યોજનાબદ્ધ પુરુષાર્થ અને જે તે સમયે તેના મળેલ સુંદર પરિણામો એટલે સરદાર સરોવર યોજનામાં મળેલ તબક્કાવાર સિદ્ધિ. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સરદાર સરોવર યોજનાની તબક્કાવાર સિદ્ધિ વચ્ચેનો સંબંધ જોઈએ તો પુરુષાર્થ અને પ્રારબ્ધનો પ્રબળ સમન્વય સ્પષ્ટ પ્રતીત થાય છે. ૭મી ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ જ્યારે રાજ્યનો કાર્યભાર સંભાળ્યો ત્યારે તેઓએ પણ અપેક્ષા નહીં રાખી હોય કે સરદાર સરોવર બંધની જળસપાટી જ્યારે ૧૩૮.૬૮ મીટરે પહોંચશે ત્યારે તેઓએ જ નર્મદા મૈયાનાં નીરનાં વધામણાંનો અવસર મળશે. પરંતુ ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સરદાર સરોવર કેવડિયા ખાતે નર્મદા મૈયાનાં નીરનાં વધામણાં થયાં એટલે જ તો એમ કહેવાનું મન થાય છે કે આ વધામણાં સાથે સરદાર સરોવર યોજનાને તેની પૂર્ણતાએ પહોંચાડવાના તેમના પુરુષાર્થ અને પ્રારબ્ધના સમન્વયનો આ ભવ્ય અવસર છે. યોગાનુયોગ પણ કેવો! ૧૭મી સપ્ટેમ્બર એટલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ. જન્મદિવસના અવસરે નર્મદા બંધ ૧૩૮.૬૮ મીટરે હોય અને તેના નીરનાં વધામણાં થાય આથી વધુ જન્મદિવસની ઉજવણી વધુ આનંદદાયી શું હોઈ શકે?

યોગાનુયોગ તો જુઓ વર્ષ ૨૦૦૦ સુધી રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પીવાનાં પાણી માટે અનેક ગામોમાં નર્મદાનાં પાણી પહોંચવાનો પ્રારંભ તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનાં શાસનમાં થયેલો, ત્યારબાદ ઓક્ટોબર ૨૦૦૧ પછી મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યની શાસનધુરા સંભાળી, ત્યારબાદ તબક્કાવાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં સિંચાઈ માટે નર્મદાનાં પાણી આપવાના શ્રીગણેશ મંડાયાં. એ પછી તો સિંચાઈનો વિસ્તાર વધતો જ ગયો અને નર્મદાનાં પાણીથી મધ્ય તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિંચાઈ માટે તબક્કાવાર નર્મદાનાં પાણી મળતાં થયાં અને જ્યાં વરસાદ ખેંચાય ત્યારે ઉત્તર ગુજરાતનાં તળાવો ભરીને ઉત્તર ગુજરાતની ધરતીને નવપલ્લવિત કરવામાં આવી. પરંતુ આ પરિણામ મેળવતાં પહેલાં સરદાર સરોવર યોજનાને પૂર્ણતઃ પહોંચાડવામાં જે તે સમયે જે સંઘર્ષ કરવો પડયો અને કઈ રીતે આ સમગ્ર યોજના પાર પડી તેની સંઘર્ષમય તવારીખ પણ જાણવા જેવી છે.

આ તવારીખ પર એક દૃષ્ટિપાત : ૫મી એપ્રિલ ૧૯૬૧ના રોજ નર્મદા બંધનો શિલાન્યાસ થયો. ઓક્ટોબર ૧૯૬૯માં સંબંધિત રાજ્યો વચ્ચે નર્મદાનાં પાણીની વહેંચણીના વિવાદનો ઉકેલ લાવવા ઓક્ટોબર ૧૯૬૯માં ટ્રિબ્યૂનલની રચના થઈ. એક દાયકા સુધી ભાગીદાર રાજ્યોની માગણી ઉપર સુનાવણી અને વિચાર પછી ૧૯૭૯માં ટ્રિબ્યૂનલનો સીમાચિહ્ન ચુકાદો આવ્યો. ૧,૨૧૦ મીટર લાંબા અને પાયાથી ૧૬૩ મીટર ઊંચા કોંક્રિટ ગ્રેવિટી ડેમનાં બાંધકામનો ઇજારો એપ્રિલ ૧૯૮૭માં અપાયો. ૧૯૯૫માં સરદાર સરોવર બંધની ઊંચાઈ ૮૦.૩૦ મીટર થઈ, પરંતુ ગુજરાતની પ્રગતિનો વિરોધ કરનારાં એવાં પરિબળોએ જે તે સમયે રિટ પિટિશન કરતાં સુપ્રીમ કોર્ટે સરદાર બંધની કામગીરી આગળ વધારવા મનાઈહુકમ આપ્યો.

૧૯૯૮-૯૯માં ગુજરાતની સરકારની રજૂઆતને ધ્યાનમાં લઈ સુપ્રીમ કોર્ટે સ્ટે ઉપાડી લીધો અને સરદાર સરોવર બંધની ઊંચાઈ ૮૫ મીટર સુધી પહોંચી. ૨૦૦૧માં ૯૦ મીટર સુધી કામ કરવામાં આવ્યું.સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ તરીકે વર્ષ ૧૯૯૮થી ૨૦૦૨ સુધીનો મારો કાર્યકાળ અને તે સમયની યોજનાની તબક્કાવાર પ્રગતિ આજે પણ નજર સમક્ષ તરવરે છે. આજે પણ એ દિવસો યાદ કરું છું ત્યારે નર્મદા નહેરોનાં બાંધકામની ઝડપભેર કામગીરી અને જે તે સમયે યોજના સામેના પડકારો ખાળવાની વ્યૂહરચનામાં સફળતા અને મળતાં જતાં પરિણામોને યાદ કરું છું ત્યારે સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ તરીકેનો મારે માટેનો સુવર્ણકાળ તો હતો જ, પરંતુ સાથેસાથે અનેરા કાર્યસંતોષનો પણ સમય હતો. આ સુવર્ણકાળને હું ક્યારેય નહીં ભૂલી શકું.

ત્યારબાદ ૨૦૦૧ના ઓક્ટોબર મહિનામાં નરેન્દ્રભાઈએ રાજ્યની શાસનધુરા સંભાળી અને તેઓએ દૃઢ રાજકીય ઇચ્છાશક્તિ અને નિર્ણયશક્તિ સાથે તેઓએ સરદાર સરોવર યોજનાને ટોચની અગ્રતા આપી. મહત્ત્વની વાત એ છે કે મુખ્યમંત્રી તરીકે તેમના સૌપ્રથમ જાહેર કાર્યક્રમના શ્રીગણેશ પણ સૂકીભઠ સાબરમતી નદીમાં નર્મદા મૈયાનાં અવતરણના કાર્યક્રમ સાથે જ થયા. આ કેટલો સુંદર યોગાનુયોગ કહેવાય. ત્યારે જ તેઓએ કહેલંુ કે મારે મન આ એક ગૌરવમય કાર્યક્રમ છે અને હું એ પણ જોઉં છું કે રાજ્યની સૂકીભઠ્ઠ ધરતી માટે નર્મદા મૈયાનાં નીર પારસમણિ સાબિત થશે અને આજે જ્યારે સરદાર સરોવર બંધ તેની પૂર્ણ સપાટીએ નર્મદા મૈયાની જળસપાટીથી છલકાઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં તેમની સંકલ્પવાણી સાકાર થવાની જ છે.

જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની શાસનધુરા સંભાળી ત્યારે સરદાર સરોવર યોજનાના અમલીકરણમાં કોઈ ઓછા વિઘ્ન નહોતાં. મુખ્ય બંધનું કામ તબક્કાવાર આગળ વધારવાની મંજૂરી મેળવવા પુનર્વસન અને પર્યાવરણને લગતી તેમજ નાણાકીય સ્ત્રોતની પૂરતી વ્યવસ્થા ગોઠવાઇ. જુલાઈ ૨૦૦૨માં બંધની ઊંચાઇ ૯૫ મીટર, જુલાઈ ૨૦૦૩માં ૧૦૦ મીટર અને ૩૦ જૂન ૨૦૦૪ના રોજ ૧૧૦.૬૪ મીટર પહોંચાડવામાં આવી. વર્ષ ૨૦૦૪માં ૨૫૦ મેગાવોટના કેનાલ હેડ પાવર હાઉસ તેમજ ફેબ્રુઆરી ૨૦૦૫થી જૂન ૨૦૦૬ સુધીમાં ૧,૨૦૦ મેગાવોટના રિવરબેડ પાવરહાઉસ દ્વારા વીજ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું જેનો વધુ લાભ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને મળતા ત્રણેય રાજ્યનું સંકલન વધુ મજબૂત બન્યું છે.

૮મી માર્ચ ૨૦૦૬ના બંધની ઊંચાઈ ૧૨૧. ૯૨ મીટર સુધી લઈ જવા પરવાનગી મળી પણ વિવાદ થતાં તત્કાલીન કેન્દ્ર સરકારે ૧૫ એપ્રિલ ૨૦૦૬ના રોજ રિવ્યૂ કમિટીની બેઠક બોલાવી નર્મદા બંધનું કામ આગળ ન વધારવાનો પ્રયત્ન કરાયો. આ ગુજરાત વિરોધી પ્રયત્ન સામે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બીજા જ દિવસે એટલે કે ૧૬ એપ્રિલ ૨૦૦૬ના રોજ ઉપવાસનો આરંભ કર્યો અને તે વખતની કેન્દ્ર સરકારે ગુજરાતની પ્રજાની માગણી સ્વીકારવી પડી. સુપ્રીમના નિર્ણય પછી કામ આગળ ચાલ્યું અને ડિસેમ્બર ૨૦૦૬માં સરદાર સરોવર નર્મદા ડેમ ૧૯૨ મીટરની ઊંચાઈ હાંસલ કરી શક્યો. સરદાર સરોવર બંધની સંગ્રહ ક્ષમતા પણ વધી અને જળ વિદ્યુતનું ઉત્પાદન પણ વધ્યું.

વર્ષ ૨૦૧૪ના મે મહિનામાં લોકસભાની ચૂંટણીઓમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં એન.ડી.એ. સરકાર સત્તામાં આવી અને નરેન્દ્રભાઈ મોદીએ દેશના વડા પ્રધાન તરીકેના કાર્યભાર સંભાળ્યાના ૧૭મા દિવસે સરદાર સરોવર બંધને પૂર્ણ ઊંચાઈ સુધી લઈ જવાની તથા દરવાજા ખુલ્લા રાખવાની સ્થિતિમાં દરવાજા લગાડવાની મંજૂરી આપી. તે જ દિવસથી રાજ્યનાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલનાં નેતૃત્વ અને માર્ગદર્શનમાં બંધની આગળની કામગીરીને વધારવા અર્થાત્ દરવાજા મૂકવાનાં કામનો આરંભ કરી અવિરત ચાલુ રાખી નિયત સમયમર્યાદા કરતાં ૯ મહિના વહેલા આ કામગીરી પૂર્ણ કરાઈ.

૧૬મી જૂન ૨૦૧૭માં નર્મદા કંટ્રોલ ઓથોરિટીની ૮૯મી બેઠકમાં દરવાજા બંધ કરવાની મંજૂરી અપાઈ અને આ મંજૂરી મળતાંની સાથે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વરદ્હસ્તે ૧૭ જૂન ૨૦૧૭ના રોજ સરદાર સરોવર બંધના તમામ ૩૦ દરવાજા બંધ કરવામાં આવ્યા. ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ નર્મદા બંધ તેની પૂર્ણ જળાશય સપાટી એટલે કે ૧૩૮.૬૮ મીટરે ભરાઈ ગયો અને ગુજરાતની પ્રજાનું વર્ષો જૂનું સ્વપ્ન જાણે કે સાકાર થયું. ૧૩૮.૬૮ મીટર (૪૫૫ ફૂટ) સુધી નર્મદાનાં પાણીનો જીવંત સંગ્રહ થતાં ૪.૭૩ મિલિયન એકર ફૂટ જળસંગ્રહ શક્ય બન્યો.

રાજ્ય સરકારે નર્મદા મૈયાનાં નીરના ઉપયોગ માટે સૌરાષ્ટ્ર માટે જે મહત્ત્વાકાંક્ષી યોજના અમલી બનાવી તે યોજના એટલે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ- સૌની યોજના.સૌની યોજના અંતર્ગત નર્મદાનાં પૂરનાં વધારાનાં પાણી પૈકી ૧ મિલિયન એકરદીઠ પાણી (૪૩,૫૦૦ મિલિયન ઘનફૂટ) સૌરાષ્ટ્ર વિસ્તારને ફાળવાયું છે. આ પાણી દ્વારા સૌરાષ્ટ્રના ૧૧૫ હયાત જળાશયો ભરીને સિંચાઈ વ્યવસ્થાને વધુ મજબૂત કરી આશરે ૯૭૦ ગામો કરતાં વધુ ગામોના ૮,૨૪,૮૭૨ જેટલા વિસ્તારમાં પિયતનો તથા પીવાનાં પાણીનો લાભ આપવાનું આયોજન સૌની યોજના અંતર્ગત કરાયું છે.

સૌની યોજનાથી ૨૦૧૯ સુધીમાં ૩૩ જળાશયો, ૫૦ કરતાં વધુ તળાવો અને ૨૦૦ કરતાં વધુ ચેકડેમમાં ૨૩,૭૧૨ મિલિયન ઘનફૂટ નર્મદાનાં નીર ભરવામાં આવ્યાં છે તે બહુ મોટી સિદ્ધિ કહી શકાય.

સૌરાષ્ટ્ર માટે જેમ સૌની યોજના છે તેમ ઉત્તર ગુજરાત માટે સુજલામ-સુફલામ પાઇપલાઇન યોજના પણ છે. આ સુજલામ સુફલામ યોજનાને કારણે ઉત્તર ગુજરાતની સૂકીભઠ ધરા વધુ સૂકી બનતી તો અટકી છે, કચ્છ વિસ્તારને સંબંધ છે ત્યાં સુધી મુખ્યમંત્રી તરીકેના નરેન્દ્રભાઈ મોદીનાં શાસનમાં જ વર્ષ ૨૦૦૩માં જ ભૂગર્ભ પાઇપલાઇન દ્વારા કચ્છના અંતરિયાળ વિસ્તારોનાં ગામડાઓમાં પીવાના હેતુ માટે નર્મદાનાં નીર પહોંચતાં થયેલાં જે આજદિન સુધી ચાલુ છે, તો એ જ રીતે સિંચાઈના હેતુ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ કચ્છનો ટપ્પર ડેમ પણ ભરી દેવામાં આવ્યો છે. આ કોઇ નાની-સૂની સિદ્ધિ નથી. પીવાનાં પાણીને સંબંધ છે ત્યાં સુધી ભૂગર્ભ પાઇપલાઇન દ્વારા રાજ્યનાં ૧૦,૦૦૦થી વધુ ગામો અને અનેક શહેરોમાં પીવાના હેતુ માટે નર્મદાનાં પાણી પહોંચી ચૂક્યાં છે.

આમ સમગ્ર તથા સરદાર સરોવર યોજના તેના અમલીકરણના પૂર્ણતાના તબક્કે પહોંચી ચૂકી છે. અંદાજે ૨ વર્ષ સુધી ચાલે તેટલી નર્મદા મૈયાની જળરાશિ સરદાર સરોવર બંધમાં ઉપલબ્ધ થઈ છે ત્યારે આગામી દિવસોમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શબ્દોમાં કહીએ તો નર્મદા મૈયાના નીર ગુજરાતની ધરતી માટે પારસમણિ સિદ્ધ થાય તેવી આશાનો સંચાર થયો છે. હવે જ્યારે સરદાર સરોવર યોજના અંતર્ગત રાજ્યના જે તે વિસ્તારમાં આગામી દિવસોમાં જરૂર પડે ત્યારે નર્મદાનાં પાણી ઉપલબ્ધ થવાના છે ત્યારે તેનો વિવેકપૂર્ણ રીતે સિંચાઈમાં ઉપયોગ કરવામાં આવે તો ૧૮ લાખ હેક્ટરથી પણ વધુ હેક્ટરમાં નર્મદાનાં પાણીથી સિંચાઈ થતી રોકવામાં આપણને કોઈ રોકી શકશે નહીં. નર્મદાની જળરાશિ મૂલ્યવાન છે, તેનો કરકસરયુક્ત ઉપયોગ કરવો તે સમયનો તકાદો છે.

(લેખક ગુજરાતનાં શિક્ષણમંત્રી અને સરદાર સરોવર નર્મદા નિગમના પૂર્વ અધ્યક્ષ છે.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન