સાસારામમાં ૩૫ લાખ લૂંટવાની કોશિશ કરતાં ટોળાંએ લૂંટારુને રહેંસી નાખ્યો - Sandesh
  • Home
  • India
  • સાસારામમાં ૩૫ લાખ લૂંટવાની કોશિશ કરતાં ટોળાંએ લૂંટારુને રહેંસી નાખ્યો

સાસારામમાં ૩૫ લાખ લૂંટવાની કોશિશ કરતાં ટોળાંએ લૂંટારુને રહેંસી નાખ્યો

 | 2:26 am IST

। સાસારામ ।

બિહારમાં મોબ લિચિંગના કિસ્સા અટકવાનું નામ નથી લેતા. હાલ બેગુસરાય અને સીતામઢીના મામલા ઠંડા પડયા નથી ત્યાં સાસારામ ખાતે લૂંટ કરવાના ઇરાદે આવેલા એક શખસને લોકોએ ઢોરમાર મારતાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. ઘટના સાસારામ રેલવે સ્ટેશને બની હતી. મળતી માહિતી પ્રમાણે એક બદમાશે રેલવે બુકિંગ ક્લાર્ક પાસેથી ૩૫ લાખ રૂપિયા લૂંટવાની કોશિશ કરી હતી. ખેંચતાણમાં બદમાશે ફાયરિંગ કરી દીધું અને એ ગોળીથી એક મહિલા જખમી થઈ ગઈ. ગોળી ચાલ્યા બાદ ટોળાએ બદમાશને ઘેરી લીધો અને તેની બરાબરની પિટાઈ કરી. ટોળાએ તેને એટલો પીટી નાખ્યો કે તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. મરનારની ઓળખ હજી સુધી થઈ શકી નથી. પોલીસે ઘટનાસ્થળ જઈ મૃતદેહનો કબજો લઈ લીધો હતો. આ ઘટના પછી ફરી એક વાર બિહાર શાસન પર આંગળી ઊઠી છે.

સીતામઢીમાં ટોળાંએ નિર્દોષને મોતને ઘાટ ઉતાર્યો

બિહારના સીતામઢીમાં ટોળાએ વગર સમજે એક નિર્દોષ યુવક નામે રૂપેશકુમાર ઝાને ઢીબી નાખતાં તેનું મોત થઈ ગયું હતું. રૂપેશ દાદીની વરસી માટે સામાન લેવા સીતામઢી જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં પિક-અપવાળા સાથે રોડ પર ઝઘડો થઈ ગયો. દરમિયાન પિક-અપવાળાએ બૂમાબૂમ કરી મૂકતાં ટોળું જમા થઈ ગયું હતું. ટોળાએ રૂપેશને ઢોર માર મારતાં તેનું મોત થયું હતું. આ મામલે પોલીસની લાપરવાહી પણ સામે આવી હતી. હાલમાં પોલીસે ૧૫૦ લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

;