Sardar saheb's report on minority

સરદાર સાહેબનો લઘુમતી અંગેનો રિપોર્ટ 

 | 7:19 pm IST

મેનેજમેન્ટ ગુરુ :- સરદાર

સરદાર સાહેબનું સાચું સ્વરૂપ શું હતું? એનો જવાબ લઘુમતી માટેના એમના રિપોર્ટમાં આપણને કાચ જેવા પારદર્શક સ્વરૂપમાં જોવા મળે છે. એમના રિપોર્ટથી પુરવાર થયું કે તેઓ મહાન નેતા હતા. તેઓ ભારતના દરેક નાગરિકને એક નાગરિક તરીકે જ જુએ છે. તેને જાતિ-જ્ઞાતિ કે ધર્મના વિભાજનમાં સ્વીકારવા જ તૈયાર નથી.

રિપોર્ટની વિગતો હવે આગળ જોઈએ. 

આપણી સામે પહેલો સુધારો છે – ૧૯૪૭ના ઓગસ્ટની બેઠકમાં ઊડી ગયેલો મુખ્ય સુધારો છે- જે એ જ જૂથે રજૂ કર્યો છે. આ બધી લાંબી વિચારણા પછી અને દેશમાં જે બન્યું છે તેના અનુભવ પછી હવે પણ આવો સુધારો લાવવાના તેમના વલણમાં કંઈ ફેરફાર થયો છે કે નહીં તે હું જાણતો નથી. પણ આટલું હું જાણું છું કે એમને મુસ્લિમ લીગ તરફથી આ સુધારો રજૂ કરવાનો આદેશ મળ્યો છે. મને એમને માટે ખેદ થાય છે. આજે આદેશ મુજબ કામ કરવાની આ જગ્યા નથી. આજે તમારા અંતઃકરણના આદેશ મુજબ કામ કરવાની અને દેશના ભલા માટે કામ કરવાની આ જગ્યા છે. કોઈપણ કોમ એમ માને કે પોતે જે દેશમાં રહે છે તેના હિત કરતાં પોતાનાં હિત જુદાં છે તો એ તેની મોટી ભૂલ છે. ધારો કે, આજે આપણે અનામત બેઠકો રાખવાનું સ્વીકારી લઈએ તો હું મારી જાતને મુસ્લિમ કોમની મોટામાં મોટી દુશ્મન માનું- બિનસાંપ્રદાયિક અને લોકશાહી રાજ્યમાં એવા પગલાનાં પરિણામોને કારણે. ધારો કે તમે કોમી ધોરણે અલગ મતદારમંડળો ધરાવો છો. તમે કદી પ્રાંતોમાં કે કેન્દ્રમાં કોઈપણ પ્રધાનમંડળમાં સ્થાન પામશો? તમારું એક જુદું જ હિત છે. અહીં તો એક એવું પ્રધાનમંડળ અથવા એવી સરકાર છે જેનો પાયો સંયુક્ત જવાબદારી છે. ત્યાં જે લોકો આપણો વિશ્વાસ નથી કરતા, અથવા જે લોકો બહુમતીનો વિશ્વાસ નથી કરતા તે દેખીતી રીતે ખુદ સરકારમાં તો આવી શકે જ નહીં. એ પ્રમાણે તમને શાસનમાં ભાગ નહીં મળે. તમે તમારી જાતને બાદ કરી નાંખશો અને કાયમ માટે લઘુમતીમાં રહેશો. તો પછી તમને લાભ શો થશે? તમે કદાચ હજી એમ ધારતા હશો કે કોઈ બીજી સત્તા પોતાની વગ વાપરીને લઘુમતીને બહુમતી સામે મૂકશે અને વસતીના પ્રમાણમાં એક-બે પ્રધાનો લેવાની બહુમતીને ફરજ પાડશે. આ ખોટો ખ્યાલ છે. તમારા મનનો આ ખ્યાલ, જેણે ઘણાં વર્ષો સુધી કામ આપ્યું છે, તેને હવે સાફ કરી નાખવો પડશે. આપણે એક મુક્ત દેશ છીએઃ આપણે એક સાર્વભૌમ રાજ્ય છીએઃ આપણે એક સાર્વભૌમ ધારાસભા છીએઃ અહીં આપણે આપણી પોતાની મુક્ત ઈચ્છા પ્રમાણે આપણું ભાવિ ઘડી રહ્યા છીએ. એટલે, મહેરબાની કરીને ભૂતકાળને ભૂલી જાઓ; એને ભૂલવાનો પ્રયત્ન કરો. જો એ અશક્ય હોય તો શ્રેષ્ઠ સ્થાન જ્યાં તમારા વિચારો અને ખ્યાલો તમને અનુકૂળ આવે ત્યાં છે. મુસ્લિમોના ગરીબ સામાન્ય જનસમુદાયને હું નુકસાન કરવા નથી માગતો. એમણે ઘણું સહન કર્યું છે અને અલગ રાજ્ય અને અલગ વતન મેળવ્યાનો તમારો દાવો કે એ માટેનો યશ ગમે તેવો હોય, તમને જે મળ્યું છે તે માટે ઈશ્વર તમારું ભલું કરે- પણ મુસ્લિમોએ – ગરીબ મુસ્લિમોએ જે સહન કર્યું છે તે ભૂલશો નહીં. એમને શાંતિથી એમની સખત મહેનતનાં ફળ ભોગવવાં દો.

મને યાદ છે કે ગયે વખતે ૧૯૪૭ના ઓગસ્ટમાં જે સદ્ગૃહસ્થે આ પ્રસ્તાવ અહીં રજૂ કરેલો તેમણે અલગ મતદારમંડળોની માગણી કરતાં, હું માનું છું, એમ કહેલું કે મુસ્લિમોની આજે બહુ તાકાતવાન, સુઘટ્ટ અને સુસંગઠિત લઘુમતી છે. બહુ સરસ. જે લઘુમતી દેશના ભાગલા પડાવી શકે એ લઘુમતી જ નથી. તમે લઘુમતી છો એમ શા માટે ધારો છો? જો તમે તાકાતવાન, સુઘટ્ટ અને સુસંગઠિત લઘુમતી હોવ તો તમે શા માટે સલામતીઓ માગવા ઈચ્છો છો? શા માટે વિશેષાધિકારો માગવા ઈચ્છો છો? જ્યારે ત્રીજો પક્ષ હતો ત્યારે તો ચાલ્યું: પણ હવે એ બધું પૂરું થઈ ગયું. એ સ્વપ્ન તો ઘેલછાથી ભરેલું સ્વપ્ન છે અને હવે એ તદ્દન ભૂલી જવું જોઈએ. એનો કદી વિચાર જ ન કરશો. એવી કલ્પના ન કરશો કે કોઈપણ અહીં આવીને ત્રાજવું પકડી રાખશે અને એને કાયમ ઊંચુંનીચું કર્યા કરશે. એ બધું ગયું. એટલે લઘુમતીનું-કોઈપણ લઘુમતીનું – ભાવિ બહુમતીનો વિશ્વાસ કરવામાં રહેલું છે. બહુમતી ખરાબ વર્તન કરશે તો દુઃખી થશે. બહુમતી પોતાની જવાબદારી નહીં સમજે તો એ આ દેશનું દુર્ભાગ્ય હશે. હું લઘુમતી કોમનો સભ્ય હોઉં તો લઘુમતી કોમનો સભ્ય છું એ વાત જ ભૂલી જાઉં. શા માટે કોઈપણ કોમનો માણસ આ દેશનો વડો પ્રધાન ન બને? બ્રાહ્મણને આજે પડકાર ફેંકનાર શ્રી નાગપ્પા જ શા માટે ન બને? વીસ એકર જમીનની માલિકી એમને અનુસૂચિત જાતિના સભ્ય બનવાનો અધિકાર નથી આપતી એ સાંભળીને હું રાજી થયો છું. એમણે કહ્યું કે, ‘એ મારો વિશેષાધિકાર છે, કારણ કે હું એ અનુસૂચિત જાતિમાં જન્મ્યો હતો. પહેલાં તમારે અનુસૂચિત જાતિમાં જન્મ લેવો પડે.’

(ક્રમશઃ)

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન