સરદાર પટેલનું નિધન થયું ત્યારે તેમનું બેન્ક બેલેન્સ માત્ર ૨૧૬ રૂપિયા હતું - Sandesh
  • Home
  • Columnist
  • સરદાર પટેલનું નિધન થયું ત્યારે તેમનું બેન્ક બેલેન્સ માત્ર ૨૧૬ રૂપિયા હતું

સરદાર પટેલનું નિધન થયું ત્યારે તેમનું બેન્ક બેલેન્સ માત્ર ૨૧૬ રૂપિયા હતું

 | 2:35 am IST

ચલતે ચલતે :- અલ્પેશ પટેલ

લોકસભાની ચૂંટણીને લઈ દેશમાં માહોલ ગરમા-ગરમ છે. ચૂંટણીમાં જીત મેળવવા માટે વિવિધ પાર્ટીઓ એકબીજા ઉપર જાત-જાતના દોષારોપણ કરી રહીં છે. કાળઝાળ ગરમીમાં નેતાઓ પરસેવો પાડી રહ્યા છે અને જનતાને જકડી રાખવા માટે નિત નવા ભાષણો કરી રહ્યા છે. દેશની જનતા સામે સાદગીની વાતો કરનારા નેતાઓની કથની અને કરણીમાં જમીન-આસમાનનો ફેર છે. મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલનો યુગ સમાપ્ત થઈ ચૂક્યો છે. રાજકારણને માત્રને માત્ર પૈસા કમાવવાનું સાધન બનાવી દેવામાં આવ્યું છે. પોતાના સંતાનોને પણ રાજકારણમાં ઢસડી લાવનારા નેતાઓના મોઢે ગાંધી અને સરદારની સાદગીની વાતો શોભતી નથી. દેશની જનતાની અપરંપાર સમસ્યાઓ જૈસે-થે છે. દેશની જનતા હતી ત્યાંને ત્યાં એક ચક્કીમાં પિસાઈ રહી છે અને લોક સેવાના નામે રાજકારણમાં આવેલા નેતાઓના ઘેર પૈસાના ઝાડ ઊગી નીકળ્યાં છે. જાહોજલાલી તેમના ઘેર છે, વૈભવી ઠાઠમાઠ વિના તેમને ચાલતું નથી.

ચાર જોડી કપડાં  

આજના નેતાઓ માટે પૈસો એ જ પરમેશ્વર બની ચૂક્યો છે. સાદગીની વાતો માત્ર ભાષણો પૂરતી સીમિત રહી ચૂકી છે. જે બબૂચકો સરદાર પટેલની સાદગીની વાતો કરે છે તેઓ એકવાર સરદારનું જીવન વાંચી જાય તો ખબર પડે કે, સાદગી કોને કહેવાય ? સરદાર પટેલ દેશના નાયબ વડા પ્રધાન અને ગૃહમંત્રી રહ્યા હતા. ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦ના રોજ સરદારનું નિધન થયું ત્યારે તેમનું બેન્ક બેલેન્સ માત્ર ૨૧૬ રૂપિયા હતું. કોઈ સ્થાવર મિલકત કે પોતાનું મકાન નહોતું. ચાર જોડી કપડાં, બે જોડી ચંપલ, પતરાની એક પેટી, રેંટિયો, બે ટિફિન અને એક સગડી જ હતી. બબૂચક નેતાઓએ સાચે જ સરદાર પટેલને આત્મસાત કર્યા હોય તો આવી સાદગીભર્યું જીવન જીવી બતાવે ? છે કોઈ માઈના લાલની હિંમત ?

૧૨ રૂપિયાનો ખર્ચ  

આપણા કહેવાતા લોક પ્રતિનિધિઓ એકવાર ચૂંટાઈ જાય એટલે તો તેમની પેઢીઓની પેઢી તરી જાય છે. સાઇરન વગાડતી લાલ લાઇટવાળી ગાડીઓનો ક્રેઝ અકબંધ રહેવા પામ્યો છે. સરકારી કામોમાં જ નહીં પોતાના અંગત કામોમાં પણ સરકારી ગાડીઓ વાપરવાનું ચૂકતા નથી. ક્યાં સરદાર પટેલ અને ક્યાં આ લાલચુ નેતાઓ ? સરદાર પટેલ સરકારી કામ માટે જાય ત્યારે સરકારી ગાડીનો ઉપયોગ કરતા હતા.માત્ર એટલું જ નહીં પરંતુ સરકારી કામ સિવાય જ્યારે કાર વાપરતા ત્યારે તેના નાણાં પણ અચૂક ચૂકવી દેતા હતાં. આજે આ બેવકૂકો તગડાં પગાર-ભથ્થાં લઈ રહ્યા છે છતાં મફતનું કંઈ પણ મળે તે લેવાનું ચૂકતા નથી. સરદારના મકાનમાં માત્ર એક જ ટેલિફોન હતો. સરદાર-ગાંધીજીની સાદગી, પોતડી, રેંટિયો, સત્ય અને સાચુકલા ઉપવાસને આ બબૂચક નેતાઓએ તિલાંજલિ આપી દીધી છે. પોતાના સંતાનોના લગ્નમાં નેતાઓ કરોડોના ખર્ચા કરવાનું ચૂક્તા નથી. ૫૦થી ૧૦૦ કરોડ તો આમ ચપટીમાં ખર્ચાઈ જાય છે. ક્યાંથી આવ્યા આટલા બધા પૈસા ? કોઈ ખેતરમાં હળ હાંકવા ગયું હતું ? કાળી મજૂરી કરવા ગયું હતું ? સરદાર પટેલે પોતાના પુત્ર ડાહ્યાભાઈના લગ્નમાં માત્ર ૧૨ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. સાદગીની વાતો કરનારા લેભાગુ નેતાઓના ગાલ ઉપર આ રકમ સણસણતા તમાચા ઠોકવા બરાબર છે. મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું હતું કે,’હું તો ગરીબ સાધુ છું, છ રેંટિયા, જેલની થાળીઓ, બકરીનું દૂધ રાખવાનું એક વાસણ, ખાદીની છ લંગોટ અને એક ટુવાલ જ મારી પૂંજી છે.’ આજના નેતાઓ કોઈ સબક લેશે ખરા ?

દિલ્હીથી દૂર રહેજો  

રાજકારણમાં આવીને અઠંગ ખેલાડી બની ચૂકેલા નેતાઓ પોતાના વારસદારોને પણ સાથે લાવવાનું ચૂકતા નથી. પોતાને ટિકિટ ન મળે તો પુત્રને, પુત્રીને, જમાઈને કે મામા-ફોઈ સુધી પણ ટિકિટ માટે દબાણ કરવાનું ચૂકતા નથી. અહીં સરદાર પટેલનું સ્મરણ થઈ આવે છે કે, જ્યારે તેમના પુત્ર ડાહ્યાભાઈને દિલ્હી બોલાવ્યા હતા ત્યારે સ્પષ્ટ કહ્યું હતું કે, ‘અહીં તમને ભાતભાતના લોકો મળશે, રોટલા ખાવા ન મળે તો મારી પાસે આવજો પણ સરદારના નામનો ઉપયોગ કરશો નહીં કે કમાશો પણ નહીં. કોઈની પણ લાગવગ મારી પાસે લાવશો નહીં, હું દિલ્હીમાં છું ત્યાં સુધી દિલ્હીથી બે માઇલ દૂર રહેજો.’

રામરાજ્ય  

ચૂંટણીમાં પોતાની રાજકીય ખીચડી પકવવા માટે દંભી નેતાઓ વેરઝેરના બીજ રોપવાનું ચૂકતા નથી. ઉશ્કેરણીજનક ભાષણો ઠોકીને વર્ગ-વિગ્રહ કરાવવા સુધી પણ ખચકાતા નથી. સરદાર પટેલે સાચું જ કહ્યું હતું કે, ‘કુદરતમાં કદી નાત-જાતનો કે ધર્મનો ભેદભાવ જોવા મળ્યો નથી અને જોવા મળશે પણ નહીં. હિંદુસ્તાનમાં હિંદુઓનું નહીં, મુસલમાનોનું નહીં પરંતુ હિંદુસ્તાનીઓનું રાજ ચાલવું જોઈએ. કોમી એકતા એ ‘રામરાજ્ય’નું પહેલું પગથિયું છે. મહાત્મા ગાંધીને સાદગી અને સત્ય પ્રિય હતા પરંતુ, આજે નેતાઓ એ બંને વિસરી ચૂક્યાં છે. ધર્મના નામે પ્રજાને લડાવવામાં પણ નેતાઓનો આત્મા ડંખતો નથી.

ગાંધીજીને સલામ  

દેશમાં ૩૪ કરોડ ગરીબો મરવાના વાંકે જીવી રહ્યા છે પણ તેમની ચિંતા માત્ર ભાષણોમાં જ થાય છે. આજના નેતાઓ વિમાનોમાં ઊડા-ઊડ કરી રહ્યા છે. ટ્રેનમાં કે બસમાં તો આ બબચૂકો બેસે તો તેમનું સ્ટેટસનો સવાલ બની જાય છે. દોમદોમ સાહ્યબી ભોગવતા આપણા નેતાઓને વિમાન કે હેલિકોપ્ટર સિવાય તો માફક આવતું નથી. મહાત્મા ગાંધીજીને વાઈસરોયે ચર્ચા માટે દિલ્હીનું નિમંત્રણ આપ્યું ત્યારે પ્લેન અથવા સ્પેશિયલ ટ્રેનની ઓફર કરી હતી. જે ઓફર બાપુએ પ્રેમથી ઠુકરાવી દેતાં કહ્યું હતું કે, ‘મારા દેશની જનતા જે સુખસગવડ ભોગવી શક્તી નથી અને જેમાં મુસાફરી કરી શક્તી નથી એવા વિમાનમાં કે સ્પેશિયલ ટ્રેનમાં હું નહીં આવું.’ આશ્ચર્ય વચ્ચે ગાંધીજી સામાન્ય ટ્રેનમાં અને તે પણ ત્રીજા વર્ગના ડબ્બામાં બેસીને દિલ્હી પહોંચ્યા હતા. જે નેતાઓ ગાંધી નિર્વાણ દિને બાપુને અંજલિ આપવાનું નાટક કરે છે તે નેતાઓ બાપુની સાદગી જીવનમાં ઉતારશે ખરા ? અરે, બાપુએ તો સીવ્યાં વિનાનાં બે જ વસ્ત્રોમાં જીવન પસાર કરી દીધું હતું. આજે કોઈ નેતા પાસે એક હજાર કરોડ છે તો કોઈની પાસે બે હજાર કરોડ છે, આલીશાન બંગલા છે, તગડા કારોબાર છે, દરેક મોટા કામોમાં ભાગીદારી છે છતાં પણ આ ભિખારીઓના પેટ ભરાતા નથી અને મફતનું મળે તો લેવાનું પણ ચૂક્તા નથી.

ફૂલ કરમાઈ જશે 

આપણા લોક પ્રતિનિધિઓ બેફામ ખર્ચા કરતાં જરાય ખચકાતા નથી. તેમના સ્વાગતો પાછળ જે ફૂલો વપરાય છે તેનો આંકડો પણ લાખો રૂપિયામાં થવા જાય છે. લોકસભાની ચૂંટણીમાં પાંચથી છ કરોડ ખર્ચી નાખે છે. પોતાના માટે ધ્વજ પતાકાઓ તૈયાર કરાવશે. તોરણો લટકાવી દેશે અને વાતો પાછા ગાંધીજીની કરતાં તેમનો આત્મા પણ દુભાશે નહીં. ગાંધીજી એક વખત દેવીપુર ગામમાં ગયા ત્યારે તેમના સ્વાગત માટે ધ્વજ પતાકાઓ, ફૂલોના તોરણ લટકાવેલા જોઈને બાપુએ આગેવાનોને બોલાવી કહ્યું હતું કે, ‘તમે આ બધો ખર્ચ ક્યાંથી કાઢશો ? તમે આ ફૂલો અને જાહોજલાલી કરી છે તે ફૂલો થોડીવારમાં કરમાઈ જશે. મને લાગે છે કે, તમે મને છેતરી રહ્યા છો. તમે સૂતરની એક આંટી લાવ્યા હોત તો સારું થાત કે તેમાંથી થોડું કપડું તો બનતું.’ આવી વિચારધારા ધરાવતો એક માઈનો લાલ નેતા આજે શોધ્યો જડે તેમ નથી. ગાંધીજીની શીખને તકવાદી નેતાઓએ દેશવટો આપી દીધો છે અને રાજકારણનું સ્તર નીચે લાવી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન